રૂપિયાની પ્રશ્ર્ને સુલભ શૌચાલયમાં પથ્થરના ઘા ઝીંકી મિત્રને મોતને ઘાટ ઉતાર્યાની કબૂલાત: કાલુપુર રેલવે સ્ટેશને પોલીસે ૨૪ કલાકના ધામા નાખી બેલડી બિહાર નાશી જાય તે પૂર્વે ઝડપી લીધી
શહેરના ૮૦ ફુટ રોડ પર શેઠ હાઈસ્કુલ સામે આવેલા શૌચાલયના સંચાલકની ઘાતકી હત્યા કરનાર તેના બે કર્મચારીને પોલીસે ગણતરીના દિવસમાં અમદાવાદ રેલવે સ્ટેશનેથી ઝડપી લઈ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
શેઠ હાઈસ્કુલ સામે આવેલા શૌચાલયના બાથરૂમમાંથી શૌચાલયના સંચાલક પ્રદીપ રાજેન્દ્રભાઈ કુશવાહા (ઉ.વ.૨૧)નામના યુવાનની ૫ દિવસ પૂર્વે થયેલી હત્યાનો ક્રાઈમ બ્રાન્ચ અને ભક્તિનગર પોલીસ મથકના સ્ટાફે ભેદ ઉકેલી રાજુ મિશ્રા અને ધીરજ નામના બંને શખસોની અમદાવાદ કાલુપુર રેલવે સ્ટેશન ખાતેથી ઝડપી લીધા હતા.
પોલીસની પ્રાથમિક તપાસમાં શૌચાલયના બે કર્મચારી બિહારના વતની રાજુ મિશ્રા અને તેનો પિતરાઈ ધિરેન શૌચાલયના હિસાબ મુદે ગોલમાલ કરતો હોવાથી પ્રદીપ સાથે માથાકુટ ચાલતી હતી અને એ મુદે રાજુએ તેના પિતરાઈ સાથે મળી પ્રદીપને સોરઠીયા વાડી સર્કલ પાસે માર મારી ૮૦ ફુટ રોડ પર આવેલા શેઠ હાઈસ્કુલ સામે આવેલા શૌચાલયના સ્નાનાગારમાં પથ્થરના ઘા ઝીંકી માર મારી મોતને ઘાટ ઉતારી બન્ને એ બિહાર નાશી જાય તે પૂર્વે જ પોલીસના હાથે ઝડપાઈ ગયા હતા.
આ હત્યાના બનાવમાં પોલીસ કમિશનર મનોજ અગ્રવાલના માર્ગદર્શન હેઠળ ક્રાઈમ બ્રાન્ચના એસીપી સરવૈયા, એસીપી પ્રદિપસિંહ જાડેજાની રાહબરી હેઠળ ક્રાઈમ બ્રાન્ચના પીએસઆઈ ડી.પી. ઉનડકટ અને ભક્તિનગર પોલીસ મથકના પીઆઈ ગઢવી સહિતના સ્ટાફે જહેમત ઉઠાવી હતી.