- રૂ.2843.52 કરોડના બજેટમાં મૂકાયેલી અનેક યોજનાઓની
- અમલવારી માટે કોર્પોરેશનના તંત્રએ એડી ચોટીનું જોર લગાવવું પડશે
- લોકસભાની ચૂંટણીની આચાર સંહિતામાં
રાજકોટ મહાનગરપાલિકાના વર્ષ 2024/25નું રૂ. 2843.52 કરોડનુ બજેટ સ્ટેન્ડિંગ કમિટી દ્વારા મંજૂર કરવામાં આવ્યું છે. નાણાકીય વર્ષના આરંભથી અર્થાત 1 એપ્રીલથી બજેટની અમલવારી શરૂ થઈ જતી હોય છે. પરંતુ આ વખ્તે લોકસભાની ચૂંટણીની આચાર સંહિતાના કારણે બજેટની અમલવારીમાં પ્રથમ કવાર્ટર વેડફાય ગયું છે. મોટાભાગની યોજનાઓ કાગળ પર રહી છે. અનેક વિકાસ કામો ખોરંભે ચડયા છે. અગ્નિકાંડની ઘટના બાદ કોર્પોરેશનના અનેક અધિકારીઓ અને કર્મચારીઓની પુછપરછ કરવામાં આવી રહી છે. અનેકને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે.આખુ તંત્ર ફાયર એનઓસી અને બીયુ પરમીશન અંગે ચેકિંગ ઝુંબાશ શરૂ કરાય છે.જેના કારણે તંત્ર પાસે નવી કોઈ યોજના કે પ્રોજેકટ શરૂ કરવાનો સમય જ નથી.
તત્કાલીન મ્યુનિસિપલ કમિશનર આનંદ પટેલ દ્વારા વર્ષ 2024-25નું રૂ. 2817.81 કરોડનું બજેટ રજૂ કરવામાં આવ્યુ હતુ જેમાં રૂ. 17.77 કરોડનો કરબોજ રાજકોટવાસીઓ પર લાદવામાાં આવ્યો હતો. દરમિયાન સ્ટેન્ડિંગ કમિટી દ્વારા ડ્રાફટ બજેટનો ઉંડાણપૂર્વક અભ્યાસ કર્યા બાદ કરબોજ નામંજૂર કરી રૂ. 2843.52 કરોડનું બજેટ મંજૂર કરવામાં આવ્યું હતુ. રાજકોટ મહાનગરપાલિકાની સ્થાપનાને 50 વર્ષ પૂર્ણ થયા હોય ખડી સમિતિ દ્વારા 50 કરોડની નવી 18 યોજનાનો બજેટમાં ઉમેરો કરવામાં આવ્યો હતો.
જેમાં મહાપાલિકાની સેવાના વિકેન્દ્રીયકરણ માટે નવો સાઉથ ઝોન બનાવવા, કોર્પોરેટરોને વિકાસ કામો માટે ચૂકવવામાં આવતી ગ્રાન્ટમાં 5 લાખનો વધારો કરી 20 લાખની ગ્રાન્ટ ફાળવવા, આજી જીઆઈડીસીને જોડતો નવો બ્રિજ બનાવવા નવા કોમ્યુનિટી હોલ બનાવવા અને હયાત કોમ્યુનીટી હોલનું રિનોવેશન કરવા શાળાઓનું નવીનીકરણ કરી મોડલ શાળા બનાવવી, ભાડામાં ચાલતી કોર્પોરેશનની આંગણવાડી માલીકીની જગ્યામાં શિફટ કરવા, માધવરાય ક્રિકેટ સ્ટેડિયમનું નવીનીકરણ કરવા મુખ્ય માર્ગોને વ્હાઈટ ટીપીંગ ટેકનોલોજી વડે ટકાઉ બનાવવા, વોર્ડ ઓફીસનું નવીનીકરણ કરવા સ્માર્ટ સિટીની ચૂકવાતી ગ્રાન્ટની રકમ બમણી કરવા, નવા સ્મશાન બનાવવા, સોલાર રૂફટોપનો મહતમ ઉપયોગ કરવા, નવા પાર્ટી પ્લોટ બનાવવા, વોંકળા પાકા કરવા, નવા મહિલા હોકર્સઝોન બનાવવા અને નવી લાયબ્રેરી બનાવવા જેવી અનેકવિધ યોજનાઓ મૂકવામાંઆવી હતી.
બજેટની અમલવારી કરવામાં નાણાંકીય વર્ષના પ્રથમ અઢી માસનો સમય લોકસભાની ચૂંટણીની લાંવી આચાર સંહિતામાં વેડફાય ગયો છે. હજી બજેટમાં મૂકવામાં આવેલી યોજનાનો અમલ કયારથી કરાશે તે નકકી કરી શકાતુ નથી ટીઆરપી ગેમ ઝોનમાં અગ્નિકાંડની ઘટના બાદ આખુ કોર્પોરેશન ફાયર સેફટીના ચેકિંગમાં જોતરાય ગયું હોવાના કારણે મૂળભૂત કામગીરી સાઈડલાઈન કરી દેવામાં આવી છે. આવતા સપ્તાહથી ફરી વિકાસ કામોનો ધમધમાટ શરૂ થાય તેવું લાગી રહ્યું છે.