મોરબી જિલ્લામાં તમામ અધિકારીઓના ટ્વીટર એકાઉન્ટ શરૂ કરાયા
નાગરિકો પોતાની રજુઆત, ફરિયાદ ટ્વીટર એકાઉન્ટમાં કરી શકશે
રાજ્ય સરકારની જુદી – જુદી યોજનાઓની માહિતી લોકો સુધી પહોંચી શકે તેમજ લોકો અધિકારીઓને સીધી રજુઆત કરી શકે તેવા ઉદેશ્ય સાથે જિલ્લા કલેકટર દ્વારા જિલ્લાના તમામ અધિકારીઓના ટ્વીટર એકાઉન્ટ શરૂ કરાયા છે.
મોરબી જિલ્લા કલેકટર આઈ.કે.પટેલના જણાવ્યા મુજબ સરકારી યોજનાઓ સીધી જરૂરિયાતમંદ લાભાર્થી સુધી પહોંચી શકે એ માટે રાજ્ય સરકાર દ્વારા નવતર પહેલ કરવામાં આવી છે અને સોશ્યલ મીડિયાનો સહારો લેવમાં આવ્યો છે, રાજ્ય સરકારે સરકારી યોજનાઓ જરૂરિયાતમંદ લોકો સુધી પહોંચી શકે તે માટે તમામ અધિકારીઓના ટ્વીટર એકાઉન્ટ શરૂ કરવા આદેશ આપ્યો હતો જે અંતર્ગત મોરબી જિલ્લા કલેકટર, અધિક કલેકટર, ડે.કલેકટર અને તમામ મામલતદારો સહિતના અધિકારીઓના ટ્વીટર એકાઉન્ટ કાર્યરત કરાયા છે.
વધુમાં લોકોને અધિકારીઓના ટ્વીટર એકાઉન્ટની માહિતી મળી રહે તે માટે કલેકટર કચેરીના નોટિસ બોર્ડ ઉપર તમામ અધિકારીઓના એકાઉન્ટ અંગે માહિતી મુકવામાં આવી છે જેના પર લોકો પોતાની રજૂઆતો ફરિયાદો પણ મોકલી શકશે.