બહેનના પ્રેમ પ્રકરણથી નારાજ બંને ભાઈએ ત્રણ સાગરીત સાથે મળી રાજકોટથી જસદણ લઈ જઈ બળજબરી ઝેરી દવા પીવડાવી મોતને ઘાટ ઉતારી બારોબાર અંતિમવિધી કરી પુરાવાનો નાશ કર્યો

શહેરના પોશ વિસ્તારમાં રહેતા ફાયનાન્સ ધંધાર્થીની ત્યાગતા પુત્રીના પ્રેમ પ્રકરણથી નારાજ સગ્ગા બે ભાઈઓ ત્રણ સાગરીતો સાથે મળી ૨૦ દિવસ પૂર્વે બળજબરીથી ઝેરી દવા પીવડાવી મોતને ઘાટ ઉતારી દીધાની ચોંકાવનારી ઘટનાનો ક્રાઈમ બ્રાંચે પડદાફાશ કરી બંને ભાઈની હત્યાના ગુનામાં ધરપકડ કરી તેની સાથે સંડોવાયેલા અન્ય ત્રણ શખ્સોની શોધખોળ હાથધરી છે.

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગતો મુજબ, સૌરાષ્ટ્ર કલાકેન્દ્ર સોસાયટી શેરી નં.૧માં રહેતા બિલ્ડીંગ અને ફાયનાન્સના વ્યવસાય સાથે જોડાયેલા બિશુભાઈ બહાદુરભાઈ વાળાની પુત્રી પુનમની ૨૦ દિવસ પૂર્વે હત્યા તેના સગ્ગા બે ભાઈએ કર્યાની પોલીસને મળેલી નનામી અરજીની છાણવીનના અંતે બહાર આવી હતી.

મૃતક પુનમબેનના સાતેક વર્ષ પહેલા સાવરકુંડલાના ખાલપર ગામે જ્ઞાતિના રીવાજ મુજબ લગ્ન થયા હતા. પતિ સાથે મનદુ:ખ થતા દોઢ વર્ષ પહેલા છુટાછેડા મેળવી પુનમબેન પોતાના પિતા બિશુભાઈને ત્યાં સૌરાષ્ટ્ર કલા સોસાયટી કેન્દ્રમાં રહેતા હતા. પુનમબેનને અન્ય યુવક સાથે પ્રેમ સંબંધ હોવાની તેના ભાઈ બિરેન વાળા અને રાજવીર વાળાને જાણ થતા ૨૦ દિવસ પૂર્વે પુનમબેન પોતાની માતા જનકબેન સાથે મંદિરેથી ઘેર આવી રહ્યા હતા ત્યારે બંને ભાઈઓએ માતા-પુત્રીને બળજબરીથી કારમાં બેસાડી નિકળી ગયા બાદ કોઠારીયા રોડ પર જનકબેનને ઉતારી પુનમબેનને જસદણના અરવિંદભાઈની વાડીએ લઈ ગયા હતા ત્યારે બીરેન વાળા, રાજવીર વાળા, જસદણનો રઘુ નટુ ગીડા, દડવાના ગૌતમ વજુ વાળા, જુનાગઢના મહેશગીરી ઉર્ફે મામુ એક સંપ કરી બળજબરીથી પુનમબેનને ઝેરી દવા પીવડાવી મોતને ઘાટ ઉતાર્યા બાદ પોતાના પિતરાઈ હરેશભાઈને પુનમને વિદેશ ન જવા સમજાવવા જસદણ લાવ્યા ત્યારે તેને ઝેરી દવા પી આપઘાત કર્યાનું જણાવ્યું હતું.

દરમિયાન જનકબેને પોતાના પતિ બિશુભાઈને ફોન કરી પુત્રી પુનમને બિરેન અને રાજવીરે કારમાં જસદણ તરફ લઈ ગયાનું અને પોતાને કોઠારીયા રોડ ઉપર ઉતારી દીધા અંગેનો ફોન કર્યો હતો. આથી બિશુભાઈ અને જનકબેન પોતાના ગામ ભંગડા દોડી ગયા હતા. તે દરમિયાન પુનમબેનની અંતિમવિધિ કરી નાખી હોવાની બીશુભાઈ વાળાએ પોલીસ ફરિયાદમાં જણાવ્યું છે.

બિશુભાઈ વાળાની ફરિયાદ પરથી તેમના જ બે પુત્ર બિરેન, રાજવીર તેના સાગરીત રઘુ ગીડા, ગૌતમ વાળા અને મહેશગીરી સામે હત્યા કરી પુરાવાનો નાશ કર્યા અંગેનો ગુનો નોંધી બિરેન અને રાજવીરની ધરપકડ કરી છે.

 

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.