જામનગર-રાજકોટ ધોરીમાર્ગ પર ફલ્લા પાસે ગઈકાલે બપોરે પૂરપાટ ઝડપે દોડી આવતી પીકઅપ જીપનું સ્ટીયરીંગ લોક થઈ જતાં ડિવાઈડર ટપી રોંગ સાઈડમાં જીપે પલ્ટી મારી હતી. આ અકસ્માતમાં ખંભાળિયાના વડત્રા ગામના બે પિત્તરાઈઓના મૃત્યુ નિપજયા છે. જ્યારે ત્રીજાને ઈજા થઈ છે. વડોદરા પાસે ચાલતા કોન્ટ્રાક્ટના કામ પરથી પરત આવતા આ અકસ્માત સર્જાયો હતો.
ખંભાળિયા તાલુકાના વડત્રા ગામમાં રહેતા ભાયાભાઈ માલદેભાઈ રામ (ઉ.વ.૩૦), જેસાભાઈ નગાભાઈ રામ (ઉ.વ.૨૬) નામના બે પિત્તરાઈ ભાઈઓ જયેશ માલદેભાઈ રામ (ઉ.વ.૨૦) સાથે વડોદરા નજીકના નસવાડી (છોટા ઉદેપુર)માં ચાલતા પોતાના કોન્ટ્રાક્ટના કામના અનુસંધાને વડત્રાથી બોલેરો પીકઅપ વાન (જીજે-૧૦-ટીવી ૪૨૭૨) લઈને વડોદરા ગયા હતા જ્યાંથી ઉપરોક્ત ત્રણેય વ્યક્તિઓ ગઈકાલે ખંભાળિયા પરત આવવા માટે નીકળ્યા હતા ત્યારે ભાયાભાઈ રામએ જીપનું ચાલન સંભાળ્યું હતું.
ઉપરોક્ત વાહન જામનગર-રાજકોટ ધોરીમાર્ગ પર ચોવીસ કિ.મી. દૂર આવેલા ફલ્લા પાસે જ્યારે પહોંચ્યું ત્યારે તકનીકી ક્ષતિના કારણે જીપનું સ્ટીયરીંગ લોક થઈ જતાં પૂરપાટ ઝડપે દોડી આવતી જીપ રોડ વચ્ચેનું ડિવાઈડર ટપી રોંગ સાઈડમાં ગયા પછી પલ્ટી મારી ગયું હતું. આ વેળાએ જીપમાં બેસેલા ત્રણેય પિત્તરાઈઓની મરણચીસ ગાજી ઉઠી હતી.
બન્ને તરફથી આવતા વાહનો બપોરે એકાદ વાગ્યે બનેલા અકસ્માતના કારણે થંભી ગયા હતા. દોડેલા વ્યક્તિઓએ અકસ્માતગ્રસ્ત જીપમાંથી ત્રણેય વ્યક્તિઓને બહાર કાઢવાનો પ્રયાસ આરંભી ૧૦૮ તથા પોલીસને જાણ કરી હતી. દોડી ગયેલી એમ્બ્યુલન્સે સ્થળ પર તરફડી રહેલા જયેશભાઈને સારવાર માટે ધ્રોલ દવાખાને ખસેડયા હતા જ્યારે જીપ ચલાવી રહેલા ભાયાભાઈ તથા જેસાભાઈ નગાભાઈના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મૃત્યુ નિપજ્યા હતા. અકસ્માતની જાણ થતા પંચકોશી-એ ડિવિઝનનો પોલીસ કાફલો દોડયો હતો. પોલીસે જયેશભાઈની ફરિયાદ પરથી જીપના ચાલક ભાયાભાઈ સામે ગુન્હો નોંધ્યો છે.