સૌરાષ્ટ્રના લાખો શ્રદ્ધાળુઓ રફાળેશ્વર મંદિરે આવેલા પ્રાચીન પીપળે પિતૃતર્પણ કરશે : મેળાને વિમાનું રક્ષાકવચ : ૨૦ સીસીટીવી કેમેરા ગોઠવાશે
મોરબી નજીક આવેલા પ્રાચીન રફાળેશ્વર મહાદેવ મંદિરના વિશાળ મેદાનમાં પ્રતિવર્ષ મુજબ શ્રાવણી અમાસનો બે દિવસીય પૌરાણિક મેળો યોજાશે. ધાર્મિક દ્રષ્ટીએ પ્રાચીન પરંપરા મુજબ મોરબી સહીત સૌરાષ્ટ્રના લાખો લોકો અહીના પ્રાચીન પીપળે પિતૃ તર્પણ કરશે. આ લોક મેળામાં જાંબુડિયા ગ્રામ પંચાયત દ્વારા મનોરંજનની સાથે લોકોની સલામતી સુરક્ષા માટે ખાસ પ્રબંધ કરાયો છે.
જાંબુડિયા ગ્રામ પંચાયત દ્વારા રફાળેશ્વર ગામના પ્રાચીન મહાદેવ મંદિરના વિશાળ મેદાનમાં તા.૨૦ અને તા.૨૧ના રોજ વર્ષોની પરંપરા મુજબ પૌરાણિક મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. આ પૌરાણિક મેળો તા.૨૦ ના રોજ સાંજે ખુલો મુકાશે. આ પૌરાણિક મેળામાં અવનવી રાઇડ્સ, ટોરાટોરા, મૌતનો કુવો, જાતભાતના રમકડા તથા ખાણીપીણીના સ્ટોલો સહીત મનોરંજનની તમામ સુવિધા ઉપલબ્ધ કરાઈ છે. રફાળેશ્વરના પૌરાણિક મેળાનું ધાર્મિક દ્રષ્ટીએ અનેરું મહત્વ છે.
ખાસ કરીને તા.૨૦ ની રાત્રે મેળામાં ઠેર ઠેર ભજનની રાવટીઓ ધમધમશે. સંત અને સુરાની ભૂમિમાં ભગવાન ભોળાનાથના પ્રાચીન ભજનોની રમઝટ જામશે.
અને રાત્રે મોરબી વાંકાનેર સહિતના આસપાસના ગામોમાંથી અનેક લોકો પરિવારો સાથે ઉમટી પડશે અને મેળાની મોજ માણશે. જયારે સાચો મેળો અમાસના દિવસે ભરાશે. અને મેળાની રંગત ઔર ખીલી ઉઠશે. માન્યતાઓ અનુસાર સૌરાષ્ટ્ર ભરના લાખો લોકો મેળામાં ઉમટી પડીને મહાદેવ મંદિરના પ્રાચીન પીપળે પિતૃતર્પણ કર્યા બાદ મેળાની મોજ માણશે. આ મેળામાં લોકોની સલામતી અને પ્રાથમિક સવલતો ઉપલબ્ધ કરાય છે. જેમાં ૨૦ સીસીટીવી કેમેરા, મોબાઈલ ટોઇલેટ, ફાવર તથા આરોગ્યની સુવિધા અને મેળાનો રૂ. ૩ કરોડનો વીમો ઉતારાયો છે.મેળાના આયોજનમાં ક્યાંઈ ઉણપ ન રહે તે માટે મોરબી તાલુકા ભાજપ ઉપપ્રમુખ વિક્રમભાઈ ગોલતર, સરપંચ રમેશભાઈ પાંચિયા, અને ઉપસરપંચ શિવુભા ગઢવી સહિતના લોકોએ ભારે જહેમત ઉઠાવી રહ્યા છે.