રાજકોટ-જામનગર હાઈવે પર પડધરી પાસે બે કાર વચ્ચે ગમખ્વાર અકસ્માતમાં વેપારી સાલા-બનેવીનાં ઘટનાસ્થળે જ મોત થયાં હતાં જ્યારે સાત વ્યક્તિને ગંભીર ઈજાઓ પહોંચતા તમામને નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં અાવ્યા હતા.
પ્રાપ્ત માહિતી અનુસાર જામનગરમાં કૃષ્ણનગર શેરી નં.૩ ખાતે રહેતા અને બ્રાસપાટનો વ્યવસાય કરતા હસમુખભાઈ ગોવિંદભાઈ લીંબાસિયા (ઉ.વ.૩૫) અને વિભાપર ખાતે રહેતા જિતેન્દ્ર ધનજીભાઈ મોલિયા (ઉં.વ.૪૫) અા બંને સાળો-બનેવી જામનગરથી કારમાં રાજકોટ ઈમિટેશનના કામ માટે અાવ્યા હતા. કામકાજ પતાવી રાતના સમયે અા બંને જામનગર પરત ફરી રહ્યા હતા ત્યારે પડધરી નજીક વણપરીના પુલ પાસે કાર પલટી ખાઈ ડિવાઈડર સાથે અથડાઈ સામેથી અાવી રહેલી ઈકો કાર સાથે અથડાતાં અા અકસ્માત સર્જાયો હતો. જેમાં બંને સાળા-બનેવીનાં મોત થયાં હતાં જ્યારે સાત વ્યક્તિને ઈજાઓ પહોંચી હતી.
અા ઉપરાંત નસવાડી નજીક વહેલી સવારે પૂરઝડપે પસાર થઈ રહેલા ડમ્પરે બાઈકને અડફેટે લેતાં બાઈક પર જઈ રહેલા મુન્નાભાઈ ચંદુભાઈ અને રાજેશભાઈ ચંદુભાઈનાં ગંભીર ઈજા થવાના કારણે ઘટનાસ્થળે મોત થયાં હતાં.