નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલના હસ્તે સમારોહનું ઉદ્ઘાટન, મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી કલાકારોનું સન્માન કરશે
બે દિવસીય મહોત્સવમાં સંગીતની પ્રખર સાધના કરાશે પાંચ મિનિટમાં ૨૧ રાગ ગાવાનો વર્લ્ડ રેકોર્ડ બનાવાશે
પદ્મશ્રી આશા ભોંસલેને પણ કરાશે સન્માનિત
મહેસાણાના વડનગરની બહેનો તાના અને રીરીની યાદમાં તાનારીરી મહોત્સવ દર વર્ષે ઉજવાતો હોય છે. આ વર્ષે આ મહોત્સવ ૧૭ અને ૧૮ નવેમ્બરના રોજ યોજાશે. આ ઉત્સવમા દેશના ટોચના કલાકારોને આમંત્રિત કરીને તેમનું સન્માન કરવામા આવે છે. આ મહોત્સવનું ઉદ્ઘાટન નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલના હસ્તે થશે તેમજ તાનારીરી વિજેતા કલાકારોનું સન્માન મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે કરવામાં આવનાર છે.
વડનગરની બે નાગર બહેનોની યાદમાં રાજ્ય સરકાર દ્વારા કલા અને સાંસ્કૃતિ વારસો જાળવી રાખવાનું કામ તાના-રીરી મહોત્સવ દ્વારા થઇ રહ્યું છે. તાનારીરી સમાધિ સ્થળ ખાતે આ બંને દિવસે સાંજે ૭.૩૦ કલાકે કાર્યક્રમનો પ્રારંભ થશે.
આ મહોત્સવમાં ૨૦૧૦થી સંગીત સન્માન એવોર્ડ આપવાની શરૂઆત તે સમયના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ કરી હતી. જે પ્રથા હજી પણ યથાવત છે. જેમાં કલાકારોનું ૫ લાખ રૂપિયા, તામ્રપત્ર અને શાલ ઓઢાડીને સન્માન કરવામાં આવે છે. આ વર્ષે પદ્મશ્રી વિજેતા અને ગાયક આશા ભોંસલે તથા પદ્મભૂષણ ડો.એન. રાજમ અને વિદુષી રૂપાંદે શાહને સન્માનિત કરવામાં આવશે.
તાનારીરી મહોત્સવના પ્રથમ દિવસે ૧૭ તારીખે શનિવારે કલાગુરૂ મહેશ્વરી નાગરાજન અને નૃત્ય કલા કેન્દ્ર અમદાવાદ દ્વારા પ્રાર્થના, નૃત્ય ભરત નાટયમ સમુહ કૃતિ રજુ થશે. અમદાવાદની તબલા તાલીમ સંસ્થા સપ્તક સ્કુલ ઓફ મ્યુઝિક દ્વારા સમૂહ તબલા વાદન, સિતાર સંતૂર, સમૂહ વાદનની કૃતિ રજુ કરાશે. વિદુષી પિયુબેન સરખેલ ગાયન રજુ કરાશે. પંડિત વિશ્વમોહન ભટ્ટ (જયપુર), સલીલ ભટ્ટ અને હિમાંશુ મહેતા દ્વારા મોહનવિણા, સાત્વીકવિણા અને તબલા રજુ કરાશે. આ ઉપરાંત આ દિવસે સાયલી તલવાલકર મુંબઇ દ્વારા ગીતોની પ્રસ્તુતિ કરાશે.
૧૮ નવેમ્બર મહોત્સવના બીજા દિવસે તાનારીરી પુરસ્કાર વિજેતા પદ્મશ્રી આશા ભોંસલે,પદ્મભૂષણ ડો. એન.રાજમ અને વિદુષી રૂપાંદે શાહને સન્માનિત કરાશે. આ દિવસે ડો.ધારી પંચમદા દ્વારા ૫ મિનીટમાં ૨૧ રાગ ગાવાનો રેકોર્ડ રચવામાં આવશે. જે ગિનીશ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ માટે મોકલાશે.
