તું મને ઓળખાતો નથી, હોશિયારી ના કર’ તેમ કહી છ શખ્સોએ છરી ઝીંકી બાઈક માથે ચડાવી દીધું
શહેરમાં ક્રાઇમનો ગ્રાફ દિનપ્રતિદિન વધતો દેખાઈ રહ્યો છે. ત્યારે ગઇ કાલે સાંજના સમયે બજરંગવાડી વિસ્તારમાં સામાન્ય બાબતે બે પુત્ર અને પિતા પર છરી વડે હુમલો કરી બાઈક માથે ચડાવી દીધાની ઘટના પોલીસ ચોપડે નોંધાઈ છે. પોલીસે છ શખ્સો સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથધરી છે.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ જામનગર રોડ પર ભોમેશ્વરવાડી શેરી -3માં રહેતા અને જીમનેસ્ટિક કરતા સુમિતરાજસિંહ મહેન્દ્રસિંહ પરમાર નામના 19 વર્ષીય યુવાને ગાંધીગ્રામ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. જેમાં જણાવ્યા મુજબ રોહન, સમીર, નદીમ, સાજીદ, યાસીન અને યાસીનના પિતા સામે ફરિયાદ નોંધાવી હતી.
પોલીસ ફરિયાદમાં જણાવ્યા મુજબ ફરિયાદી પોતે નિત્ય ક્રમ મુજબ સાંજના સાડા છએક વાગ્યાની આસપાસ તેના નાનાભાઇ વિશ્વરાજસિંહ તથા મિત્ર દિવ્યરાજસિંહ જાડેજા તથા ભુમિન બગથરીયા સાથે બજરંગવાડી સર્કલ પાસે આવેલા બગીચામાં જીમ્નેસ્ટિક પ્રેક્ટિસ કરવા ગયા હતા અને પ્રેકટિસ પૂર્ણ થતા સાંજના સાડા સાતેક વાગ્યાની આસપાસ બગીચાની બહાર નીકળી તેમના વાહન પાસે જતા હતા. ત્યારે સામેથી બે ઇસમો ચાલીને આવતા હતા જેમાંથી એક ઇસમે ફરિયાદીના ભાઇ સાથે અથડાયો હતો. જેથી વિશ્વરાજસિંહએ તેને જોઇ ને ચાલવાનુ કહ્યુ હતું.
તે દરમિયાન સામેવાળા ઇસમે ઉશ્કેરાઇ જઇ કહેવા લાગ્યો હતો કે ’ તુ મને ઓળખતો નથી, હુ રોહન છુ મારી સાથે હોશિયારી ના દેખાડ’ તેમ કહિ ઝઘડો કરી અને તેની સાથે રહેલા ઇસમને ઝઘડો કરતા કહ્યું હતું કે ’તુ નદિમ, સાજીદ અને યાસિનને ફોન કર સમીર’ તેમ કહેતા આ સમીરે તેના મિત્રને ફોન કર્યો હતો.
તે દરમિયાન યુવાને તેના પિતાજીને ફોન કરી બજરંગવાડી સર્કલના બગીચા પાસે આવવાનું કહ્યું હતું. પરંતુ તે દરમિયાન સામેવાળાએ થોડી બોલાચાલી કરી ઝઘડો કર્યો હતો. તે દરમિયાન આ રોહન અને તેના મિત્રોમાંથી એક બાઈક ચાલકને સાજીદ કહિ અવાજ આપતા તે શખ્સે વિશ્વરાજસિંહ પર બાઈક ચડાવી દીધું હતું.
ત્યાર બાદ આ શખ્સોએ છરી કાઢી જાનથી મારી નાખવાના ઇરાદે છરીના ઘા મારવા લાગ્યા હતા. જે હુમલામાં ફરિયાદીને ડાબા હાથમાં બગલના ભાગે અને ડાબા પડખામાં છરીના ઘા વાગ્યા હતા. જેથી લોહિ નિકળતા રોહન અને સમીરના મિત્રો ભાગી રહ્યા હતા. જેથી લોકોએ આ રોહન અને સમીરને રોકી રાખતા ઢિકાપાટુનો મૂઢ માર મારવા લાગ્યા હતા. જેમાં સુમિત રાજસિંહના પિતા મહેન્દ્રસિંહ પડી જતા તેમને જમણા હાથની વચ્ચેની આગળીમાં ઇજા થઇ હતી. જેથી આ લોકોને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. પોલીસે આ અંગે યુવાનની ફરિયાદ પરથી છ શખ્સો સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથધરી છે.