‘વિશ્વ વસતીદિને’ ભારતના વસતી વિસ્ફોટને ડામવા કેન્દ્રીય મંત્રી ગિરિરાજસિંહનું વિવાદાસ્પદ સૂચન
વિકસતા જતા ભારત દેશમાં વસ્તી વિસ્ફોટ પણ ઝડપભેર થઈ રહ્યો છે. સતત વધતી જતી વસ્તી દેશની સરકાર માટે ચિંતાનો વિષય બન્યો છે. ત્યારે કેન્દ્રીય મંત્રી ગિરિરાજસિંહે એક અલગ સુચન કર્યું છે. ગઈકાલે ‘વિશ્વ વસ્તી દિન’ નિમિત્તે ગિરિરાજસિંહે એક નિવેદન દ્વારા એવું સુચન કર્યું હતુ કે જે દંપતિઓને બે કરતા વધારે બાળકો હોય તેનો મતાધિકારનો હકક છીનવી લેવો જોઈએ સિંહે વસ્તી વિસ્ફોટ માટે જવાબદાર મનાતા અમુક સમુદાયને લક્ષ્યાંક બનાવીને આ નિવેદન કરતા વિવાદ ઉભો થાય તેવી સંભાવના વ્યકત થઈ રહી છે.
ગિરિરાજસિંહે આ પહેલા એક ટવીટ કરીને જણાવ્યું હતુ કે વસ્તી વિસ્ફોટથી ભારતના અર્થતંત્ર, સામાજીક સંવાદિતા અને સંશાધનોનાં સંતુલનને ખલેલ પહોચી રહ્યું છે. તેમને વધતી વસ્તી માટે ધાર્મિક અવરોધોને એક મુખ્ય કારણ તરીકે દર્શાવ્યું હતુ સિંહે આ પોસ્ટ સાથે ગ્રાફીકસ મૂકીને વર્ષ ૧૯૪૭થી ૨૦૧૯ દરમ્યાન અમેરિકામાં થયેલા ૧૧૩ ટકાના વસ્તી વધારા સામે દેશમાં ૩૬૬ ટકાનો વસ્તી વધારા થવા બદલ ચિંતા વ્યકત કરી હતી.
ગિરીરાજસિંહે આ મુદે ચેતવણી આપતા જણાવ્યું હતુ કે જયાં સુધી તમામ રાજકીય પક્ષો સાથે મળીને મજબૂત જન્મ નિયંત્રણ કાયદો લાવશે નહી ત્યાં સુધી ભારતે સંસ્કૃતિના નામે અન્ય ભાગલાનો સામનો કરવો પડશે. સિંહે બાદમાં મીડીયા સમક્ષ ચોકકસ સમૂદાયોમાં જન્મ નિયંત્રણ અંગે વાત કરતા જણાવ્યું હતુ કે હું બે કરતા વધારે બાળકો ધરાવતા દંપતિઓને મતાધિકારથી વંચિત કરવાની તરફેણમાં છું તેમાં પણ કોઈપણ ધર્મના નાગરીકોને છૂટ ન હોવી જોઈએ ગિરીરાજસિંહનાઆ નિવેદન બાદ બિંહાર આરજેડીના નેતા રામચંદ્ર પુરબેએ આક્ષેપ કર્યો હતો કે દેશની વસ્તીની સમસ્યા માટે કેન્દ્રીય પ્રધાન ગિરીરાજસિંહ લઘુમતીઓને દોષી ઠેરવીને રાજકારણ રમી રહ્યા છે. જયારે કોંગ્રેસના વડા પ્રેમચંદ્ર મિશ્રાએ ગિરિરાજના આવા વિચારોને દેશનો ધર્મનિરપેક્ષ વિચારધારા માયે ઘાતક રૂપ જણાવ્યા હતા.
ભારતમાં હાલ ૧.૩૭ અબજની વસ્તી હોવાનું અનુમાન છે. તેમાં હિન્દુઓનો આંકડો લગભગ ૮૦ ટકા જેટલો છે. મુસ્લિમો ૧૩ ટકા સાથે બીજા સ્થાને જયારે, બાકીમાં ખ્રિસ્તીઓ, શીખો, બૌધ્ધો સહિતના અન્ય ધર્મસમુદાયના લોકો આવે છે. રિર્ચસ સેન્ટરના અહેવાલ વર્ષ ૨૦૫૦ સુધીમાં ભારતમાં મુસ્લિમો અને હિન્દુઓની સંખ્યા સમકક્ષ થઈ ચૂકી હશે ગિરિરાજ સિંહ આ અગાઉ પણ અનેક વખત આવા વિવાદાસ્પદ ધાર્મિક નિવેદનો કરીને વિવાદનું કેન્દ્ર બનતા રહ્યા છે.