નવ વ્યક્તિને આપઘાત માટે પ્રેરી મોતને ઘાટ ઉતારનાર ટવીટર કિલરને ‘સજા એ મોત’
પ્રવર્તમાન સમયમાં અન્ય ગુનાઓની સાપેક્ષે સાયબર ક્રાઈમનો રેશીયો ખુબજ ઝડપે આગળ વધી રહ્યો છે. સોશિયલ મીડિયાના માધ્યમથી ગુનાખોરીનું પ્રમાણ ખુબ ઝડપે વધી રહ્યું છે. સિક્કાની બે બાજુની જેમ ફાયદા અને ગેરફાયદા તમામ બાબતો સાથે સંકળાયેલી છે ત્યારે લોકો ફાયદાની સાપેક્ષે ગેરલાભ વધુ લઈ રહ્યાં હોય તે સાયબર ક્રાઈમના આંકડા સ્પષ્ટ સંકેત આપી રહ્યાં છે. તેવી જ એક ઘટના ટોકીયો ખાતે પ્રકાશમાં આવી છે. જાપાનના પાટનગર ટોકીયો ખાતે મંગળવારે કોર્ટે ‘ટ્વીટર કિલર’ને ૯ વ્યક્તિઓને આપઘાત માટે પ્રેરણા તેમજ હત્યાના ગુનામાં ફાંસીની સજા ફટકારી છે.
મંગળવારે જાપાનની કોર્ટે સોશિયલ મીડિયામાં આપઘાત કરવા પ્રેરે તેવી પોસ્ટ અપલોડ કરવાના મામલામાં વર્ષ ૨૦૧૭માં ધરપકડ કરાયેલા વ્યક્તિને ફાંસીની સજા સંભળાવી છે. પ્રાપ્ત વિગત અનુસાર ટોકીયો ડિસ્ટ્રીકટ કોર્ટની તાચીકાવા શાખા દ્વારા તાકાહીરો શ્રીરાઈસી ઉર્ફે ટ્વીટર કિલર નામના શખ્સને ૯ વ્યક્તિઓને આપઘાત કરવા પ્રેરવાના ગુનામાં તેમજ તમામની હત્યાના ગુનામાં ફાંસીની સજા ફટકારી છે. ૩૦ વર્ષીય શ્રીરાઈસીએ કરેલા કૃત્ય અંગે અફસોસ વ્યકત કરતા ફાંસીની સજાને પડકારી ન હતી. ટોકીયો પોલીસે વર્ષ ૨૦૧૭માં શ્રીરાઈસીની ધરપકડ કરી તેના એપાર્ટમેન્ટમાં કોલ્ડ સ્ટોરેજમાં એક પુરુષ સહિત કુલ ૯ વ્યક્તિઓની લાશ કબજે કરી હતી. તપાસ દરમિયાન શ્રીરાઈસીએ કબુલ્યું હતું કે, તમામ ભોગ બનનારનો સંપર્ક તેણે ટ્વીટર મારફત કર્યો હતો. તમામને તેણે આપઘાત કરવા પ્રેર્યા જે દરમિયાન ટ્વીટર કિલરે મહિલા, સગીર સાથે દુષ્કર્મ આચરી મોતને ઘાટ ઉતારી દીધા હતા. ઉપરાંત એક યુવતીના મિત્રની પણ હત્યા નિપજાવી હતી. ટ્વીટર ઉપર શ્રીરાઈસીએ ‘હેંગમેન’ નામનું એકાઉન્ટ બનાવી આપઘાત કરવા તમામ ભોગ બનનારાને તેના એપાર્ટમેન્ટ ખાતે બોલાવ્યા હતા. મામલો કોર્ટમાં પહોંચતા આરોપી પક્ષના વકીલે દલીલ કરતા કહ્યું હતું કે, તમામ ભોગ બનનાર શખ્સોએ તેમની ઈચ્છાથી આપઘાત કર્યો છે. જ્યારે શ્રીરાઈસીએ કબુલ્યું હતું કે, ભોગ બનનારાને મંજૂરી વિના તેણે તમામને મોતને ઘાટ ઉતારી દીધા હતા. કોર્ટે ચુકાદો આપતા કહ્યું હતું કે, ભોગ બનનાર પૈકી કોઈપણ વ્યક્તિ આપઘાત કરવા સહમત ન હતો. તમામના મોત પાછળ શ્રીરાઈસી જવાબદાર છે જેથી અમે તેને ફાંસીની સજા ફટકારી રહ્યાં છીએ. કોર્ટે વધુમાં ઉમેર્યું હતું કે, દિન પ્રતિદિન જે રીતે સોશિયલ મીડિયાનો વ્યાપ વધી રહ્યો છે તેના કારણે લોકો વધુ માનસીક સ્થિતિ ગુમાવી રહ્યાં છે. સોશિયલ મીડિયા ઉપર લગામ લગાવવી હાલના તબક્કે ખુબ જરી લાગી રહ્યું છે.