શરાબ અને ટ્રક મળી કુલ રૂા.19.11 લાખનો જથ્થો એલસીબીએ કબ્જે કર્યો: દારૂ મોકલનારની શોધખોળ
અબતક-રાજકોટ
ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં પણ બુટલેગરો અનેક નવા નુસ્કા અપનાવીને રાજ્યમાં દારૂની હેરાફેરી કરતા હોય છે. તેવી જ રીતે રાજકોટ લોકલ ક્રાઇમ બ્રાન્ચના સ્ટાફે કોટડાસાંગાણીના નાના માંડવા ગામ પાસેથી ટ્રકના ચોરખાનામાંથી લાખો રૂપિયાનો દારૂ કબ્જે કરી ડ્રાઇવર અને ક્લીનરની ધરપકડ કરી છે. જ્યારે ગુજરાતમાં દારૂ ઘુસેડનાર શખ્સ સામે પણ ગુનો નોંધીને તેની શોધખોળ હાથ ધરી છે.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ રાજકોટ લોકલ ક્રાઇમ બ્રાન્ચના પીઆઇ એ.આર.ગોહિલ, પીએસઆઇ એસ.જે. રાણા, એએસઆઇ મહેશ જાની અને હેડ કોન્સ્ટેબલ બાલકૃષ્ણ ત્રિવેદી સહિતનો સ્ટાફ પેટ્રોલીંગમાં હતો તે દરમિયાન બાતમીના આધારે નાના માંડવા ગામ પાસે આવેલી દ્વારકાધીશ હોટેલના સામેના ભાગે રોડ પર રહેલા જીજે-02-ઝેડ-4094 નંબરના ટ્રકની તલાસી લેતા તેમાંથી લાખોની કિંમતનો દારૂનો જથ્થો ઝડપાયો હતો. એલસીબીના સ્ટાફે આ દારૂના જથ્થા સાથે ટ્રકના ડ્રાઇવર માંગીલાલ પ્રહલાદજી બિસ્નોઇ અને ક્લીનર ગોપીલાલ રામોજી બિસ્નોઇને દબોચી લીધા હતા.
રાજકોટ લોકલ ક્રાઇમ બ્રાન્ચના સ્ટાફે દરોડો પાડ્યો ત્યારે દારૂનો જથ્થો છૂપાવવા માટે આ પ્રવાહી ભરવાના ટ્રકમાં બે ચોરખાના મળી આવ્યા હતા. પોલીસની નજરથી બચવા માટે આરોપીઓએ એક ચોરખાનું ખાલી રાખ્યું હતું.
જ્યારે બીજા ચોરખાનામાંથી એલસીબીના સ્ટાફે રૂા.8,99,100ની કિંમતની 2,532 વિદેશી દારૂની બોટલ ઝડપી પાડી હતી.
પોલીસે આરોપી માંગીલાલ બિસ્નોઇ અને ગોપીલાલ બિસ્નોઇની પ્રાથમિક પૂછપરછ કરતાં આ દારૂનો જથ્થો સાંચોર રહેતા મનોસરસિંહ નામના શખ્સે મોકલ્યો હોવાનું સામે આવ્યું હતું. જેથી પોલીસે ત્રણેય આરોપી સામે ગુનો નોંધી મનોસરસિંહની શોધખોળ હાથધરી છે. જ્યારે એલસીબીના સ્ટાફે આ દરોડામાં વિદેશી દારૂના જથ્થા સહિત ટ્રક અને અન્ય ચીજવસ્તુઓ મળી કુલ રૂા.19,11,200નો મુદ્ામાલ કબ્જે કરીને આગળની તપાસ હાથધરી છે.