રાજકોટમાં 41 ડિગ્રી તાપમાન સાથે લુ વરસતી રહી, અમદાવાદમાં યલો એલર્ટ જાહેર: એપ્રિલ માસમાં પારો 45 ડિગ્રીએ પહોંચશે
રાજકોટમાં સોમવારે ગરમીનો પારો 41 ડિગ્રી નોંધાયો હતો. જેની સાથે સિઝનનો સૌથી ગરમ દિવસ રહ્યો હતો અને આખો દિવસ લૂ વરસતી રહી હતી. રાજકોટમાં હજુ બે દિવસ સુધી હીટવેવ જળવાશે અને ગરમીનો પારો 41 થી 42 ડિગ્રીની વચ્ચે રહેશે. જ્યારે બુધવારથી વિન્ડ પેટર્ન ચેન્જ થવાથી ગરમીનો પારો નીચો જશે. આ સિવાય રાજકોટ, ભાવનગર, કચ્છ અને બનાસકાંઠા વિસ્તારમાં આગામી દિવસોમાં તાપમાન વધે તેવી શક્યતા પણ હવામાન વિભાગે કરી છે.
જોકે એપ્રિલ મહિનામાં ગરમીનો પારો 45 ડિગ્રી સુધી જવાની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે. હવમાન ખાતાના જણાવ્યા મુજબ બુધવારથી વિન્ડ પેટર્ન ચેન્જ થશે જેને કારણે ગરમીમાં બેથી ત્રણ ડિગ્રીનો ઘટાડો આવશે. આ ઘટાડો શનિવાર સુધી જળવાઈ રહેશે. શનિવાર બાદ ફરી પાછો તાપમાનનો પારો ઊંચકાશે. એપ્રિલ માસમાં વાયવ્ય દિશામાંથી પવન ફૂંકાતા હોય છે. રાજસ્થાનના રણથંભોરમાંથી ફૂંકાતા પવનો કચ્છ સુધી આવે છે. જેની અસર સૌરાષ્ટ્રમાં જોવા મળતી હોય છે.તેથી આખો મહિનો સતત ગરમી રહેશે. આ વખતે એપ્રિલ માસમાં ગરમીનો પારો 45 ડિગ્રી સુધી જવાની શક્યતા છે.
સુરેન્દ્રનગર, અમરેલી જિલ્લામાં તાપમાનનો પારો સૌથી વધુ રહેશે. એપ્રિલમાં આખો માસ ગરમી રહ્યા બાદ મે માસમાં લોકોને ગરમીમાંથી રાહત મળશે. આ દિવસોમાં વાદળો છવાઈ જતા હોવાથી ગરમીનો પારો નીચે જતો રહેશે. તેમ હવામાન વિભાગે જણાવ્યું છે. એપ્રિલ માસ રાજકોટ માટે પણ ગરમ બની રહેશે.આગામી 48 કલાક ગરમીમાં થોડી રાહત રહેશે. પરંતુ, એપ્રિલના મધ્યમથી બપોરના સમયે સ્વયંભૂ કરફર્યૂ કરાવી દે તેવો આકરો તાપ પડશે.