ત્રણ દિવસ પહેલા ભરબજારે બનેલી ઘટનાનો વિડીયો વાયરલ થયો હતો; સી.સી.ટી.વી.ના આધારે લૂંટનો ભેદ ખુલ્યો; બન્ને આરોપી હરીદ્વાર અસ્થિ વિસર્જન કરવા જતાં રહ્યાં હતા

મોરબી ના રવાપર રોડ, લીલાલહેરની બાજુમાં આંગડીયા પેઢીના કર્મચારીને હથિયાર બતાવી મરચાની ભૂકી છાંટી લુંટ કરવાના ગુન્હામાં સંડોવાયેલ આરોપીઓને મોરબી એલ.સી.બી.ની ટીમેં દિલ્હી ખાતેથી ગણતરીના દિવસોમા દબોચી લઈ આગળની કાર્યવાહી હાથ ધરી છે.

મોરબી એસપી સુબોધ ઓડેદરા એ પત્રકાર પરિષદ યોજીને  માહિતી આપતા જણાવ્યુ કે ગત તા.28/09/2021ના વસંતભાઇ ગંગારામભાઇ બાવરવા (રહે. મોરબી પંચાસર રોડ, મીયાણા સોસાયટી સરદાર હીલ્સ એપાર્ટમેન્ટ)વાળા મોરબી રવાપર રોડ, ગંગા દર્શન એપાર્ટમેન્ટ પાસેથી આંગડીયામાં આવેલ રોકડા રૂપીયા એકટીવામાં આગળના ભાગે રાખી નીકળી રવાપર ચોકડીથી બાપા સીતારામ ચોક લીલા લહેર પાસે બપોરના સવા એક વાગ્યાની આસપાસ ચાલુ મોટર સાયકલ પર ફોનમાં વાતચીત કરતા હતા તે અરસામાં મોટર સાયકલ પર આવેલ બે અજાણ્યા ઇસમોએ મરચાની ભુકી છાંટી પૈસા ભરેલ પાર્સલની લુંટ કરવા જતા તેઓએ તેમનો પ્રતિકાર કરતા એક ઇસમે રીવોલ્વર જેવું હથિયાર કાઢી માથામાં બે ત્રણ ઘા મારી ઇજા પહોચાડી હતી તથા અમુક રકમની લુંટ કરી નાશી ગયેલ હોય જેથી બે અજાણ્યા ઇસમો સામે મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરાવેલ હતો.

આ બનાવમાં ભોગ બનનાર આંગડીયા પેઢીના કર્મચારીની આંખમાં મરચાની ભુકી છાંટી હથિયાર બતાવી લુંટનો બનાવ બનેલ જે સમગ્ર બનાવ આજુબાજુના લોકોએ મોબાઇલ ફોનમાં વીડીયો રેકોર્ડીંગ કરી વાઇરલ કર્યો હતો. આ બનાવમાં એલ.સી.બી. ટેકનીકલ ટીમ દ્વારા બનાવ અંગેના સીસીટીવી ફૂટેજ મેળવી મોરબી તથા આજુબાજુના ગામડાઓમાં સઘન તપાસ કરાવતા હતા. દરમ્યાન એલ.સી.બી.ના હેડ કોન્સ્ટેબલ શકિતસિંહ તથા સહદેવસિંહ જાડેજાને હ્યુમન સોર્સીશ મારફતે હકિકત મળેલ કે, લુંટ કરનાર તેમજ વીડીયોમાં દેખાતા જયદિપ ઉર્ફે લાલો ઉર્ફે શકિત નાનજીભાઇ પટેલ રહે. બંગાવડી તા.ટંકારા જી.મોરબી તથા સંદિપ ઉર્ફે સેન્ડી શ્યામબહાદુરસીંગ રાજપુત રહે. હાલ સુરત મુળ (યુ.પી.) વાળાઓ હોવાની તેમજ બન્ને આરોપીઓ સુરેન્દ્રનગર જિલ્લાના ચુડા તાલુકાના કોરડા ગામે હોવાની હકીકત મળી હતી.

જેથી બન્ને આરોપીઓ અંગે ઇ-ગુજકોપમાં સર્ચ કરતા આરોપી સંદિપ ઉર્ફે સેન્ડી શ્યામ બહાદુરસીંગ રાજપુત વાળો અગાઉ સુરત તેમજ લીંબડી ખાતે લુંટ મારામારીના ગુનામાં પકડાયેલ હોવાની હકિકત મળતા તુરત બે ટીમો બનાવી સુરેન્દ્રનગર જિલ્લાના ચુડા તાલુકાના કોરડા ગામે તપાસ અર્થે મોકલતા કાળુભાઇ ભુપતભાઇ રોજાસરાને મળી તેને લુંટ અંગેનો વીડીયો બતાવી પુછપરછ કરતા આ ગુન્હામાં ઉપયોગ કરેલ બાઇક વીરમભાઇ રતાભાઇ કોળી રહે.લુણા ગામ તા.ચુડા જી.સુરેન્દ્રનગર વાળાનુ હોવાનું જણાવતા મજકુરને સાથે રાખી લુણા ગામે તપાસ કરતા વીરમભાઇ રતાભાઇ કોળી મળી આવતા તેને વીડીયો બતાવી તેમજ બનાવ સબંધી પુછપરછ કરતા તે પણ તેઓ

બન્નેને ઓળખતો હોવાનું જણાવેલ તથા તેના રહેણાંક મકાનેથી ઉપરોકત ગુનામાં ઉપયોગ થયેલ મોટર સાયકલ મળી આવી હતી.

પૂછપરછ કરતા તેઓ બન્ને અસ્થિ વીસર્જન માટે હરિદ્વાર ખાતે ગયેલ હોવાનું જણાવતા આરોપીઓ સાથે રહેલ બન્ને ઇસમો અંગે ટેકનીકલ માધ્યમથી તપાસ કરતા હકિકત સાચી હોવાનું જણાઇ આવતા તુરત પીએસઅઆઈ એનબી.ડાભી સાથે એલ.સી.બી. મોરબીની ટીમ બનાવી દિલ્હી, હરિદ્વાર ખાતે પહોચેલ તુરંત જ સ્પેશ્યલ સેલ દિલ્હીનો સંપર્ક કરી આ ગુનામાં સંડોવાયેલ આરોપીઓ જયદિપ ઉર્ફે લાલો ઉર્ફે શકિત નાનજીભાઇ પટેલ, સંદિપ ઉર્ફે સેન્ડી શ્યામબહાદુરસીંગ રાજપુતને ઈંજઇઝ કાશ્મીરી ગેટ રીંગરોડ, વઝીરાબાદ દિલ્હી ખાતેથી ઝડપી લીધા હતા.

લુંટના ગુનામાં ઉપયોગ કરેલ હથિયાર તેમજ રોકડા રૂપીયા મળી આવતા દિલ્હી પોલીસ દ્વારા બન્ને આરોપીઓ વિરૂધ્ધ ગે.કા.હથિયાર અંગેનો ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે જે બન્ને આરોપીઓનો કબજો મેળવવા અંગેની કાર્યવાહી ચાલુ છે.આ કામગીરી કરનાર અધિકારી તથા પોલીસ કર્મચારી પીઆઇ વી.બી.જાડેજા, પીએસઆઈ એન.બી.ડાભી, એ.ડી.જાડેજા તથા એલ.સી.બી. ટેકનીકલ પેરોલ ફર્લો સ્કોડની ટીમનો સ્ટાફ હાજર રહ્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.