ખેતીની જમીન પડાવી લેવા સુદામડા અને સમઢીયાળાના પંદર જેટલા શખ્સોએ આંખમાં મરચુ છાંટી ધારિયા અને લાકડીથી હુમલો કરી રુા.2 લાખની લૂંટ પણ ચલાવી

પૂર્વ ધારાસભ્ય સહિતના આગેવાનો સુરેન્દ્રનગર હોસ્પિટલ દોડી ગયા: મૃતદેહ સ્વીકારવાનો ઇન્કાર

ચુડા નજીક આવેલા સમઢીયાળા ગામે દલિત પરિવારની વડીલોપાર્જીત ખેતીની જમીન હડપ કરવાના ઇરાદે સુદામડા અને સમઢીયાળાના પંદર જેટલા શખ્સોએ આંખમાં મરચુ છાંટી, ધારિયા અને લાકડીથી હુમલો કરી બે સગા ભાઇની કરપીણ હત્યા કર્યાની અને રુા.2 લાખની લૂંટ ચલાવ્યાની પોલીસમાં ફરિયાદ નોંધાતા સનસનાટી મચી ગઇ છે. એક જ પરિવારના બે હત્યા થતાં દલિત પરિવાર રોષે ભરાયો હતો અને હત્યાના આરોપીની ધરપકડ ન થયા અને પેનલ ડોકટર દ્વારા પોસ્ટમોર્ટમ ન થાય ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવાનો ઇન્કાર કરતા પોલીસમાં દોડધામ મચી ગઇ છે.

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ મુળ સમઢીયાળા ગામના વતની અને હાલ અમદાવાદના જુના વાડજ યુનિયન બેન્ક પાછળ રહેતા આલજીભાઇ પ્રેમજીભાઇ પરમાર નામના 60 વર્ષના દલિત વૃધ્ધ અને તેમના નાના ભાઇ મનોજભાઇ પરમાર (ઉ.વ.54) પર ધારિયા અને લાકડીથી હુમલો કરી હત્યા કરી, શાંતાબેન અને નંદનીબેન પર ખૂની હુમલો કરી રુા.2 લાખની લૂંટ ચલાવ્યાની તેમજ જ્ઞાતિ અંગે અપમાનિત કર્યાની સુદામડા ગામના અમરાભાઇ હરસુરભઆઇ ખાચર, નાગભાઇ હરસુરભાઇ ખાચર, મંગળુભાઇ અમરાભાઇ ખાચર, ભીખુભાઇ ભોજભાઇ ખાચર, સમઢીયાળાના ભાણભાઇ અને દસ થી પંદર જેટલા અજાણ્યા શખ્સો સામે પારુલબેન ખોડાભાઇ પરમારે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

મૃતક આલજીભાઇ પરમાર અને મનોજભાઇ પરમારની વડીલોપાર્જીત ખેતીની જમીન સમઢીયાળા ગામે આવેલી છે. આ જમીન હડપ કરવા માટે સુદામણાના શખ્સો અવાર નવાર ધાક ધમકી દેતા હોવાથી બંને પરિવર વચ્ચે ઘણા લાંબા સમયથી અદાવત ચાલે છે. આ અંગે કોર્ટમાં ચાલતા કેસનો દલિત પરિવારની તરફેણમાં હુકમ થયો હોવાથી વિવાદ વધુ વકર્યો હતો.

ગઇકાલે દલિત પરિવાર પોતાના ખેતરે હતા ત્યારે સુડામડા અને સમઢીયાળાના શખ્સો કારમાં ધારિયા અને લાકડી જેવા હથિયાર સાથે ઘસી આવ્યા હતા. ત્યારે નંદનીબેન વચ્ચે આવતા તેમની આંખમાં મરચુ છાંટી લાકડીથી માર માર્યા બાદ શાંતાબેનના માથામાં લાકડી મારતા તેમને બચાવવા આલજીભાઇ પ્રેમજીભાઇ પરમાર અને તેમના ભાઇ મનોજભાઇ પ્રેમજીભાઇ પરમાર દોડી આવ્યા હતા ત્યારે તેમના પર ધારિયા અને લાકડીથી હુમલો કરતા બંને ગંભીર રીતે ઘવાયા હતા. ચારેયને સારવાર માટે લીંબડી લઇ જવામાં આવ્યા હતા જયાં આલજીભાઇ પરમાર અને મનોજભાઇ પરમારના મૃત્યુ નીપજ્યાનું ફરજ પરના તબીબે જાહેર કર્યુ હતું. બંને મૃતદેહના પોસ્ટમોર્ટમ માટે સુરેન્દ્રનગર લઇ જવાયા હતા.

