જામનગરના ગુલાબનગર પાસેથી પોલીસે ગઈકાલે બે શખ્સોને ત્રણ શંકાસ્પદ કેમેરા સાથે પકડી પાડયા પછી આ શખ્સોના કબજામાંથી એક જ ફોટાવાળા અને બે અલગ અલગ નામવાળા કુલ ચાર આધારકાર્ડ મળી આવતા પોલીસ ચોંકી છે. આરોપીઓએ જામનગરના એક અને રાજકોટના બે આસામીઓ પાસેથી કેમેરા છેતરપિંડીથી મેળવ્યાની કબૂલાત આપી છે.જામનગરના એક આસામી પાસેથી સાત કલાક માટે કેમેરો ભાડે લીધા પછી તે કેમેરો પરત નહીં આપી છેતરપિંડી કરવા અંગે રવિવારે ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવાઈ હતી.આ કેસની તપાસ દરબારગઢ પોલીસ સ્ટેશનના પીએસઆઈ એમ.આર. વાળા તથા સ્ટાફ દ્વારા હાથ ધરવામાં આવી હતી તે દરમ્યાન પો.કો. કુલદીપસિંહ તથા દિનેશભાઈ સાગઠિયાને બાતમી મળી હતી કે, ગુલાબનગર નજીકના સત્યસાંઈનગર પાસે બે શખ્સો શંકાસ્પદ કેમેરા સાથે આવ્યા છે. આ બાતમીથી પીઆઈ કે.આર. સકસેનાને વાકેફ કરાયા પછી પોલીસ ત્યાં દોડી ગઈ હતી.

આ સ્થળેથી મૂળ જૂનાગઢ જિલ્લાના કાઠરોટિયા ગામના વતની તથા હાલમાં સત્યમ્ કોલોની સ્થિત પરિવાર એપાર્ટમેન્ટમાં વસવાટ કરતા રવિ ગોબરભાઈ પોકિયા અને સાહીલ અનિલભાઈ ડાભી નામના બે શખ્સો મળી આવ્યા હતા. તેઓના થેલાની જડતી લેવાતા તેમાંથી નિકોન કંપનીનો રૃા.૩૭ હજારની કિંમતનો એક તેમજ કેનન કંપનીના કુલ રૃા.૭૦ હજારના બે કેમેરા મળી આવ્યા હતા. પોલીસે આ કેમેરા અંગે ૫ૂછપરછ હાથ ધરતા આરોપીઓએ ઉપરોકત કેમેરા રાજકોટના મવડી સર્કલ પાસે રહેતા જયદીપસિંહ પરમાર પાસેથી ખોટા આધાર પુરાવા આપી અને બીજો કેમેરો રાજકોટના જ કે.કે.વી. હોલ પાસે રહેતા હાર્દિક લીલાભાઈ નામના આસામીને ખોટા આધાર પુરાવા આપી મેળવી લીધાની કબૂલાત આપી છે.

પોલીસે બન્ને શખ્સોની ઘનિષ્ટ પૂછપરછ કરતા તેઓના કબજામાંથી બે અલગ અલગ નામવાળા, પરંતુ એક જ ફોટાવાળા બે આધાર કાર્ડ મળી આવ્યા હતા. આથી ચોંકી ઉઠેલી પોલીસે કુલ રૃા.૧,૦૭,૦૦૦ના ત્રણ કેમેરા અને બન્ને આરોપીઓના ચાર આધાર કાર્ડ કબજે કરી તેઓની ધરપકડ કરી છે. આ કાર્યવાહીમાં સ્ટાફના હે.કો. સુખદેવસિંહ મનુભા જાડેજા, પંકજ વાઘેલા, સુખદેવસિંહ મહોબતસિંહ જાડેજા, મહેશભાઈ ડાંગર, જાવેદભાઈ વજગોર, ક્રિપાલસિંહ સોઢા સાથે રહ્યા હતા.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.