આરોપીએ ચોરાઉ મોબાઈલમાંથી ખંડણી માંગી હોવાનું બહાર આવ્યું, પોલીસે મોબાઈલ કબ્જે કર્યો
મોરબીમાં ઉદ્યોગપતિ પાસેથી રૂ.૧ કરોડની ખંડણી માંગવાના ચકચારી પ્રકરણમાં પોલીસે બે આરોપીઓને ઝડપી પાડ્યા હતા. બન્ને આરોપીઓને પોલીસે કોર્ટમાં રજૂ કરતા કોર્ટે ૭ દિવસના રિમાન્ડ મંજુર કર્યા છે.
મોરબીની સૂર્યકીર્તિ સોસાયટીમાં રહેતા અને વાંકાનેરના સરતાનપર રોડ પર સીરામીક ફેકટરી ધરાવતા પ્રવીણભાઈ વલ્લભાઈ બારૈયાને ગત તા.૨૦ના રોજ તેમની કારથી થોડે દુર બ્લાસ્ટ કરીને અજાણ્યા શખ્સોએ જાનથી મારી નાખવાની ધમકી આપી રૂ.૧ કરોડની ખંડણી માંગી હતી. આ ચકચારી બનાવમાં એસઓજીએ સીરામીક ઉદ્યોગપતિના પૂર્વ ભાગીદાર હિતેશભાઈ જસમતભાઈ ગામી અને ઘનશ્યામભાઈ કચરાભાઈ વરમોરાને ઝડપી લઈને ઉલટ તપાસ હાથ ધરી હતી.
આ અંગે પોલીસે જણાવ્યું હતું કે આરોપીઓ વિરૂદ્ધ પુરાવા એકત્ર કરવાની કાર્યવાહી થઈ રહી છે. જેમાં આરોપીઓએ જે મોબાઈલ ફોનનો ઉપયોગ કર્યો હતો તે ચોરાઉ હતો. તે મોબાઇલ કબ્જે કરાયો છે. પરંતુ તેમાંથી સીમકાર્ડ મળ્યું નથી. જ્યારે આરોપીઓની વધુ પૂછતાછ માટે આજે ૧૪ દિવસની રિમાન્ડની માંગ સાથે કોર્ટમાં રજૂ કર્યા હતા. કોર્ટે બન્ને આરોપીઓના ૭ દિવસના રિમાન્ડ મંજુર કર્યા છે.