તકમરિયા અને આંબલવાણુ: આ ઘરગથ્થુ પીણા આડઅસર વગર શરીરને ગરમીથી બચાવે છે
નવરંગ નેચર કલબ દ્વારા દર રવિવારે સવારે ૯ થી ૧ દરમ્યાન સિસ્ટર નિવેદીતા, નિર્મળા કોન્વેન્ટ રોડ ખાતે અનેક ઓર્ગેનિક ખાદ્ય પેદાશોનું રાહતદરે વિતરણ કરવાની સેવાપ્રવૃતિ કાર્યરત છે. જેમા ઉનાળાને ધ્યાનમાં રાખીને આકરા તાપથી શરીરમાં લૂ ન લાગે અને શરીરને ઠંડક મળી રહે તે માટે બે ઘરગથ્થુ પીણા બનાવવામાં આવ્યા છે. તકમરીયા અને આંબલવાણુ આ બંને પીણા શરીરમાં ઠંડક જાળવી રાખે છે અને લૂથી બચાવે છે.
શરીરમાં ડિહાઈડ્રેશન થતુ હોય ત્યારે તકમરિયા અથવા આંબલવાણુ પીવાથી રાહત થાય છે. બહારના ઠંડા પીણા ખુબ નુકસાનકારક છે. જયારે આ ઘરગથ્થુ ઠંડાપીણા આડઅસરરહિત છે. ખાસ કરીને બાળકો અને વૃદ્ધોએ આ ઠંડા પીણાનું ઉનાળાનો સમય હોવાથી પીવા જોઈએ.
બાલાભાઈએ જણાવ્યું હતું કે આ પીણા પીવાથી લોકોને તેમજ ખેડૂતોને ફાયદો થાય છે. આંબલવાણુ બનાવવા માટે આંબણી ખેડૂતો પાસેથી લેવામાં આવે છે. તેમાં ગોળ અને પાણીમાં મિશ્રણ કરવાથી શરીરમાં કબજીયાતનું પ્રમાણ પણ ઘટે છે. આ જ રીતે તકમરિયા પણ પહેલાના સમયમાં ખૂબ જ પીવામાં આવતા હતા પરંતુ હાલમાં લોકો નહિવત પ્રમાણમાં પીવે છે. વધુમાં વધુ લોકો તકમરીયા પીતા થાય તેવો પ્રયાસ અમારા નવરંગ નેચર કલબનો છે.
અઠવાડિયામાં બે થી ત્રણ વખત દેશી ઉપચાર તરીકે આ પીણા પીવા જ જોઈએ. બજારમાં વધુ ભાવથી વેચાતી વસ્તુ નવરંગ નેચર કલબમાં રાહત દરે આપવામાં આવે છે. ઓર્ગેનિક વસ્તુ ખાવાથી શરીર સ્વસ્થ રહેશે