સયુંકત માલિકીનું ટ્રેકટર ખેતીના કામમાં લઇ જવાના પ્રશ્ર્ને ઝઘડો થતાં પરવાનાવાળા હથિયારમાંથી બે રાઉન્ડ ગોળીબાર: મહિલા ગંભીર : નિવૃત આર્મીમેન સામે નોંધાતો હત્યાના પ્રયાસનો ગુનો
પડધરી તાલુકાના હડમતીયા ગામે સયુંકત માલિકીના ટ્રેકટરનો ખેતીના કામ માટે લઇ જવાના પ્રશ્ર્ને કુટુંબી ભાઇઓ વચ્ચે થયેલા ઝઘડાના કારણે નિવૃત આર્મીમેને પોતાના કુટુંબી ભાઇના પત્ની સહિત બે પર બે રાઉન્ડ ફાયરિંગ કરતા ગંભીર રીતે ઘવાયેલી મહિલાને સારવાર માટે રાજકોટની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાઇ છે. પોલીસે નિવૃત આર્મીમેન સામે હત્યાના પ્રયાસનો ગુનો નોંધી તપાસ હાથધરી છે.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ હડમતીયા જંકશન ગામે રહેતી ભક્તિબા સિધ્ધરાસિંહ જાડેજા નામની ૨૮ વર્ષની ગરાસીયા પરિણીતા અને દિગ્વીજસિંહ વનરાજસિંહ જાડેજા નામના યુવાન પર તેના જ કુટુંબી અને નિવૃત આર્મીમેન સહદેવસિંહ પ્રવિણસિંહ જાડેજાએ બે રાઉન્ડ ફાયરિંગ કર્યાનું પોલીસમાં નોંધાયું છે.
જાડેજા પરિવારે ખેતી કરવા માટે સયુંકત ખરીદ કરેલા ટ્રેકટર વારા મુજબ ઉપયોગ કરતા હતા ટ્રેકટર લઇ જવાનો વારો સિધ્ધરાજસિંહ જાડેજાનો હોવાથી તેના કુટુંબી સહદેવસિંહ જાડેજા સાથે ઝઘડો થતા નિવૃત આર્મીમેન સહેદવસિંહ જાડેજાએ સિધ્ધરાજસિંહ જાડેજાને લાફો મારી દેતા ગોકીરો થઇ ગયો હતો. સિધ્ધરાજસિંહ જાડેજાને લાફો કેમ માર્યો તે અંગે ભક્તિબા અને કુટુંબી દિગ્વીજસિંહ જાડેજા ત્યાં ગયા ત્યારે ઉશ્કેરાયેલા સહદેવસિંહ જાડેજાએ પોતાની પાસે રહેલા હથિયારમાંથી બે રાઉન્ડ ફાયરિંગ કરતા નાસભાગ મચી ગઇ હતી.
ઘવાયેલા ભક્તિબા સિધ્ધરાજસિંહ અને દિગ્વીજસિંહ વનરાજસિંહને સારવાર માટે અહીંની હોસ્પિટલમાં દાખલ કરાયા છે. જ્યાં ભક્તિબાની હાલત ગંભીર ગણાવવામાં આવી રહી છે. પોલીસે નિવૃત આર્મીમેન સહદેવસિંહ સામે પડધરી પી.એસ.આઇ. વાઢીયાએ હત્યાની કોશિષનો ગુનો નોંધી તપાસ કરતા સહદેવસિંહ જાડેજા પાસે લાયસન્સવાળી બંદુક અને પિસ્તોલ હોવાનું બહાર આવ્યું છે.