ગળેટૂંપો આપી મોતને ઘાટ ઉતારી બારોબાર અંતિમવિધિ કરે તે પહેલા જ પોલીસે ભાંડો ફોડયો
શહેરની ભાગોળે સરધાર નજીક આવેલા હડમતીયા ગોલીડા ગામની ૭૫ વર્ષની કાઠી વૃદ્ધાની મિલકતના પ્રશ્ર્ને કુટુંબીક ભાણેજોએ ગળેટૂપો આપી હત્યા કર્યા બાદ લાશને બારોબાર અંતિમવિધિ કરતા હોવાની આજીડેમ પોલીસને જાણ થતાં પોલીસે લાશનો કબજો સંભાળી પોર્સ્ટ મોર્ટમ માટે હોસ્પિટલમાં ખસેડી છે. હત્યાના ગુનામાં સંડોવાયેલા મનાતા બે સગા ભાઈઓની ધરપકડ કરી છે.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગતો મુજબ હડમતીયા ગોલીડા ગામે રહેતી મણીબેન નાનાભાઈ ખાચર નામના ૭૫ વર્ષના કાઠી વૃદ્ધાની તેના જજ કુટુંબીક ભાણેજોએ હત્યા કરી પોલીસને જાણ કર્યા વિના જ મૃતદેહની અંતિમવિધિ કરવા સ્મશાને લઈ ગયા હોવાનો પોલીસ કંટ્રોલરૂમમાં નનામો ફોન આવતા આજી ડેમ પોલીસ મથકની પીસીઆર વાન હડમતીયા ગોલીડા ગામે તપાસ અર્થે મોકલી હતી.
પીસીઆર વાનના સ્ટાફે તપાસ કરતા દિનેશ અને કાળુ નામના કૌટુંબીક ભાણેજ મણીબેનની અંતિમવિધિ કરવા માટે સ્મશાન ગયા હોવાનું ગોલીડા ગામમાંથી જાણવા મળતા પીસીઆર વાન ગોલીડા ગામના સ્મશાન તપાસ અર્થે ગઈ હતી.
પોલીસને જોઈ મણીબેન ખાચરનો મૃતદેહ મુકી ચાર ડાઘુઓ ભાગી જતાં હત્યાની દ્રઢ શંકા સાથે પીસીઆર વાનના સ્ટાફે આજી ડેમ પોલીસ મથકના પીઆઈ પી.એન.વાઘેલાને જાણ કરતા તેઓ સરધાર ચોકીના પીએસઆઈ વાઘેલા, પીએસઆઈ કડછા, હેડ કોન્સ. નરેન્દ્રભાઈ ચાવડા અને હરપાલસિંહ સહિતનો સ્ટાફ ગોલીડા ગામના સ્મશાને દોડી ગયો હતો.
તપાસ દરમિયાન મૃતદેહ ગોલીડા ગામે જ રહેતા મણીબેન નાનાભાઈ ખાચરનો હોવાનો અને તેની અંતિમવિધિ કરવા માટે તેના કૌટુંબીક ભાણેજ દિનેશ અને કાળુ સહિતના શખ્સો લાશને સ્મશાને લાવ્યા હોવાનું બહાર આવ્યું હતું. મણીબેન ખાચરને ગળેટૂંપો આપી મોતને ઘાટ ઉતાર્યાનું પીએમ રિપોર્ટમાં બહાર આવ્યું છે.
પોલીસે મૃતકના કૌટુંબીક ભાણેજ દિનેશ જાતવડા અને જયરાજ ઉર્ફે કાળુ સંડોવાયેલાનું ખુલતા બન્નેની પુછપરછમાં તેમણે વિધ્વા મણીબેનની ૨૦ વિઘા જમીન વાવવા માટે જોઈતી હતી. એટલે અવાર-નવાર કહેતા હતા અને મણીબેન તેઓને જમીન આપતા ન હતા અને મણીબેને આ જમીન અન્યને ચરાવવા માટે આપી દીધી હતી તેમજ અગાઉ ડુબમાં ગયેલી જમીનના રૂ.૧૦ હજાર દિનેશે મણીબેનને આપવાના હતા તે મણીબેનને અવાર-નવાર આપવા જતો તેમ છતાં આ રકમ મણીબેન લેતા નહોતા. આ બન્ને ખારને હિસાબે અગાઉ બન્ને વચ્ચે ઝઘડો થયો હતો. આ ઝઘડાને અંજામ આપવા દિનેશે મણીબેનના ઘરે પહોંચી મણીબેનને નાઈલોનની દોરી વડે ગળેટૂંપો આપી અને મોતને ઘાટ ઉતારી બાદ લાશને અંતિમ સંસ્કાર કરવા માટે અનેક પુરાવાના નાશ કરવા માટે ભાઈ જયરાજની મદદથી મણીબેન મૃત્યુ પામ્યાની જાહેરાત કરી તેમના અંતિમ સંસ્કાર માટે મૃતદેહને લઈ સ્મશાને પહોંચ્યા અને બારોબાર અંતિમવિધિ કરે તે પહેલા જ આજીડેમ પોલીસ મથકના સ્ટાફે આ હત્યાનો ભાંડો ફોડયો હતો.
મૃતકના સગા શિવકુભાઈ સાદુલભાઈ સોનારાની ફરિયાદ પરથી ખુનનો ગુનો નોંધી બન્ને ભાઈઓની ધરપકડ કરી અને ધોરણસરની પુછપરછ હાથ ધરી છે.