પદ્મભુષણ સંગીતકાર ડો. એન.રાજમ દ્વારા વાયોલીન વાદન, સાધના સરગમ દ્વારા ગીત રજૂ કરાશે. ત્યાર બાદ મુંબઈના ઋષિકેશ સેનુંદા વાંસળીવાદન કરશે. આ કાર્યક્રમમાં અતિથી વિશેષ તરીકે યાત્રાધામ, મહિલા અને બાળ કલ્યાણ તેમજ શિક્ષણ વિભાગનાં રાજ્યકક્ષાના મંત્રી વિભાવરીબેન દવે, સહકાર તેમજ રમત-ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, વાહન વ્યવહારના રાજ્યકક્ષાનાં મંત્રી ઈશ્વરભાઈ પટેલ ઉપરાંત અધિકારીઓ તેમજ પદાધિકારીઓની વિશાળ ઉપસ્થિતિ રહેશે.
સંગીત સામ્રાજ્ઞી તાના અને રીરીની સ્મૃતિમાં ૧૯૮૩થી યોજાઈ છે મહોત્સવસ્વ.સંગીત સામ્રાજ્ઞી તાના અને રીરીની સ્મૃતિમાં વડનગરના શાસ્ત્રીય સંગીતના સાંસ્કૃતિક વારસાની સમસ્ત વિશ્વને જાણ થાય તે શુભ હેતુથી શાસ્ત્રીય સંગીતત્સવનો તાનારીરી મહોત્સવ તરીકે ૧૯૮૩થી પ્રારંભ પ્રારંભ કરવામાં આવેલ ૧૯૮૩ થી ૧૯૮૬ સુધી વડનગર ખાતે મહોત્સવનું આયોજન કરવામાં આવેલ. સ્વ.તાનાગીરી સિધ્ધીઓ વિષયક બહોળા પ્રચાર-પ્રસાર હેતુથી ૧૯૮૬ થી ૨૦૦૨-૦૩ સુધી સમગ્ર રાજ્યના અલગ અલગ સ્થળોએ તાનારીરી મહોત્સવનું આયોજન હાથ ધરવામાં આવેલ.
વર્ષ ૨૦૦૩-૦૪થી તાનારીરીની સ્મૃતિમાં કાયમી સ્વપે વડનગર ખાતે જ આયોજન કરવાનું નકકી કરવામાં આવ્યું. તાનારીરી મહોત્સવમાં રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય કક્ષાના કલાકારો તરીકે તા.૨૩/૮/૦૩ના રોજ પં.હરિપ્રસાદ ચૌરસીયા દ્વારા બાંસુરી વાદન અને તા.૨૩/૮/૦૩ના રોજ અશ્વીની ભીડે દ્વારા શાસ્ત્રીય ગાયન પ્રસ્તુત થયેલ.
ત્યારબાદ દર વર્ષે માત્ર ૨૦૦૭-૦૮ સીવાય આ મહોત્સવ યોજાઈ રહ્યો છે. વર્ષ ૨૦૦૭-૦૮માં આચારસંહિતાના કારણે આ મહોત્સવ મોકુફ રાખવામાં આવ્યો હતો. ઉપરાંત વર્ષ ૨૦૧૦માં ૩૯૨ કલાકારોએ મહોત્સવમાં ભાગ લીધો હતો. આ પ્રસંગે રાજયમાં પ્રથમવાર ૩૫થી વધુ મહિલાઓએ સમૂહમાં સિતાર વાદન કરીને અજોડ સિધ્ધી રચી હતી. ત્યારબાદ વર્ષ ૨૦૧૧-૧૨માં ૩૨૧ કલાકારોએ સમૂહમાં તબલાવાદનનો વિશ્વ વિક્રમ સર્જયો હતો.