નંદનીબેન અને શાંતાબેનને વધુ સારવાર માટે સુરેન્દ્રનગર હોસ્પિટલમાં દાખલ કરાયા છે. સમઢીયાળા ગામે એક સાથે બે સગા ભાઇની ખેતીની જમીનના વિવાદના કારણે હત્યા થયાની જાણ થતા પૂર્વ ધારાસભ્ય નૌસાદભાઇ સોલંકી સુરેન્દ્રનગર દોડી આવ્યા હતા અને બંને મૃતદેહના વિડીયો શુટીંગ સાથે પેનેલ ડોકટરની ટીમ દ્વારા પોસ્ટમોર્ટમ કરાવવાની માગણી કરી હતી તેમજ જયાં સુધી હત્યાના ગુનામાં સંડોવાયેલા શખ્સોની ધરપકડ ન થયા ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવાનો ઇન્કાર કરતા પોલીસમાં દોડધામ મચી ગઇ છે.

સમઢીયાળા ગામે એક સાથે બે સગા ભાઇની ખેતીની જમીનના વિવાદના કારણે હત્યા થયાની જાણ થતા પૂર્વ ધારાસભ્ય નૌસાદભાઇ સોલંકી સુરેન્દ્રનગર દોડી આવ્યા હતા અને બંને મૃતદેહના વિડીયો શુટીંગ સાથે પેનેલ ડોકટરની ટીમ દ્વારા પોસ્ટમોર્ટમ કરાવવાની માગણી કરી હતી તેમજ જયાં સુધી હત્યાના ગુનામાં સંડોવાયેલા શખ્સોની ધરપકડ ન થયા ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવાનો ઇન્કાર કરતા પોલીસમાં દોડધામ મચી ગઇ છે. સુરેન્દ્રનગર હોસ્પિટલમાં મોટી સંખ્યામાં દલિત સમાજના ટોળે ટોળા એકઠાં થતાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. જ્યારે સુદામડા અને સમઢીયાળા ગામે કોઇ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. સુરેન્દ્રનગર જિલ્લાના ઇન્ચાર્જ પોલીસ વડા એચ.પી.દોશી સહિતના સ્ટાફે હત્યાના ગુનામાં સંડોવાયેલા શખ્સોને તાકીદે ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.

હુમલાખોરોએ કાર અને સીસીટીવી કેમેરામાં નુકસાન કર્યું

ચુડા તાલુકાના સમઢીયાળા ગામે બનેલી ઘટનામાં અમદાવાદથી જે સમઢીયાળા ગામે આવેલી જમીન છે તે ખેડવા માટે પરિવાર આવ્યો હતો બહારથી દાળિયા બોલાવી અને જમીન ખેડાવતા હતા તે દરમિયાન 10 થી 15 લોકો અચાનક ઘસી આવી અને હુમલો કરવામાં આવ્યો છે ત્યારે આ હુમલા ના પગલે બે સગા ભાઈઓના મોત થઈ ગયા છે ત્યારે હુમલાખોરો દ્વારા ગાડીઓ સીસીટીવી કેમેરાઓ તથા વાડી વિસ્તારમાં આવેલા અન્ય વસ્તુને પણ ભારે નુકસાન પહોંચાડવામાં આવ્યું છે ખાસ કરીને હથિયારો સાથે આવેલા આ ટોળાએ ગાડીઓ તથા અન્ય નુકસાન પહોંચાડ્યું છે હથિયાર થી હુમલો કરવામાં આવ્યો છે ત્યારે આ મુદ્દે પરિવાર ના અન્ય કેટલાક લોકોને પણ ઇજાઓ પહોંચી છે તેમને પણ સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા છે.

કલેકટર અને પોલીસમાં રજૂઆત કરવા છતાં કાર્યવાહી ન થતા ડબલ મર્ડર થયા

સમઢીયાળા ગામે આલજીભાઇ પરમાર અને મનોજભાઇ પરમારની હત્યાના સમગ્ર પંથકમાં ઘેરા પ્રત્યાઘાત પડયા છે. ત્યારે મૃતક પરિવાર પર જીવલેણ હુમલો થશે તેવી દહેસત વ્યક્ત કરતી સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા તા.5 જુલાઇના રોજ અને જિલ્લા કલેકટરને તા.7 જુલાઇના રોજ રજુઆત કરવામાં આવી હોવા છતાં પોલીસ દ્વારા કોઇ કડક કાર્યવાહી ન કરી નિષ્ક્રીયતા દાખવતા બંને સગા ભાઇઓએ જીવ ગુમાવવો પડયાના દલિત સમાજના આગેવાનો દ્વારા આક્ષેપ થઇ રહ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.