મધ્યપ્રદેશથી નજીવી કિંમતે પિસ્તોલ અને રિવોલ્વર લાવી રાજકોટમાં રૂ.૨૫ થી ૫૦ હજારમાં વેચ્યાની કબૂલાત: ૨૫ જીવતા કારતુસ મળ્યા
શહેરમાં તાજેતરમાં જ જામનગર રોડ પર ઘંટેશ્ર્વર પાસે જામનગરના નામચીન શખ્સ પર અને ગઇકાલે પેડક રોડ પર ધારાસભ્યના ભાઇએ કરેલા ફાયરિંગના કારણે ગેર કાયદે હથિયાર ઝડપી લેવા પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલૌતના માર્ગ દર્શન હેઠળ શ‚ કરાયેલી ઝુબેશ અતંગર્ત ક્રાઇમ બ્રાન્ચના સ્ટાફે સરધાર પાસેથી બે શખ્સોને ત્રણ પિસ્તોલ, એક રિવોલ્વર અને ૨૫ જીવતા કારતુસ સાથે ઝડપી લીધા છે. બંને શખ્સોએ મધ્ય પ્રદેશથી નજીવા ભાવે હથિયાર ખરીદ કરી રાજકોટમાં વેચાણ કરતા હોવાની કબૂલાત આપતા બંને શખ્સો પાસેથી હથિયાર ખરીદનાર શખ્સોમાં ફફડાટ મચી ગયો છે.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ વેલનાથ સોસાયટી પાસે શિવધારા સોસાયટીમાં રહેતા અને અગાઉ દારૂના ગુનામાં ઝડપાયેલા હિતેશ અમરા ઉર્ફે બાબુ ડવ નામના આહિર શખ્સ અને સરધારની શ્રીરામ સોસાયટીમાં રહેતા અને જુગારના ગુનામાં પોલીસ ચોપડે ચડી ચુકેલા પિન્ટુ ઉર્ફે પીનો સુરેશ સાયજા નામના પટેલ શખ્સ ગેર કાયદે હથિયારનું વેચાણ કરતા હોવાની બાતમીના આધારે ક્રાઇમ બ્રાન્ચના એસીપી જયદીપસિંહ સરવૈયા, પી.આઇ. એચ.એમ.ગઢવી, પી.એસ.આઇ. આર.સી.કાનમીયા, સંતોષ મોરી, જગમાલભાઇ ખટાણા, મયુરભાઇ પટેલ સહિતના સ્ટાફે સરધાર ખાતે પિન્ટુ ઉર્ફે પીનો સાયજાની વાડીએ દરોડો પાડયો હતો.પોલીસના દરોડા દરમિયાન હિતેશ ડવ અને પિન્ટુ સાયજા નામના શખ્સો લોડેડ ત્રણ પિસ્તોલ અને એક રિવોલ્વર તેમજ ૨૫ જેટલા કારતુસ સાથે ઝડપી લેતા પોલીસે બંને પાસેથી ‚રૂ.૫૭,૩૦૦નો મુદામાલ કબ્જે કરી પૂછપરછ કરતા તેઓ મધ્યપ્રદેશના લક્કી નામના શખ્સ પાસેથી પાણીના ભાવે પિસ્તોલ અને રિવોલ્વર ખરીદ કરી રાજકોટમાં રૂ ૨૫ હજારથી ‚ રૂ.૫૦ હજાર સુધીમાં વેચાણ કરતા હોવાની કબૂલાત આપતા બંને શખ્સોને રાજકોટમાં કેટલા હથિયારનું વેચાણ કર્યુ તે અંગેની વિગતો મેળવવા બંને શખ્સોને ૧૪ દિવસના રિમાન્ડ પર લેવા તજવીજ હાથધરી છે.