રાજકોટનું મહત્તમ તાપમાન 42.3 ડિગ્રી સાથે 12 કિમી પ્રતિકલાકની ઝડપે ગરમ પવન ફૂંકાયો: જૂનાગઢ-અમરેલીમાં છુટાછવાયા ઝાપટાની શકયતા
સૌરાષ્ટ્ર-કચ્છમાં વાતાવરણ સતત બદલાઈ રહ્યું છે ત્યારે રવિવારે હળવા ઝાપટા બાદ ગઈકાલે રાજકોટનું મહત્તમ તાપમાન 42 ડિગ્રીને પાર થઈને 42.3 ડિગ્રીએ પહોચ્યું હતું. ત્યારે હવામાન વિભાગની આગાહી મુજબ આગામી બે દિવસ કચ્છ, પોરબંદર, બનાસકાંઠા અને સાબરકાંઠાના જિલ્લામાં હિતવેવની સ્થિતિ રહેશે જ્યારે સૌરાષ્ટ્ર-કચ્છના અમુક વિસ્તારોમાં માવઠા પડી શકે તેવી પણ સંભાવના વ્યકત કરવામાં આવી રહી છે.
ઉલ્લેખનીય છે કે, આગામી બે દિવસ સૌરાષ્ટ્રમાં હિટવેવ રહેશે. ત્યારબદના 3 દિવસ દરમિયાન ફરી તાપમાનમાં 3 ડિગ્રીનો ઘટાડો જોવા મળશે અને લોકોને ગરમીમાંથી આંશિક રાહત મળશે. સાઇકલોનિક સર્ક્યુલેશન ઉત્તર ગુજરાતની સાથે દક્ષિણ રાજસ્થાન અને તેના નજીકના વિસ્તારોમાં જોવા મળ્યું હતું. પરિણામે વાતાવરણમાં બદલાવ આવ્યો હતો અને અમુક વિસ્તારમાં હળવા ઝાપટા તો રાજકોટમાં બપોરે ભારે લુ નો લોકોએ સામનો કર્યો હતો.
હવામાન વિભાગનો આગાહી મુજબ બે દિવસ રાજ્યના અમુક વિસ્તારોમાં ભારે હીટવેવની સ્થિતિ રહેશે. ગુરૂવારથી પવનની ગતિમાં પણ સામાન્ય વધારો જોવા મળશે. સૌરાષ્ટ્ર-કચ્છ એટલે કે અમરેલી, જૂનાગઢ સહિતના વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડી શકે તેમ છે. સતત છેલ્લા બે દિવસથી વાતાવરણમાં જે પલટો આવ્યો છે તેનાથી રોગચાળો ભારે વકરી શકે તેવો દહેશત ફેલાવા પણ પામી છે. બીજી તરફ સતત ધૂળની ડમરીઓ પણ ઊડતી જોવા મળે છે. સોમવારે બપોરે રાજકોટનું તાપમાન 42.3 ડિગ્રી નોંધાયું હતું જ્યારે 12 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ગરમ પવન ફૂંકાયો હતો.
હાલ તો આગામી બે દિવસ કચ્છ, પોરબંદર, બનાસકાંઠા અને સાબરકાંઠાના વિસ્તારોમા હિતવેવની સાથે ગરમ પવનો ફૂંકાશે જયારે સૌરાષ્ટ્ર-કચ્છના અમરેલી અને જૂનાગઢ તેમજ ગીર-સોમનાથમાં હળવા ઝાપટાની પણ આગાહી કરવામાં આવી છે.
રાજ્યમાં હાલ લોકો કોરોના મહામારીનો સામનો કરી રહ્યા છે. આ વચ્ચે ધરતીપુત્રોની કમોસમી વરસાદે ચિંતા બમણી કરી દીધી છે. રાજ્યમાં છેલ્લા એક સપ્તાહથી અલગ અલગ વિસ્તારમાં કમોસમી વરસાદ વરસી રહ્યો છે. ગઈકાલે જ રાજકોટ, જામનગર, સુરેન્દ્રનગર, કચ્છ, વલસાડ અને અમરેલી જિલ્લામાં કમોસમી વરસાદ વરસ્યો હતો. કેટલાક વિસ્તારમાં તો ભારે પવન અને કરા સાથે વરસાદ વરસ્યો હતો. માવઠાના કારણે ઉનાળું પાકનું વાવેતર કરનારા ધરતીપુત્રોની ચિંતામાં વધારો થયો છે. હવામાન વિભાગ મુજબ, રાજસ્થાનમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ઊભું થયું છે. જેની અસર સૌરાષ્ટ્રમાં વર્તાઈ છે. આગાહી મુજબ આગામી 5 દિવસોમાં પણ રાજ્યના કેટલાક ભાગોમાં વરસાદ થવાની શક્યતા છે. આ સાથે જ તાપમાનનો પારો પણ 2-3 ડિગ્રી સેલ્સિયસ જેટલો વધશે જેથી હીટવેવની પણ આગાહી કરાઈ છે.
હવામાન વિભાગે આગામી 5 દિવસ માટે કરેલી આગાહી મુજબ, આગામી 5 દિવસ 1લી મે સુધી અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢ, રાજકોટ તથા કચ્છના છૂટા છવાયા વિસ્તારોમાં વાવાઝોડા સાથે હળવો વરસાદ પડી શકે છે. આ દરમિયાન 40 કિમીની ઝડપે પવન ફૂંકાય તેવી શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે. જ્યારે 27 અને 28 એપ્રિલ દરમિયાન સુરત, કચ્છ, પોરબંદર, બનાસકાંઠા, સાબરકાંઠા જિલ્લાઓમાં હીટવેવની સ્થિતિ રહેશે. એવામાં લોકોને બપોરના સમયે તાપમાં બહાર ન નીકળવા સૂચન કરાયું છે. અમદાવાદ શહેરમાં પણ વાદળ છાયુ વાતાવરણ રહેશે, તથા તાપમાનનો પારો 43 ડિગ્રી સુધી પહોંચી શકે છે.