જામનગરના ચર્ચાસ્પદ ધૂંવાવ જમીન પ્રકરણમાં અને જુગારના કેસમાં પોલીસને હાથતાળી આપી નાસતા-ફરતા કુખ્યાત શખ્સને આર.આર.સેલે પકડી પાડ્યો છે. ઉપરાંત ત્રણ જમીન પ્રકરણમાં સંડોવાયેલા એક તથા દારૂબંધી ભંગના ગુન્હામાં સંડોવાયેલા અન્ય બે શખ્સની પણ આર.આર.સેલે અટકાયત કરી છે.
જામનગરના ધૂંવાવમાં આવેલી એક કરોડો રૂપિયાની એક જમીનના બોગસ દસ્તાવેજના પ્રકરણમાં રાજ કોટના આસામીએ નોંધાવેલી ફરિયાદમાં નગરના મહિલા કોર્પોરેટરના પુત્ર અલ્તાફ કાસમ ખફી ઉર્ફે પપ્પુ સહિતના શખ્સો સામે ગુન્હો નોંધવામાં આવ્યો હતો. તે કેસ ઉપરાંત જુગાર, મારામારી સહિતના પાંચેક ગુન્હામાં આ આરોપી ફરાર હતો જેના સગડ પોલીસ દબાવતી હતી તે દરમિયાન રાજકોટ રેન્જના આઈજી સંદીપસીંઘે નાસતા-ફરતા આરોપીઓને પકડી પાડવા માટે સ્ટાફને સ્પેશ્યલ ડ્રાઈવ ગોઠવવા સૂચના આપતા પીએસઆઈ વી.બી. ચૌહાણ, હે.કો. સંદીપસિંહ ઝાલા, જયદેવસિંહ જાડેજા, કમલેશ રબારી વિગેરેને અલ્તાફ ઉર્ફે પપ્પુ ખફીની બાતમી મળી હતી. તે બાતમીના આધારે જામનગર તાલુકાના સચાણામાં આવેલા ખ્વાજા ફાર્મમાં દરોડો પાડવામાં આવતા આ શખ્સ મળી આવ્યો હતો. જેની અટકાયત કરી આર.આર. સેલએ લગત પોલીસ સ્ટેશનને તેની સોંપણી કરવાની તજવીજ કરી છે.
તે ઉપરાંત ગયા વર્ષના ચર્ચાસ્પદ ત્રણ જમીન પ્રકરણમાં સંડોવાયેલા ચૂનાના ભઠ્ઠા નજીક વસવાટ કરતા અખ્તર ઈબ્રાહીમ ખીરાની પણ આર.આર.સેલને બાતમી મળતા તે શખ્સને કિશાન ચોક વિસ્તારમાંથી પકડી પાડવામાં આવ્યો છે.
ચારેક વર્ષ પહેલા દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા દારૂબંધીના બે ગુન્હામાં પોરબંદર જિલ્લાના રાણાવાવ તાલુકાના આદિત્યાણા ગામના નાસતા-ફરતા માંડા જેસાભાઈ ગુરગટીયા નામના શખ્સને પણ આર.આર.સેલે પકડી લઈ ભાણવડ પોલીસ સ્ટેશનને સોંપી આપ્યો છે.