જીવનનગરમાં આવેલ ગોડાઉન પર માલ ભરવા આવેલા લોહાણા બંધુએ પડોશી સો ઝઘડો કરતા મામલો પોલીસ મકે પહોંચ્યો’તો: પોલીસે ફરજ રૂકાવટનો ગુનો નોંધી બન્ને શખ્સોની શાન ઠેકાણે લાવી
ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનના ઈન-વે રૂમમાં પીએસઆઈ પરમાર સાથે ઝઘડો કરી ઝપાઝપી કરી મોબાઈલમાં બે શખ્સોએ રેકોર્ડીંગ કરતા પોલીસે ફરજ રૂકાવટનો ગુનો નોંધી બન્ને શખસોની શાન ઠેકાણે લાવી દીધી હતી. આ અંગેની વિગત મુજબ જીવંતીકાનગર શેરી નં.૩માં રૈયા રોડ પર રહેતો અને યાજ્ઞીક રોડ પર ઈલેકટ્રીકની દુકાન ચલાવતો દિપ વત્સલ વસાણી અને તેનો ભાઈ દર્શીત નામના બન્ને શખ્સો તેના ગોડાઉન પર છોટા હાથી લઈ માલ ભરવા ગયા હતા. તે દરમિયાન ગોડાઉનની પડોશમાં રહેતા કેતનભાઈ મકવાણા નામના યુવાનનું બાઈક છોટા હાથી હડફેટે આવતા નુકશાન થયું હતું. જે બાબતે કેતનભાઈ મકવાણાએ પોલીસમાં ફરિયાદ કરતા મામલો ગાંધીગ્રામ પોલીસ સ્ટેશને પહોંચ્યો હતો.
પોલીસ સ્ટેશનના ઈનવે રૂમમાં ફરજ પરના પીએસઆઈ વી.સી.પરમાર સહિતનો સ્ટાફ હાજર હતા અને ફરિયાદી કેતનભાઈને સાંભળતા હતા તે દરમિયાન ઝઘડો કરનાર દિપ વસાણી અને દર્શીત વસાણીએ પીએસઆઈ પરમાર સામે ઉશ્કેરાઈ જઈ બોલાચાલી કરી ઝપાઝપી કરી હતી અને આ ઘટનાનું તેનો ભાઈ દર્શીત મોબાઈલમાં રેકોર્ડીંગ કરતો હોય જે બાબતે પોલીસ સ્ટાફના ડી-સ્ટાફના કોન્સ્ટેબલ સંતોષભાઈએ રેકોર્ડીંગ કરવાની ના કહેતા દિપ વસાણીએ દરવાજાની પટ્ટી લઈ હુમલો કરવા દોડયો હતો. પોલીસ સ્ટેશનમાં જ પોલીસ પર હુમલાની ઘટનાથી હાજર રહેલા લોકો સ્તબ્ધ થઈ ગયા હતા. પોલીસે દિપ અને તેના ભાઈ દર્શીત નામના બન્ને લોહાણા વેપારીની સામે ફરજ રૂકાવટનો ગુનો નોંધી ધરપકડ કરી બન્નેની શાન ઠેકાણે કરી હતી.