ભારત અને બાંગ્લાદેશના બોર્ડરના હવાઈ ક્ષેત્રમાં ઈંડિગોના બે વિમાન એટલા નજીક આવી ગયા હતા કે અથડાતા અથડાતા બચ્યા હતા. સંભવિત ટક્કરના 45 સેકન્ડ પહેલા કલકત્તામાં એર ટ્રાફિક કંટ્રોલર (ATC)એ એક વિમાનને ડાબી બાજુ બીજા વિમાનથી દૂર જવાની સૂચના આપી હતી. આ બંને વિમાન એક સરખી ઊંચાઈ પર ઊડી રહ્યા હતા.
કોલકાતા એરપોર્ટના એક સિનિયર અધિકારીએ જણાવ્યું, “લો કોસ્ટ એર કેરિયર ઈન્ડિગોની બે ફ્લાઈટ બુધવારે સાંજે એક જ ઊંચાઈ પર ઊડી રહી હતી અને બંને એકબીજા માટે ખતરો બની ગઈ હતી. એક વિમાન ચેન્નાઈથી ગુવાહાટી જઈ રહી હતી જ્યારે બીજી ગુવાહાટીથી કલકત્તા જઈ રહી હતી. વિમાન સાંજે પાંચ વાગીને દસ મિનિટે એકબીજાની ખૂબ જ નજીક આવી ગયા હતા.”
એ સમયે કલકત્તાની ફ્લાઈટ બાંગ્લાદેશ હવાઈ ક્ષેત્રમાં 36,000 ફીટની ઉંચાઈ પર હતી જ્યારે બીજુ વિમાન ભારતીય હવાઈ ક્ષેત્રમાં 35,000 ફીટની ઊંચાઈ પર હતુ. અધિકારીએ જણાવ્યું કે બાંગ્લાદેશ ATCએ કલકત્તાની ફ્લાઈટને 35,000 ફીટ સુધી આવવા કહ્યું હતું જ્યારે વીમાને આદેશનું પાલન કર્યું ત્યાં સુધીમાં બંને ફ્લાઈટ ખૂબ જ નજીક આવી ગયા હતા.
કલકત્તામાં ATCના એક અધિકારીએ આ જોયુ અને તરત જ ચેન્નાઈ ગુવાહાટીની ફ્લાઈટને ડાબી બાજુ ફરવાની અને ઉતરનારા વિમાનને રસ્તાથી દૂર જવાનો આદેશ આપ્યો જેને કારણે મોટી હોનારત ટળી ગઈ હતી. ઈન્ડિગોના પ્રવક્તાએ જણાવ્યું કે તેમની પાસે આવી કોઈ માહિતી નથી.