નવા આઈટી નિયમોનો ઉલાળિયો કરી ઉડાઉડ કરતા ટ્વિટરના ‘કબુતર’ને જરૂર પડે તો સરકાર ‘પાંજરે’ પણ પૂરી શકે: દિલ્હી હાઈકોર્ટ
ફેસબુક, ટ્વિટર, યુટ્યુબ તેમજ વોટ્સએપ સહિતના સોશિયલ મીડીયાના માધ્યમથી ફેલાતા દુષણ અને ખોટા સમાચારોને રોકવા માટે કેન્દ્ર સરકાર દ્વારા તાજેતરમાં નવા નિયમો અમલી બનાવવામાં આવ્યા છે. આ નિયમોના અમલ મુદ્દે કેન્દ્ર સરકાર સાથે સોશિયલ મીડિયા કંપનીઓનું ઘર્ષણ યથાવત જ છે. જો કે ફેસબુક, ઈન્સ્ટાગ્રામ, કુ તેમજ ગૂગલ સરકારના ઘુંટણીયે પડ્યા છે પણ ટ્વિટરનું કબૂતર હજુ ઉડાઉડ જ છે. આ અંગે દિલ્હી હાઇકોર્ટમાં ચાલી રહેલી સુનાવણી દરમિયાન કોર્ટે ટ્વિટરનો ઉધડો લીધો છે. અને નિયમોનો ઉલાળીયો કરતી કંપનીઓને નાથવા કેન્દ્ર સરકારને છૂટ્ટોદોર આપ્યો છે.
દિલ્હી હાઈકોર્ટમાં ટ્વિટરએ સ્વીકાર્યુ કે તેણે નવા આઇટી નિયમોનું પાલન કર્યું નથી. આ અંગે હાઈકોર્ટે સ્પષ્ટ કર્યુ કે અમે ટ્વિટરને કોઈ સુરક્ષા નથી આપતાં. સરકાર ટ્વિટર વિરુદ્ધ કોઈપણ પગલા લેવા સ્વતંત્ર છે. જણાવી દઈએ કે અરજીકર્તા અમિત આચાર્યએ આઇટી નિયમો લાગુ કર્યા પછી પણ ફરિયાદ
અધિકારીની નિમણૂક ન કરવા બદલ ટ્વિટર વિરુદ્ધ દિલ્હી હાઇકોર્ટમાં ફરિયાદ નોંધાવી હતી. આ અરજી પર સુનાવણી દરમિયાન કોર્ટે કંપનીને ઠપકો આપ્યો છે. હાઈકોર્ટે કેન્દ્ર સરકારને પૂછ્યું- શું ટ્વિટર નિયમોનું પાલન નથી કરી રહ્યુ?” આ અંગે કેન્દ્રએ સ્પષ્ટતા કર્યા બાદ ટ્વિટરએ પણ સહમત થતાં કહ્યું કે,તે હક્કીક્ત છે કે આજ સુધી અમે નવા આઇટી નિયમોનું યોગ્ય રીતે પાલન નથી કર્યુ. પણ હવે પાલન કરીશું. જો કે હાઇ કોર્ટે લાલઘૂમ થઈ ટ્વિટરને કહ્યું કે તમે અદાલતને ખોટી માહિતી આપી છે. હવે જલ્દીથી ફરિયાદ નિવારણ અધિકારીના રાજીનામા પછી, તે જગ્યા પર અન્યની નિમણુંક કરવા હાઈકોર્ટે ટ્વીટરને આદેશ જારી કર્યો છે. અન્યથા સરકાર ઈચ્છે તે પગલાં ભરવા સ્વતંત્ર છે.