અમેરિકાના મીયામીમાં એક કલાક વિમાન ચલાવ્યું: ગીનીઝ બુક ઓફ રેકોર્ડઝમાં સ્થાન મેળવવા તજવીજ
સુરેન્દ્રનગર, શબનમ ચૌહાણ અબતક
ગુજરાતનાં સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી તાલુકાના અખિયાણા ગામે રહેતા રસિકભાઇ પંચાલનો મોટો દિકરો પાર્થ પંચાલ અમેરિકાના ફ્લોરિડા સ્ટેટના મિયામી સીટી ખાતે કેપ્ટન છે. જ્યારે એમનો નાનો દિકરો પાર્થ પંચાલ પણ પાયલોટ છે. આ બંને ભાઇઓએ શબ્દવેધી બાણ ચલાવી શકવામાં સમર્થ એવા પૃથ્વીરાજ ચૌહાણની નાનપણમાં સાંભળેલી કહાનીમાંથી પ્રેરણા લઇ અમેરિકામાં આંખે પાટા બાંધી વિમાન ચલાવવાના પ્રોજેક્ટને તાજેતરમાં 6 ફેબ્રુઆરીએ સફળતાપૂર્વક પૂર્ણ કરતાં આ ક્રાંતિકારી શોધે આંતરરાષ્ટ્રીય લેવલે ડંકો વગાડ્યોં છે.
કોરોનાના સમયગાળાનો સદપુયોગ કરી એક ભાઇએ ઇન્ડિયાથી અને એક ભાઇએ અમેરિકા બેઠા સતત ઓનલાઇન ચર્ચા કરી આઠ મહિનાની મહેનત બાદ આ ક્રાંતિકારી શોધ કરી હતી. વધુમાં 6 ફેબ્રુઆરીએ અનેક દિગ્ગજ્જોને સાથે રાખી મીયામી સીટી ઉપર એક કલાક સુધી વિમાન ચલાવી ઇતિહાસ રચ્યો હતો. વધુમાં આ બંને ભાઇઓની ક્રાંતિકારી શોધની એન્ટ્રી ગીનીજ બુક ઓફ રેકોર્ડઝમાં પણ મોકલવામાં આવી છે.
આ ક્રાંતિકારી શોધમાં મોટા ભાઇ પાર્થ પંચાલે આંખે પાટા બાંધી વિમાન પાકીંગમાંથી લઇ રન-વે ઉપરથી ટેક-ઓફ કરી અમેરિકાની મિયામી સીટી ઉપર એક કલાક સુધી ફરી રન-વે પર સફળતાપૂર્વક લેન્ડીગ કરી એક પણ ઇંચના ફેરફાર વગર પાર્કીંગ પણ કરી બતાવ્યું હતુ. જ્યારે એનો નાનો ભાઇ વ્યોમ પંચાલ સેફ્ટી પાયલોટ તરીકે બાજુમાં બેસી પૃથ્વીરાજ ચૌહાણના સાથીદાર એવા ચંદ્ર બારોટનું કામ કર્યું હતુ. માનવ ઇતિહાસમાં પ્રથમ વખત ભારતની પ્રાચિન શબ્દવેદી ધનુર વિદ્યાનો ઉપયોગ એવિએશનમાં કરવામાં આવ્યો હોય તેવો આ પ્રથમ કિસ્સો છે. આ ક્રાંતિકારી શોધથી આખા અમેરિકા અને વિશ્વ લેવલે કુતુહલતા અને પ્રશંસા થઇ રહી છે.
અમેરિકાના ફ્લોરિડા સ્ટેટના મિયામી સીટી ખાતે 6 ફેબ્રુઆરીએ કેપ્ટન પાર્થ પંચાલે આંખે બે પાટા બાંધવાની સાથે એની ઉપર મીઠું ભરેલી થેલી બાંધી એના નાના ભાઇને સેફ્ટી પાયલોટ તરીકે સાથે બેસાડી સતત એક કલાક સુધી મિયામી સીટી પર સફળતાપૂર્વક વિમાન ઉડાડી ઇતિહાસ રચી દીધો હતો. એમની સાથે આ ફ્લાઇટમાં 25000 કલાક ફ્લાઇટ ઉડાડવાનો અનુભવ ધરાવતા 70 વર્ષના અમેરિકન પાયલોટ જોસે, અમેરિકન એવિએશન ડિપાર્ટમેન્ટના અધિકારી અને ભારતીય વાયુદળના રિટાયર્ડ કમાન્ડર સહિતના ચાર દિગ્ગજ અધિકારીઓ હતા. અને આંખે પાટા બાંધી વિમાન ચલાવનારા પાર્થ પંચાલ અને એની બાજુમાં બેઠેલા વ્યોમ પંચાલ ઉપર અને વિમાનમાં ચારે બાજુ કેમેરાઓ ગોઠવી આ અનોખી સિધ્ધી હાંસલ કરવામાં આવી હતી.