તાના અને રીરી બન્ને બહેનો તાનસેનથી પણ વધુ પ્રખર સંગીત જ્ઞાની હતા
સોળમી સદીમાં ભકત કવિ નરસિંહ મહેતાની દિકરી કુંવરબાઇએ પોતાની પુત્રી શર્મિષ્ઠાને વડનગર પરણાવી હતી. શર્મિષ્ઠાને બે દિકરી હતી જેના નામ તાના અને રીરી હતાં. તાના-રીરીએ સંગીતની આકરી સાધના કરીને રાગ-રાગિણીઓને આત્મસાત કર્યા હતા. બન્ને બહેનો ભૈરવ, વસંત, દિપક, અને મલ્હાર જેવા રાગોને એકદમ ચોક્કસાઇપૂર્વક ગાઇ શકતી હતી.
સોળમી સદીના એ સમયમાં દિલ્હીના બાદશાહ અકબરના દરબારમાં નવ રત્નો હતા. એ નવ રત્નોમાં એક તાનસેન હતા. તાનસેન સંગીતના પ્રખર જ્ઞાની હતા, પણ તાના-રીરી જેટલા નહી.
એક વખત અકબર બાદશાહે તાનસેનને દિપક રાગ ગાઇને દિવડાઓ સળગાવવાનું કહ્યું. તાનસેન જાણતાં હતા કે દિપક રાગ ગાવવાથી દિવડાઓ સળગી ઉઠે પણ એ સાથે એ રાગ ગાનારાના શરીરમાં પણ દાહ ઉપડે છે. શરીરમાં ઉપડેલો એ દાહને શાંત કરવાનો એક જ ઉપાય હતો, મલ્હાર રાગ ગાઇને વરસાદ વરસાવવો!!! તાનસેન મલ્હાર રાગ ચોક્કસાઇપૂર્વક ગાઇ શકતા ન હતા એટલે પહેલા તો તેમણે અકબર બાદશાહને દિપક રાગ ગાવાની સવિનય ના પાડી,
પણ અકબર બાદશાહે જીદ કરી એટલે એમણે દિપક રાગ ગાયો અને દિવડાઓ એ રાગ થકી પ્રગટી ઉઠયા. એ સાથે જ તાનસેનના શરીરમાં પણ અગન ઉપડયો. તાનસેન પોતાના શરીરમાં ઉપડેલા એ અગનઝાળને શાંત કરવા મલ્હાર રાગ ચોક્કસાઇપૂર્વક ગાઇ શકતી વ્યકિતની શોધમાં નીકળ્યા. યોગ્ય વ્યકિતની શોધ કરતાં-કરતાં તાનસેન વડનગર પહોચ્યા અને રાત થઇ હોવાથી શર્મિષ્ઠા તળાવે મુકામ કર્યો.
વહેલી સવારે ગામની બહેનો શર્મિષ્ઠા તળાવમાં પાણી ભરવા માટે આવવા લાગી. તાના-રીરી પણ આવી. રીરીએ પાણીનો એક ઘડો ભર્યો જયારે તાના પાણીનો ઘડો ભરતી હતી અને ફરી પાછી ઘડાનું પાણી તળાવમાં પાછું ઠાલવતી હતી. ’તાના બહેન આ તું શું કરે છે? “કુતુહલવશ રીરીએ તાનાને પુછયું. રીરી, હું ઘડામાં પાણી ભરૂં છું ત્યારે પાણી ભરવાનો અવાજ આવે છે, એ અવાજ મલ્હાર રાગ જેવો નીકળશે ત્યારે જ હું ઘડો પાણીથી ભરીને ઘરે લઇ જઇશ. તાનાએ પોતાની બહેનને જવાબ આપ્યો.
તાનાએ અલગ-અલગ રીતે ઘડામાં પાણી ભર્યુ અને જયારે મલ્હાર રાગ જેવો પાણી ભરવાનો અવાજ આવ્યો ત્યારે તે ખુશ થઇ અને ઘડો માથા ઉપર મુકયો. શર્મિષ્ઠા તળાવ ના કિનારે તાનસેન એ બન્ને બહેનોને નિહાળી રહ્યા હતા. તાનાની વાત સાંભળીને તેને હાશકારો થયો.’ હું જે વ્યકિતની શોધમાં છું એ તો આ બે બહેનો જ છે. જે વ્યકિત પાણી ભરવાના અવાજને મલ્હાર રાગની સાથે સરખામણી કરી શકે તે મલ્હાર રાગ તો ચોક્કસાઇપૂર્વક ગાઇ શકે જ.
