ટ્વિટરનું કબૂતર ફરી ફફડયું છે. આઇટીના નવા નિયમોના પાલનમાં ઉણાં ઉતરેલા ટ્વિટર સામે વધુ એક ફરિયાદ નોંધાઈ છે. હવે જાણે ભારતમાંથી ટ્વિટરના ઉચાળા પાક્કા થઈ ગયા જોય તેમ પંખી માટે ઉડવું મુશ્કેલ બનતું જાય છે. ટ્વિટર ઈન્ડિયાના એમડી મનીષ માહેશ્વરી નવી મુશ્કેલીમાં ફસાયા છે. મનીષ માંહેશ્વરી વિરુદ્ધ દિલ્હીમાં બીજો કેસ નોંધવામાં આવ્યો છે. ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડવાના આરોપસર ટ્વિટર ઈન્ડિયાના એમડી વિરુદ્ધ દિલ્હી પોલીસ સાયબર સેલમાં ફરિયાદ કરવામાં આવી છે.
નવા આઈટી નિયમોને લઈ જારી વિરોધ વચ્ચે વધી રહી છે ટ્વિટરની મુશ્કેલી, ધાર્મિક લાગણી દુભાવ્યાના આરોપસર એમડી મનીષ માહેશ્વરી વિરુદ્ધ સાયબર સેલમાં ગુનો દાખલ
નવા આઈટી નિયમોને લઈને ટ્વિટર અને સરકાર વચ્ચે કચવાટ જારી જ છે. પરંતુ આ દરમિયાન, ટ્વિટરની મુશ્કેલીઓ વધી રહી છે. એડવોકેટ આદિત્યસિંહે કરેલી ફરિયાદમાં જણાવાયું છે કે મનીષ માહેશ્વરીએ હિન્દૂ દેવી-દેવતાઓનું અપમાન કર્યુ છે. ટ્વિટર પર મા કાલીનો ફોટો પોસ્ટ થયો હતો જેને લઈ વિવાદ થયો.
જણાવી દઈએ કે અગાઉ ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદમાં વાયરલ થયેલા વીડિયો માટે ટ્વિટર ઇન્ડિયા અને તેના અધિકારીઓ વિરુદ્ધ એફઆઈઆર નોંધાઈ હતી. કર્ણાટક હાઈકોર્ટથી મનીષ માહેશ્વરીને વચગાળાની રાહત બાદ હવે આ મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો છે. આ ઉપરાંત ભારતના ખોટા નકશાને લગતા મામલે પણ ટ્વિટર વિરુદ્ધ કેસ ચાલી રહ્યો છે.