- લોકાભિમુખ વહીવટ એટલે લોકકલ્યાણની ભાવના સાથેનો પ્રજાકેન્દ્રી વિચાર -જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજા
- રાજ્યકક્ષાની ચિંતન શિબિરના સફળતાપૂર્વક આયોજન બાદ જિલ્લાકક્ષાની ચિંતન શિબિરનો પ્રારંભ આજે સાગરદર્શન ખાતે જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાના માર્ગદર્શન અને નિશ્રામાં થયો હતો.
ચિંતન શિબિરનો પ્રારંભ કરાવતા જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાએ “લોકાભિમુખ વહીવટ” વિશે માર્ગદર્શન આપતા જણાવ્યું હતું કે, જિલ્લાકક્ષાની ચિંતન શિબિરએ જિલ્લાની વાત રાજ્યકક્ષાએ પહોંચાડવાનું સક્ષમ માધ્યમ બને તે વિચાર સાથે જિલ્લાકક્ષાની ચિંતન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે કલેક્ટરએ “લોકાભિમુખ વહીવટ”ની વિભાવના સ્પષ્ટ કરતા જણાવ્યું કે, લોકાભિમુખ વહીવટ એટલે લોકકલ્યાણની ભાવના સાથેનો પ્રજાકેન્દ્રી વિચાર. પ્રજા અને સરકાર વચ્ચેનો ગેપ ઓછામાં ઓછો કરી શકાય તેનું ચિંતન આ શિબિરમાં કરવામાં આવશે.
વહીવટ શબ્દમાં જ ઘણુંબધું સમાયેલું છે. સરકારનું કામ નફો કમાવાનું નથી. પરંતુ પ્રજાની સારામાં સારી સેવા સમયસર પહોંચાડવા માટેનું માધ્યમ સરકારી સેવામાં રહીને કરી શકાય તે અંગેનું મનોમંથન પણ આ શિબિરમાં કરવામાં આવશે. તેમણે વધુમાં જણાવ્યું કે, ખોટા લોકોના કારણે સાચા લોકોને અન્યાય ન થાય તે રીતે અધિકારી તરીકે સરકાર તમારામાં નિહિત કરેલી શક્તિઓનો શ્રદ્ધાપૂર્વક ઉપયોગ કરીને લોકોનું કાર્ય પૂર્ણ થાય તે માટે કાર્ય કરવા માટે પ્રેરિત કરવાનો આજે સમય છે.
લોકોનો સરકાર પરનો વિશ્વાસ વધે અને સરકાર દ્વારા વહિવટી તંત્ર દ્વારા અનુભવસિદ્ધ અમલમાં મૂકવા માટેનો નીતિ નિર્ધારણ માટે મૂકેલા મુસદ્દાના પ્રજાકલ્યાણને લક્ષમાં લઈ સરકાર દ્વારા સમયબદ્ધ રીતે અમલમાં મૂકાય તે દિશામાં સકારાત્મક સૂચનો આ શિબિર દ્વારા ચોક્કસ નીપજશે. તેવો વિશ્વાસ કલેક્ટરએ વ્યક્ત કર્યો હતો.
નાગરિકોને પાણી, રોજગારી, શિક્ષણ, ગટર વ્યવસ્થા, આરોગ્ય જેવી સગવડો વધુ સારી રીતે આપી પ્રજાની સુખાકારીમાં કઈ રીતે વધારો કરી શકાય તે માટેનો વિચાર-વિમર્શ જિલ્લાકક્ષાની ચિંતન શિબિરમાં કરવામાં આવશે. તેના અનેક ઉદાહરણો આપીને કલેક્ટરએ ચિંતન શિબિરનો હાર્દ સ્પષ્ટ કર્યો હતો.
ચિંતન શિબિરમાં સ્વાગત પ્રવચન કરતા નિવાસી અધિક કલેક્ટર રાજેશ આલે જણાવ્યું હતું કે પ્રથમ જ્યોતિર્લિંગના આંગણે રાજ્યકક્ષાની 11 મી ચિંતન શિબિર યોજાઈ હતી. આ જ ઉપક્રમે હવે જિલ્લાકક્ષાની ચિંતન શિબિરનું આયોજન કરાયું છે. જેમાં જિલ્લાની કોર ટીમ સાથે વિવિધ વહીવટી બાબતો પર ચિંતન–મનન કરાશે.
આપણાં જિલ્લાની રાજ્ય સરકાર પાસે શું અપેક્ષા છે. તે આ ચિંતન શિબિરમાં ધ્વનિત કરવામાં આવશે. વિવિધ હિતધારકો સાથે પણ અલગ-અલગ મુદ્દે આ અંગે બેઠકો કરવામાં આવી છે અને તેમાંથી નિપજેલા નવનીતને રાજ્ય સરકારને પહોંચાડવાનો એક સુદ્રઢ પ્રયાસ કરવામાં આવશે, એમ પણ એમણે વધુમાં ઉમેર્યું હતું.
આ ચિંતન શિબિરના પ્રારંભે જિલ્લા પોલીસવડા મનોહરસિંહ જાડેજા, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી જૈમિનિ ગઢિયા, પ્રાંત અધિકારી સર્વ વિનોદ જોશી, ચિરાગ હિરવાણિયા, નાયબ કલેક્ટર-1 એફ.જે.માંકડા, નાયબ જિલ્લા વિકાસ અધિકારી દુદકિયા સહિતના અધિકારીઓ-કર્મચારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.
અહેવાલ : અતુલ કોટેચા