બાયોડીઝલ, ત્રણ ઈલેકટ્રીક મોટર, ફીલીંગ મશીન, ટ્રક, આઈસર, લોખંડ અને પ્લાસ્ટીકના ટાંકા મળી રૂ.21.80 લાખનો મુદામાલ કબ્જે
અબતક, જામનગર
જામનગર-ખંભાળીયા બાયપાસ પર ઠેબા ચોકહી પાસે બાયો ડિઝલના અનઅધિકૃત જથ્થા સાથે બે શખ્સોને પોલીસે ઝડપી રૂ.21.80 લાખનો મુદામાલ કબ્જે કરાયો છે.
જામનગર નજીકના મોટા થાવરિયા ગામ અને ઠેબા ચોકડી પાસેથી પંચકોશી એ ડીવીજન પોલીસે દરોડો પાડી બાયોડીઝલનું કૌભાંડ પકડી પાડ્યું છે. પોલીસે રૂપિયા આઠ લાખના બાયોડીઝલનો જથ્થા સાથે કુલ 21 લાખ 80 હજારનો મુદ્દામાલ જપ્ત કરી બે શખ્સોની ધરપકડ કરી છે. જ્યારે 3 શખ્સોને ફરાર થઇ ગયા છે.જામનગરમાં મોટા થાવરીયા ગામ તથા જામનગર કાલાવડ હાઇવે રોડ ઉપર ઠેબા ગામ પાસે આવેલા અક્ષર કોમ્પલેક્ષમાં આવેલી ગીતા લોજીસ્ટીકની ઓફિસની સામે અમુક શખ્સો બાયોડીઝલનું કૌભાંડ ચલાવતા હોવાની પંચકોશી એ ડીવીજન પોલીસને ચોક્કસ હકીકત મળી હતી.
આ હકીકતના આધારે પોલીસે દરોડો પાડ્યો હતો, જેમાં જયેન્દ્ર વલ્લભભાઈ દુધાગરા અને સાજીદ રહીમભાઈ સોરઠીયા નામના બે શખ્સો મળી આવ્યા હતા. પોલીસે આ શખ્સોના કબ્જામાંથી ભેળસેળ યુક્ત બાયોડીઝલ જેવુ જ્વલનશીલ પ્રવાહી 12 હજાર 400 લીટર જેની કિંમત 8 લાખ 6 હજાર, એક હજાર લીટર ઓઇલ જેની કિંમત 50 હજાર, લોખંડનો મોટો ટાંકો, પ્લાસ્ટીકનો ટાકો, 26 ખાલી બેરલો, પાઇપ સાથેની ત્રણ ઇલેક્ટ્રીક મોટર, ઇલેક્ટ્રીક ફીલીંગ મશીન, સ્ટેબીલાઇઝર, ગુનામાં ઉપયોગ કરેલી ટ્રક, આઇસર વાહન, મોબાઇલ નંગ 3 તેમજ અન્ય સાધન-સામગ્રી મળી કુલ રૂપીયા 21 લાખ 80 હજારનો મુદ્દામાલ મળી આવ્યો હતો. પોલીસે બંને શખ્સોની અટકાયત કરી કોરોના ટેસ્ટ કરાવવા તજવીજ હાથ ધરી છે.
પ્રાથમિક પોલીસ પૂછપરછમાં આરોપી જયેન્દ્ર વલ્લભભાઈ દુધાગરાએ પોતાના પાર્ટનર આરોપી આશિષ સોઢા સાથે મળી આરોપી નીરવ મધુસુદનભાઈ સોની પાસેથી ભેળસેળ યુક્ત બાયોડીઝલ જેવુ જ્વલનશીલ પ્રવાહી તેમજ ઓઇલ મેળવ્યુ હતુ. નીરવ મધુસુદનભાઈ સોનીએ જથ્થો પુરો પાડી આરોપી જયેન્દ્ર વલ્લભભાઈ દુધાગરાએ પોતાના સાગરિત સાજીદ રહીમભાઈ સોરઠીયાની મદદગારીથી ભેળસેળ યુક્ત બાયોડીઝલનો જથ્થો પોતાના કબ્જા ભોગવટામાં રાખ્યો હતોઆરોપી આઇસર ચાલક સલીમ સતારભાઈ સોરઠીયાએ ભેળસેળ યુક્ત બાયોડીઝલનો જથ્થાની હેર-ફેર કરી, તમામ આરોપીઓએ પેટ્રોલીયમ અને પ્રાકૃતીક ગેસ મંત્રાલયની કોઇ મંજૂરી મેળવ્યા વગર જ્વલનશીલ પદાર્થ અનઅધિકૃત રીતે ઉપયોગ કરી/ઇંધણ તરીકે વેચાણ કરી વાતાવરણ પ્રદુષીત કરી તેમજ ફાયર સેફ્ટીના સાધનો વગર રહેણાંક વિસ્તારમાં મોટા પ્રમાણમાં જ્વલનશીલ પ્રવાહી રાખી ગંભીર બેદરકારી દાખવી હોવાનું સામે આવ્યુ હતું.
આ બંને શખ્સોએ આશિષ સોઢા અને સલીમ સતારભાઈ સોરઠીયાએ નીરવ મધુસુદનભાઈ સોની (મધુસુદન પેટ્રોકેમ પ્રા. લી. અમદાવાદ)વાળાની મદદથી આ કૌભાંડ આચર્યું હોવાનું સામે આવ્યું છે. પોલીસે ફરિયાદ નોંધી આગળની કાયવાહી હાથ ધરી છે.