વિદેશી દારૂની ૯૬૦ બોટલ, છોટા હાથી અને ૨ મોબાઈલ મળી રૂ.૬,૬૯,૦૦૦નો મુદ્દામાલ કબજે કર્યો: જંગલેશ્ર્વરના સપ્લાયરની શોધખોળ
શહેરના ભાવનગર રોડ ઉપર આવેલ મયુરનગર શેરી નં.૧માં દારૂ ભરેલી ઈંગ્લીશ કાર સાથે બે બુટલેગરો હેરાફેરી અર્થે ઉભા હોવાના ચોક્કસ બાતમીના આધારે ક્રાઈમ બ્રાંચની ટીમે દરોડો પાડી બે બુટલેગરોને ઝડપી લઈ અશોક લેલન્ડ ગાડીમાંથી રૂા.૪ લાખનો ૯૬૦ બોટલ ઈંગ્લીશ દારૂ ઝડપી પાડ્યો હતો. સપ્લાયર અને બુટલેગર સામે ગુનો નોંધી ક્રાઈમ બ્રાંચને વધુ તપાસ હાથ ધરી છે.
પ્રાપ્ત વિગતો મુજબ મયુરનગર શેરી નં.૧માં બે બુટલેગરો કારમાં દારૂનો જથ્થો ભરી હેરાફેરી અર્થે ઉભા હોવાની ચોક્કસ બાતમી ક્રાઈમ બ્રાંચના પીઆઈ વી.કે.ગઢવીના માર્ગદર્શન હેઠળ રહેલા પીએસઆઈ યુ.બી.જોગવાણા, હેડ કોન્સ. સંતોષ મોરી અને પોલીસ કોન્સ. કરણભાઈ મારૂને પેટ્રોલીંગ દરમિયાન મળતા પોલીસ સ્ટાફ સાથે બાતમીવાળા સ્થળ પર દરોડો પાડી શંકાસ્પદ અશોક લેલન્ડમાં બેસેલા ચાલક મયુરનગરના પ્રવિણ ઉર્ફે પવો દેવશીભાઈ ગાબુ (ઉ.૨૮) તથા મયુરનગરના ધવલ ધીરેનભાઈ પુજારા (ઉ.૩૧)ની ધરપકડ કરી ગાડીની તલાસી લેતા રૂા.૪,૧૭,૨૧૦ની ઈંગ્લીશ દારૂની ૯૬૦ બોટલ મળી આવી હતી. પોલીસે વિદેશી દારૂ, અશોક લેલન્ડ, બે મોબાઈલ મળી કુલ રૂા.૬,૬૯,૧૨૦નો મુદ્દામાલ કબજે કર્યો છે. પોલીસની પ્રાથમિક પુછપરછમાં ઈંગ્લીશ દારૂનો જથ્થો એક દિવસ પૂર્વે જંગલેશ્ર્વર શેરી નં.૨૯માં રહેતા આરીફ ઉર્ફ ભોલાબાપુએ સપ્લાય કર્યાનું ખુલ્યું હતું.દારૂના ગુનામાં ઝડપાયેલ પ્રવિણ ઉર્ફે પવો અગાઉ બી-ડીવીઝન પોલીસ મથક, ક્રાઈમ બ્રાંચમાં દારૂના ગુનામાં ઝડપાઈ ચૂકયો છે. જ્યારે ધવલ પૂજારા અગાઉ જુદા જુદા પોલીસ સ્ટેશનના પંદરેક જેટલા ઈંગ્લીશ દારૂના ગુનામાં ઝડપાઈ ચૂકયો છે. ક્રાઈમ બ્રાંચની ટીમે બન્ને બુટલેગરોનો કોરોનો ટેસ્ટ કરાવવા તજવીજ હાથ ધરી છે. ક્રાઈમ બ્રાંચે બે બુટલેગરો સહિત સપ્લાયર સામે ગુનો નોંધી સપ્લાયરની શોધખોળ હાથ ધરી છે.