શહેરમાં ૪ કલાકમાં સાંબેલાધારે ૬ ઈંચ વરસાદ વરસ્યા બાદ મેઘરાજાએ સવાર સુધી ધીમીધારે હેત વરસાવ્યું: અનેક સ્થળોએ ગોઠણડુબ પાણી ભરાયા: મહિલા કોલેજ અંન્ડરબ્રીજ, રેલનગર બ્રીજ, પોપટપરા અને લક્ષ્મીનગરનું નાલા પાણીથી ભરાઈ ગયા: નિચાણવાળા વિસ્તારોને એલર્ટ કરાયા: સવારે પાણી ઓસરતા તંત્રએ લીધો રાહતનો શ્વાસ
આ વર્ષે ચોમાસાની સીઝનમાં રાજકોટ પર મેઘરાજા જોઈએ તેવું હેત વરસાવતા નથી તેવું રાજકોટવાસીઓનું મહેણુ ગઈકાલે રાત્રે વણદેવે ભાંગી નાખ્યું છે. શહેરમાં સોમવારે રાત્રે ૪ કલાકમાં સાંબેલાધારે ૬ ઈંચ જેટલો વરસાદ વરસી જતા સર્વત્ર પાણી-પાણી થઈ ગયું હતું.
ભારે વરસાદના કારણે નિચાણવાળા વિસ્તારોમાં ગોઠણડુબ પાણી ભરાતા લોકોને એલર્ટ કરવામાં આવ્યા છે. ૪ કલાક સુધી અનરાધાર હેત વરસાવ્યા બાદ મેઘરાજાએ આખીરાત ધીમીધારે સતત વરસવાનું ચાલુ રાખ્યું હતું. શહેરમાં સાડા સાત ઈંચ જેટલો વરસાદ પડયો હોવાનું નોંધાયું છે. પ્રથમ વખત નોંધપાત્ર વરસાદથી શહેરીજનોમાં ભારે ખુશાલી વ્યાપી જવા પામી છે.આજે સવારે સર્વત્ર વરસાદી પાણી ઓસરી જતા મહાપાલિકા તંત્રએ રાહતનો શ્ર્વાસ લીધો છે. રાજકોટ ઉપરાંત આસપાસના વિસ્તારોમાં પણ વરસાદના કારણે જળાશયોમાં માતબર નવા નીરની આવક થવા પામી હતી.
સોમવારે સવારથી રાજકોટના આકાશમાં કાળા ડિબાંગ વાદળોનો જમાવડો જોવા મળતો હતો. દિવસભર મેઘરાજાએ હળવા ઝાપટા સ્વપે હેત વરસાવવાનું શરૂ કર્યું હતું. રાત્રે ૯:૪૫ કલાકે શહેરમાં વરસાદનું જોર વધ્યું હતું. જોતજોતામાં શહેરમાં સાંબેલાધારે વરસાદ વરસવાનું શ થઈ જતા સર્વત્ર પાણી..પાણી થઈ ગયું હતું.યાજ્ઞિક રોડ, ૧૫૦ ફુટ રીંગ રોડ, ગોંડલ રોડ, કાલાવડ રોડ, યુનિવર્સિટી રોડ, મવડી વિસ્તાર, નાનામવા રોડ સહિતના વિસ્તારોમાં બે-બે ફુટ વરસાદી પાણી ભરાતા લોકોએ ભારે હાલાકીનો સામનો કરવો પડયો હતો. માત્ર સાડા સાત ઈંચ વરસાદે મહાપાલિકા તંત્રની કહેવાતી પ્રિ-મોનસુન કામગીરીની પોલ ખોલી નાખી હતી.
અનરાધાર વરસાદના કારણે શહેરમાં અનેક સ્થળોએ પાણી ભરાયાની ફરિયાદો નોંધાતા મેયર બીનાબેન આચાર્ય અને મ્યુનિ.કમિશનર બંછાનિધી પાની સહિતના મહાપાલિકાના પદાધિકારીઓ અને અધિકારીઓનો કાફલો કંટ્રોલમ ખાતે દોડી ગયો હતો. મહિલા કોલેજ અંડરબ્રીજ, રેલનગર અંડરબ્રીજ, પોપટપરાનું નાલુ અને લક્ષ્મીનગરના નાલામાં વરસાદી પાણી ભરાવાના કારણે આ ચારેય સ્થળે વાહન વ્યવહાર બંધ કરી દેવામાં આવ્યો હતો.
શહેરમાં અચાનક પડેલા અનરાધાર વરસાદના કારણે અનેક લોકો ફસાઈ ગયા હતા. જોકે રાત્રે ૧૦:૩૦ કલાક આસપાસ મેઘાનું જોર થોડુ ઘટતા રાજમાર્ગો પર લોકોનો મોટો સમુહ જોવા મળ્યો હતો. રાજકોટમાં ૪ કલાકમાં અનરાધાર ૬ ઈંચ જેટલો વરસાદ વરસી ગયો હતો.
મહાપાલિકાના ફાયર બ્રિગેડના ચોપડે છેલ્લા ૨૪ કલાક દરમિયાન શહેરના સેન્ટ્રલ ઝોન વિસ્તારમાં ૧૬૪ મીમી (મોસમનો કુલ ૩૧૫ મીમી), ઈસ્ટ ઝોન વિસ્તારમાં ૧૪૧॥ મીમી (મોસમનો કુલ ૨૫૭॥ મીમી) અને વેસ્ટ ઝોન વિસ્તારમાં ૧૭૬ મીમી (મોસમનો કુલ ૩૪૫ મીમી) વરસાદ પડયો હોવાનું નોંધાયું છે. જયારે હવામાન વિભાગના ચોપડે રાજકોટમાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન ૧૮૭ મીમી વરસાદ પડયો હોવાનું નોંધાયું છે.
