નામચીન બુટલેગર ફિરોજ સંધીએ વિદેશી દારૂનો જંગી જથ્થો મગાવ્યાનું ખુલ્યું
શહેરની ભાગોળે કોઠારિયા રોડ પર આવેલા લોઠડા ખાતે નામચીન બુટલેગરે વિદેશી દારૂનો જંગી જથ્થો મગાવી કટીંગ કરી રહ્યાની બાતમીના આધારે આજી ડેમ પોલીસે દરોડો પાડી રૂા.૨૯.૪૨ લાખની કિંમતની ૭૩૫૬ બોટલ વિદેશી દારૂ સાથે બે શખ્સોની ધરપકડ કરી છે. દરોડો દરમિયાન નામચીન બુટલેગર ફિરોજ સહિત બે ભાગી જતા પોલીસે શોધખોળ હાથધરી છે.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ લોઠડાથી પડવલા તરફ જતા માર્ગ પર સરકારી ખરાબામાં વિદેશી દારૂનું કટીંગ થતું હોવાની બાતમીના આધારે આજી ડેમ પોલીસ મથકના પી.આઇ. ચાવડા અને પી.એસ.આઇ. એમ.ડી.વાળા સહિતના સ્ટાફે દરોડો પાડયો હતો.
પોલીસના દરોડા દરમિયાન સરકારી ખરાબામાં ટ્રક દ્વારા વિદેશી દારૂ ઠાલવીને જતો રહ્યા બાદ ત્યાંથી બોલેરો પીકઅપવાનમાં હેરાફેરી માટે ગોઠવવામાં આવી રહ્યો હતો. પોલીસને જોઇ નાસભાગ થઇ ગઇ હતી. પોલીસે રૂા.૨૯.૪૨ લાખની કિંમતની ૭૩૫૬ બોટલ વિદેશી દારૂ સાથે ગોંડલના હેમારામ નેનારામ રાઠોડ અને રાજકોટના રામપાર્કના આનંદસિંહ લક્ષમણસિંહ રાઠોડની ધરપકડ કરી તેની પાસેથી રૂા.૪ લાખની કિંમતનો બોલેરો, રૂા.૩૦ હજારની કિંમતનું એક્ટિવા મળી રૂા.૩૩.૭૨ લાખનો મુદામાલ કબ્જે કર્યો છે. દરોડા દરમિયાન ફિરોજ હાસમ સંધી અને ધવલ રસિક સાવલીયા ભાગી જતા પોલીસે બંનેની શોધખોળ હાથધરી છે. ફિરોજ સંધી આ પહેલાં પણ અનેક વખત વિદેશી દારૂનો જંગી જથ્થો મગાવવાના ગુનામાં ઝડપાયો છે. ઝડપાયેલા બંને શખ્સોને પોલીસે રિમાન્ડ પર લેવા તજવીજ હાથધરી છે.