“તાનસેન આમ વિચારતો એ બન્ને બહેનો પાસે ગયો અને પોતે એક બ્રાહ્મણ છે એવી ઓળખાણ આપી પોતાના શરીરમાં લાગેલી અગનદાહ વિશે વાત કરી. એ અગનદાહને શાંત કરવા એ બન્ને બહેનોને મલ્હાર રાગ ગાવાની તાનસેને વાત કરી. તાના-રીરીએ પોતાના પિતાની સંમતિ લઇને તળાવ પાસે આવેલા હાટકેશવર મહાદેવના મંદિરમાં મલ્હાર રાગ ગાવાની શરૂઆત કરી. તાનપુરાના તાર ઉપર નાજુક કોમળ આંગળીઓ રમવા લાગી. તાના-રીરીએ મેઘ મલ્હાર છેડયો અને થોડી જ વારમાં મેઘ વરસી પડયો. તાનસેનના તન અને મનનો અગનદાહ શાંત પડયો. તાનસેન એ બન્ને બહેનોનો આભાર માન્યો. તાના-રીરીએ આ બાબતની વાત કોઇને ન કરવાનું તાનસેન પાસેથી વચન લીધું.
થોડા સમય બાદ તાનસેન અકબરના દરબારમાં ફરી હાજર થયો ત્યારે તેના અગનદાહને શાંત પડેલો જોઇને અકબરે તેને પુછયું,’તાનસેન તમે તો કહેતા હતા ને કે તમારા શરીર નો અગનદાહ શાંત પડી શકે તેમ નથી તો આ ચમત્કાર કેમ થયો? વચનથી બંધાયેલા તાનસેને અકબર બાદશાહને ખોટી વાત કરી. બાદશાહને સંતોષ થયો નહી એટલે એમણે તાનસેનને મૃત્યુદંડની સજાની બીક બતાવી ત્યારે તાનસેને સાચી વાત જણાવી દીધી.
તાનસેનની વાત સાંભળીને અકબરે તાના-રીરીને માનભેર પોતાના દરબારમાં લાવવાનો હુકમ કર્યો. સેનાપતિઓ તાના-રીરીને દિલ્હી લાવવા માટે વડનગર આવ્યા. સેનાપતિ ઓએ બાદશાહની ઇચ્છા જણાવી પણ તાના-રીરીને કશું અઘટિત લાગતાં દિલ્હી આવવાની ના પાડી. આથી સેનાપતિઓ તાના-રીરીને બળજબરથી દિલ્હી લઇ જવા દબાણ કરવા લાગ્યા.
બન્ને બહેનોએ મનોમંથન કરી આત્મબલિદાનનો માર્ગ અપનાવ્યો. ઇષ્ટદેવની પુજા કરી બન્ને બહેનોએ અગ્નિસ્નાન કર્યુ. તાના-રીરી વિશે તાનસેનને વાત જાણવા મળી ત્યારે તેને ખૂબ જ આઘાત લાગ્યો. તાનસેને એ બન્ને મહાન બહેનોના માનમાં નોમ…. તોમ…. ઘરાનામા… તાના-રીરી… આલાપ જગતભરમાં પ્રસિદ્ઘ કર્યો. આજે પણ સંગીતજ્ઞો કોઇપણ આલાપને ગાવાનું શરૂ કરે એ પહેલા નોમ….તોમ….ઘરાનામા…તાના-રીરી…આલાપ ગાઇને તાના-રીરીને શ્રધ્ઘાંજલી અર્પિત કરે છે.
વડનગરમાં તાના-રીરીની દેરીઓ આજે પણ હયાત છે. શર્મિષ્ઠા તળાવ પાસે આવેલા તાના-રીરી બગીચામાં તાના-રીરી શાસ્ત્રીય સંગીતનું આયોજન કરવામાં આવે છે જેને હજારો દર્શકો દર વર્ષે માણે છે.