યુવતીના અવાજમાં પજવણી કરવા અને પુત્રીની સગાઈ કરવા મામલે માથાકૂટ: સામ-સામે 18 શખ્સો સામે નોંધાતો ગુનો
લીંબડી તાલુકાના રળોલ ગામે યુવતીનું નામ લઈ ફોન કરીને પજવણી કરવા અને યુવતીની સગાઈ અન્ય યુવક સાથે કરવા બાબતે બે પરિવારો વચ્ચે મારામારી થઈ હતી. જેમાં બન્ને જૂથના 12 લોકોને ઈજા પહોંચી હતી. બન્ને જૂથના લોકોએ પાણશીણા પોલીસ મથકે 18 શખસો સામે ફરિયાદ નોંધાવી છે.
લીંબડી તાલુકાના રળોલ ગામે ભુપત રમણભાઈ ભુવાત્રાએ પાણશીણા ફરિયાદ નોંધાવી હતી કે તેમના ગામના જાલા મકવાણાની પુત્રી તેજલબેનનું નામ લઈ ફોન કરતો હોવાની શંકા રાખીને જીગર અમરત સાપરા, જાલા બચુ મકવાણા, અમરત બચુભાઈ મકવાણા, ચીકા બચુ મકવાણા, સખુબેન જાલા મકવાણા અને પ્રતાપ જાલા મકવાણાએ તેમની અને તેમના સગા સંબંધીઓને મુંઢ માર મારી પથ્થર, લાકડી વડે હુમલો કર્યો હતો.
પાણશીણાના જાલાભાઈ બચુભાઈ મકવાણાએ ફરિયાદમાં લખાવ્યું હતું કે તેમની પુત્રી તેજલની સગાઈ ભુપત ભુવાત્રા સાથે કરવાની અમે મનાઈ ફરમાવી હતી. જે વાતનું મનદુ:ખ રાખીને ભુપત રમણ ભુવાત્રા, સતા ટપુ ભુવાત્રા, રમણ મથુર ભુવાત્રા, વિક્રમ સતા ભુવાત્રા, ચંદુ મથુર ભુવાત્રા, ચીકા મથુર ભુવાત્રા, બચુ મથુર ભુવાત્રા, મહીપત ચંદુ ભુવાત્રા, માવજી અમડુ ભુવાત્રા, હેમુ ટપુ ભુવાત્રા, અરવિંદ કાના ભુવાત્રા અને હરજી કાના ભુવાત્રાએ તેમને ઉપર હુમલો કર્યો હતો.