ગેસ લાઈનમાં લીકેજ થવાને કારણે બ્લાસ્ટ થયો હોવાનું તારણ : તપાસનો ધમધમાટ
કલોલમાં ગાર્ડન સિટી સોસાયટીમાં બ્લાસ્ટ થતાં બે મકાનો ધરાશાયી થયા છે. જેમાં બેના મોત થયા હોવાનું જાણવા મળ્યું છે, તેમજ ૨ લોકો ઈજાગ્રસ્ત થયા હોવાની વિગતો મળી છે. સવારે ૮ વાગ્યાની આસપાસ ધડાકો થતાં સોસાયટીના રહીશો ડરી ગયા હતા. કાટમાળ નીચે દટાતા એક યુવકનું મોત થયું છે જ્યારે ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.
બનાવની જાણ થતાં ફાયર અને પોલીસની ટીમો ઘટનાસ્થળે પહોંચીને રેસ્ક્યુ ઓપરેશન શરુ કર્યું હતું. મકાન ધરાશાયી થતા કાટમાળમાં અન્ય કોઇ લોકો દટાયા છે કે નહીં તે અંગે પણ હાલ તપાસ કરવામાં આવી રહી છે. કલોલ નગરપાલિકા, કલોલ તાલુકા અને સિટી પોલીસ સહિત મામલતદાર પ્રાંત સહિતનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. બ્લાસ્ટ એટલો ભંયકર હતો કે આખા કલોકમાં સંભળાયો હતો અને જોવા માટે મોટી સંખ્યામાં લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા.
મળતી માહિતી પ્રમાણે કલોકની ગાર્ડન સિટી સોસાયટીમાં બંધ પડેલા બે મકાનોમાં બ્લાસ્ટ થતાં ધરાશાયી થયા હતા. જેના કારણે સોસાયટીના અન્ય મકાનોમાં પણ નુકસાન થયું હતું. ગેસ પાઈપલાઈનમાં લીકેજના કારણે ધડાકો થયા હોવાની આશંકા છે. બનાવની જાણ થતાં પોલીસ, ગેસ કંપની અને ફાયરની ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી હતી અને બચાવ કામગીરી શરૂ કરી હતી.
ગાર્ડન સિટી સોસાયટીના જે મકાનમાં બ્લાસ્ટ થયો હતો તે સંપૂર્ણરીતે ધરાશાયી થઈ ગયું હતું. રિપોર્ટ મુજબ બાજુના મકાનમાં એક વૃદ્ધ મહિલા અને યુવક રહેતા હતા. બ્લાસ્ટ થતાં તેમનું મકાન પણ ધરાશાયી થતાં બે લોકો કાટમાળ નીચે દટાઈ ગયા હતા. જેને બહાર કાઢીને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. પરંતુ સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું.