દિલ્હી પોલીસના સાયબર સેલ દ્વારા બે ચીની મહિલાઓ સહિત 12 લોકોની ગેંગની ધરપકડ કરવામાં આવી છે. આ લોકોએ એપ્સ દ્વારા લગભગ 40 હજાર લોકોની છેતરપિંડી કરી છે. એપ્લિકેશન દ્વારા આ ગેંગ લોકોને આકર્ષક માર્કેટિંગ સ્કીમથી પૈસા કમાવાની લાલચ આપતા હતી. જોકે, આ એપ્લિકેશનમાં માલવેર હતો.
આ કેસમાં સાયબર સેલ દ્વારા 12 લોકોની ધરપકડ કરવામાં આવી છે જેમાં 27 વર્ષીય ચાહોંગ ડેંગ ડાયોયોંગ અને ચીનના ઝિન્હુઆ પ્રાંતના 54 વર્ષીય વુ જિયાઝિનો સમાવેશ થાય છે. પકડાયેલા લોકો પાસેથી આશરે 25 લાખ રૂપિયાની રોકડ રકમ મળી આવી છે અને રૂ. 4.75 કરોડ બેંક ખાતાઓમાં બ્લોક કરાયા છે. આ કેસમાં વધુ ધરપકડ કરવામાં આવશે.
કેવી રીતે ચાલતું હતું કૌભાંડ..
લોકો સાથે છેતરપિંડી કરવા ખૂબ મોટું નેટવર્ક કાર્યરત હતું. સૌપ્રથમ એક મોબાઈલ એપ્લિકેશન ડાઉનલોડ કરાવવામાં આવતી હતી. એપ્લિકેશનની લિંક લોકોને વોટ્સએપ દ્વારા મેસેજથી મોકલવામાં આવતી હતી. આ મેસેજમાં ઇન્સ્ક્રીપટેડ યુઆરએલ રાખવામાં આવતું હતું. જેનાથી માલવેર મોબાઈલમાં પ્રવેશ કરતો હતો.
30 મિનિટના 3000 રૂપિયાની લાલચ
લોકો આ એપ ડાઉનલોડ કરે અને દરરોજ 30 મિનિટ એપનો ઉપયોગ કરે તો 3000 રૂપિયા આપવાની લાલચ અપાઈ હતી. ફેસબુક, ટ્વિટર કે ઇન્સ્ટાગ્રામમાં સેલિબ્રિટીઝને પ્રમોટ કરવાનું કામ છે તેવું લોકોને જણાવવામાં આવતું હતું. પ્રમોટ કરે તેના ખાતામાં રૂ.6 નાખવામાં આવતા હતા, વધુ પૈસા કમાવા માટે વીઆઈપી એકાઉન્ટ લેવું પડે, જેના માટે ફી ભરવી પડતી હતી.
ડેટા ચોરી
આ એપ ડાઉનલોડ કરવાથી ડેટા ચોરીનો પણ ખતરો ઉભો થયો હતો. જ્યાં એપ ફોનની વિગતો માટે તમામ પરમિશન મેળવી લેતી હતી. એકંદરે લોકોના પૈસા લેવા અને ડેટા ચોરવા જેવા કૌભાંડ આચરવામાં આવ્યા હોવાનું જાણવા મળે છે. આ કેસમાં કેટલીક કંપનીઓ પણ ઝપટે ચડી ગઈ છે. તપાસમાં કંપનીઓના ડિરેક્ટર ચીની હોવાનું પણ ખુલ્યું છે.