દસાડા, મુળી, લીંબડી, જાફરાબાદ અને સાવરકુંડલામાં અડધો ઇંચ વરસાદ: મોસમનો કુલ ૯૫ ટકાથી વધુ વરસાદ

છેલ્લા ૨૪ કલાક દરમિયાન રાજયનાં ૧૮ જિલ્લાનાં ૪૬ તાલુકાઓમાં વરસાદ પડયો છે. આજે સવારથી સૌરાષ્ટ્રનાં જુનાગઢ ઉપરાંત રાજયનાં ૪ જિલ્લામાં સામાન્ય વરસાદ પડયો હોવાનું નોંધાયું છે. શુક્રવારે જુનાગઢનાં વિસાવદરમાં અઢી ઈંચ તો અમરેલીનાં રાજુલામાં બે ઈંચ જેટલો વરસાદ પડયો હતો. આજ સુધીમાં સૌરાષ્ટ્રમાં ચાલુ સાલ ચોમાસાની સીઝનનો કુલ ૮૨.૮૭ ટકા જેટલો વરસાદ પડયો હોવાનું નોંધાયું છે. આગામી ૫ દિવસ સુધી સાર્વત્રિક અને ભારે વરસાદ પડે તેવી એક પણ સિસ્ટમ હાલ સક્રિય નથી.

સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટરનાં જણાવ્યા અનુસાર છેલ્લા ૨૪ કલાક દરમિયાન ૪૬ તાલુકાઓમાં વરસાદ પડયો છે. જેમાં સૌથી વધુ વરસાદ જુનાગઢ જિલ્લાનાં વિસાવદરમાં ૫૮ મીમી એટલે કે અઢી ઈંચ જેટલો પડયો છે. આ ઉપરાંત અમરેલીનાં રાજુલામાં ૫૦ મીમી એટલે કે બે ઈંચ જેટલો વરસાદ પડયો હોવાનું નોંધાયું છે. આ ઉપરાંત સુરેન્દ્રનગરનાં દસાડા, મુળી, લીંબડી, અમરેલીનાં જાફરાબાદ અને સાવરકુંડલામાં અડધો ઈંચ જેટલો વરસાદ પડયો હોવાનું નોંધાયું છે. દેવભૂમિ દ્વારકા જિલ્લાનાં ખંભાળીયા, ભાવનગરનાં વલ્લભીપુર, અમરેલીનાં વડીયા, જામનગરનાં ધ્રોલ, ગીર-સોમનાથનાં ગીરગઢડા, ભાવનગરનાં તળાજા, ઉમરાડા, ચુડા, વિંછીયા, કેશોદ, ભાવનગર, મહુવા, પોરબંદર, માળીયા, મેંદરડા, લીલીયા અને વેરાવળમાં હળવા ઝાપટા પડયા હતા. આજે સવારે જુનાગઢનાં માળીયામાં ૩ મીમી જેટલો વરસાદ પડયો હોવાનું નોંધાયું છે. આજ સુધીમાં ચોમાસાની સીઝનનો ગુજરાતમાં કુલ ૯૫.૨૨ ટકા જેટલો વરસાદ વરસી ગયો છે. કચ્છમાં ૧૧૩.૪૭ ટકા, ઉતર ગુજરાતમાં ૭૬.૧૦ ટકા, પૂર્વ મધ્ય ગુજરાતમાં ૯૪.૨૨ ટકા, સૌરાષ્ટ્રમાં ૮૨.૨૭ ટકા અને દક્ષિણ ગુજરાતમાં ૧૦૭.૮૬ ટકા જેટલો વરસાદ પડયો છે. રાજયમાં સાર્વત્રિક અને ભારે વરસાદ આપે તેવી એક પણ સિસ્ટમ હાલ સક્રિય ન હોય રાજયમાં પાંચ દિવસ સુધી મેઘવિરામ જેવો માહોલ રહેશે. લોકલ ફોર્મેશનની અસરનાં કારણે છુટાછવાયા વિસ્તારોમાં સામાન્ય ઝાપટા પડે તેવી સંભાવના જણાઈ રહી છે. મેઘવિરામ જેવો માહોલ છતાં છલકાતા નદી-નાળાનાં કારણે ડેમમાં પાણીની આવક ચાલુ છે. ભાદર ડેમમાં નવું ૦.૧૬ ફુટ, આજીમાં ૦.૧૦ ફુટ, ન્યારી-૨માં ૦.૧૩ ફુટ, બ્રાહ્મણી-૨માં ૦.૪૯ ફુટ, વઢવાણ ભોગાવો-૨માં ૦.૪૦ ફુટ, લીંબડી ભોગાવો-૨માં ૦.૮૨ ફુટ, નીંભણીમાં ૧.૩૧ ફુટ પાણીની આવક થવા પામી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.