- ચાર ‘જિંદગી’ પાણીમાં ડૂબી
- આદિપુર નજીક કેનાલમાં ડૂબી જતાં બે બાળકોના મોત
ગોંડલ અને કચ્છના આદિપુરમાં પાણીમાં ચાર જિંદગી ડૂબી છે. ગોંડલમાં બે બાળકો કુવામાં ડૂબી જતાં પરિવારમાં અરેરાટી મચી જવા પામ્યો છે. જયારે બીજી બાજુ આદિપુરમાં બે સગા ભાઈઓનું કેનાલમાં ડૂબી જવાથી મોત નીપજ્યું છે.
પ્રાપ્ત વિગત અનુસાર ગોંડલ તાલુકાના નાના મહિકા ગામે કૂવામાં પડી જતાં બે પરપ્રાંતિય બાળકોના મોતની ઘટના સામે આવી છે. મળતી માહિતી મુજબ, ધીરૂભાઈ પોપટભાઈ વિરડીયાની વાડીએ મજૂરી કરવા આવેલ પરપ્રાંતિય પરિવારના બે બાળકો 60 ફૂટ ઉંડા કૂવામાં પડતાં મોત થયાનો બનાવ સામે આવ્યો છે. પરપ્રાંતિય બે બાળકોના મોતને લઈને ખેત મજૂર પરિવારમાં હૈયાફાટ રૂદનથી ગમગીની છવાઈ હતી.
મળતી માહિતી મુજબ, ગોંડલ તાલુકાના નાના મહિકા ગામે મધ્યપ્રદેશના દેવાસ જિલ્લાના ખેડખાલ ગામેથી ત્રણ મહિના પહેલાં મજૂરી કરવા આવેલ પરિવાર અકસ્માતનો ભોગ બન્યો છે. મૃતક બાળકો 4 વર્ષીય રીતિક ધર્મેન્દ્રભાઈ જાદવ અને 2 વર્ષીય અશ્વીન ધર્મેન્દ્રભાઈ જાદવ બંન્ને સગા ભાઈઓ છે. બન્ને સગાભાઈઓ રમતાં રમતાં અકસ્માતે કૂવામાં પડ્યા હોવાની પણ વિગતો મળી રહી છે.
અકસ્માતની પ્રાથમિક વિગતો મુજબ, સવારે બાળકો ન મળતાં બન્ને પુત્રના પિતા આસપાસના વિસ્તારમાં આવેલ ખેતીવાડી વિસ્તારમાં ગોતવા લાગ્યા હતા. તે દરમિયાન પિતાએ કૂવામાં નજર કરતાં કૂવામાં બન્ને છોકરાના ચંપલ પાણીમાં તરતા હતા. ત્યાર બાદ કાથાની દોરીમાં ખપારી બાંધી અને કૂવામાં નાખતાં જ ખપારીમાં એક બાળક આવી ગયું હતું, પરંતુ બીજુ બાળક ન મળતાં નાના મહિકા ગામના સરપંચ વિજયભાઈ વિરડીયાએ શિવમ સાર્વજનિક ટ્રસ્ટના દિનેશભાઈને સમગ્ર ઘટનાની જાણ કરતાં દિનેશભાઇએ ફાયર સ્ટાફને જાણ કરી હતી. જેથી ગોંડલ નગરપાલિકા ફાયરના તરવૈયા સાથે શિવમ સાર્વજનિક ટ્રસ્ટની એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે પહોંચી હતી.
આમ બંને મૃતદેહમાં એકના મૃતદેહને તેમના પિતાએ અને બીજાના મૃતદેહને ગોંડલ નગરપાલિકા ફાયરબ્રિગેડની ટીમે ગણતરીની મિનિટોમાં પાણીમાંથી બહાર કાઢ્યો હતો. જે બાદ પરપ્રાંતિય બંને બાળકોના મૃતદેહને શિવમ સાર્વજનિક ટ્રસ્ટની એમ્બ્યુલન્સ મારફત ગોંડલ સરકારી હોસ્પિટલમાં પીએમ અર્થે ખસેડવામાં આવ્યા હતા. સમગ્ર ઘટનાને લઈને ગોંડલ તાલુકા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
બીજી બાજુ ગાંધીધામના આદિપુર નજીક આવેલી નર્મદા કેનાલમાં નાહવા ગયેલા 2 પિતરાઈ ભાઈના મોત નીપજતાં સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે. બંને પિતરાઈ ભાઈ સાઈકલ લઈને કેનાલમાં નાહવા માટે ગયા હતા. જ્યાં 17 વર્ષીય ફરહાન અને 14 વર્ષના અમનનું પાણીમાં ડૂબી જવાથી મોત થયું હતું. એકસાથે બંને ભાઈના મોતથી પરિવારમાં માતમ છવાયો છે.
આદિપુર નજીક આવેલી નર્મદા કેનાલમાં નાહવા ગયેલા 2 પિતરાઈ ભાઈના મૃત્યુ નીપજતાં સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે. બે બાળકોના ડૂબ્યા હોવાના સમાચારથી લોકો કેનાલ નજીક એકત્ર થયા હતા. ગાંધીધામ નગરપાલિકાની ફાયર બ્રિગેડની ટીમ દ્વારા બાળકોની શોધખોળ હાથ ધરાઈ હતી. જેમાં એક બાળક મળી આવ્યા બાદ તેને રામબાગ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જે બાદ બીજા બાળકને પણ ફાયર બ્રિગેડની ટીમ દ્વારા શોધવામાં આવ્યો હતો. તેને પણ રામબાગ હોસ્પિટલ મોકલી આપવામાં આવ્યો હતો. જ્યાં તબીબ દ્વારા બંને બાળકોના મૃત્યુ નીપજ્યાં હોવાનું જાહેર કરાયું હતું.
આ અંગેની વધુ મળતી વિગતો મુજબ કચ્છના અંજારમાં ભક્તિનગરમાં રહેતા ફરાન સિકંદર હુસેન સાકી (ઉંમર વર્ષ 17) અને અમન અબાસ હુસેન સાકી (ઉંમર વર્ષ 14) બંને પિતરાઈ ભાઈ આદિપુર નજીક આવેલી કેનાલમાં સાઈકલ લઈને નાહવા ગયા હતા. ત્યારે આ ઘટના બની હતી. ઘટનાસ્થળેથી સાઈકલ પણ મળી હતી બંને ભાઈઓ ડૂબી જવાના સમાચારથી પરિવાર ઉપર જાણે આભ ફાટ્યું હતું. કેનાલમાં બાળકો ડૂબ્યા હોવાની ઘટનાની પોલીસને જાણ થતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. લોકો પણ એકત્ર થઈ ગયા હતા. ગાંધીધામ નગરપાલિકાની ફાયર બ્રિગેડની ટીમને જાણ કરતાં ટીમે દ્વારા બાળકોની શોધખોળ હાથ ધરાઈ હતી. જો કે, આ કમનસીબ ઘટનામાં ફાયર બ્રિગેડની ટીમ બાળકોને શોધે તે પહેલાં જ બાળકોએ દમ તોડી લીધો હોવાનું જાણવા મળી રહ્યું છે. સ્વાતંત્ર પર્વના દિવસે જ બે પિતરાઈ બાળકોના મૃત્યુથી સમગ્ર પંથકમાં અરેરાટી સાથે શોકનું મોજું ફરી વળ્યું છે.