ગઈકાલે રાત્રે શહેરમાં અચાનક ખાબકેલા મેઘરાજાએ જળબંબાકાર જેવી સ્થિતિ સર્જી દીધી હતી. ૧૫૦ ફુટ રીંગ રોડ પર બીઆરટીએસ ટ્રેકની બંને બાજુ આવેલા વિસ્તારોમાં બે-બે ફુટ પાણી ભરાઈ ગયા હતા. નિચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાવાના કારણે લોકોએ રાત ઉજાગરા કરી પોતાના ઘરમાંથી પાણી કાઢયા હતા.
ભારેથી અતિભારે વરસાદની આગાહી આપવામાં આવી હોય હેઠવાસ વિસ્તારમાં વસવાટ કરતા લોકોને નદીના પટમાં ન જવા માટે સુચના આપી દેવામાં આવી હતી. મહાપાલિકાની ફાયર બ્રિગેડ શાખાના સ્ટાફને સ્ટેન્ડ ટુ રહેવાના આદેશ આપી દેવામાં આવ્યા છે. ભારે વરસાદના કારણે શહેરમાં કોઈ ખાનાખરાબી ન સર્જાય તે માટે કોર્પોરેશન તંત્ર રાતભર સતત દોડતું રહ્યું હતું. જોકે મધરાત્રે મેઘરાજાએ વિરામ લેતા સવાર પડતા શહેરના મોટાભાગના વિસ્તારોમાં વરસાદી પાણી ઓસરી જતા લોકો અને તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો. સવારથી શહેરમાં ધીમીધારે મેઘરાજા હેત વરસાવી રહ્યા છે.
૧૩ સ્થળોએ વરસાદના પાણી ભરાયાની ફરિયાદ: નંદનપાર્કમાં વૃક્ષ ધરાશાયી
રાજકોટમાં સોમવારે રાત્રે વરસેલા અનરાધાર સાડા સાત ઈંચ વરસાદમાં મહાપાલિકા તંત્રની પોલ ખુલ્લી જવા પામી છે. ભારે વરસાદના કારણે શહેરના મોટાભાગના વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. વાહન ચાલકોએ ભારે હાલાકીનો સામનો કરવો પડયો હતો. ન્યુ રાજકોટમાં સ્થિતિ વધુ ચિંતાજનક હતી.
૧૫૦ ફુટ રીંગ રોડ પર બીઆરટીએસ ટ્રેકની બંને બાજુ બે-બે ફુટ પાણી ભરાઈ જતા લોકોમાં ભારે ચિંતા વ્યાપી જવા પામી હતી. જયુબેલી ગાર્ડન સ્થિત મહાપાલિકાના ફલ્ડ કંટ્રોલમ ખાતે ગઈકાલે શહેરમાં ૧૩ સ્થળોએ વરસાદના પાણી ભરાયા હોવાની અને એક જગ્યાએ વૃક્ષ ધરાશાય થયું હોવાની ફરિયાદ નોંધાઈ છે.
ભારે વરસાદના કારણે ગઈકાલે રાત્રે શહેરના વોર્ડ નં.૧૨માં ભવાનીનગર, વોર્ડ નં.૯માં માધવ પાર્ક, વોર્ડ નં.૩માં હંસરાજનગર મેઈન રોડ, વોર્ડ નં.૧૦માં આફ્રિકા કોલોની, વોર્ડ નં.૨માં જામનગર રોડ પર ગાયત્રીધામ, વોર્ડ નં.૮માં ગીરીરાજ સોસાયટી, વોર્ડ નં.૧માં રૈયાધાર વિસ્તારમાં સદભાવના વૃદ્ધાશ્રમ પાસે, વોર્ડ નં.૬માં અંબિકા સોસાયટી શેરી નં.૩માં વરસાદી પાણી ભરાયું હતું. જયારે વોર્ડ નં.૯માં નંદનપાર્ક શેરી નં.૧માં ઝાડ પડી ગયું હોવાની ફરિયાદ નોંધાઈ છે.
શહેરમાં ભારે વરસાદના કારણે કોઈ ખાનાખરાબી ન સર્જાય તે માટે મહાપાલિકાના તમામ આઠેય ફાયર સ્ટેશન ખાતે ફાયર બ્રિગેડના સ્ટાફને સ્ટેન્ડ ટુ રહેવા આદેશ આપી દેવામાં આવ્યો હતો.
વહેલી સવારે મ્યુનિ.કમિશનર ફરી નિકળ્યા ફેરણીમાંશહેરમાં સોમવારે રાત્રે પડેલા અનરાધાર વરસાદના કારણે અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાવાની ફરિયાદો ઉઠતા મેયર બીનાબેન આચાર્ય અને મ્યુનિ.કમિશનર બંછાનિધી પાની રાત્રે સ્થિતિનું નિરીક્ષણ કરવા માટે ફિલ્ડમાં નિકળ્યા હતા.
મધરાત્રે મેઘરાજાએ વિરામ લેતા શહેરમાં વરસાદી પાણી ઓસરવા માંડયા હતા છતાં આજે વહેલી સવારે મ્યુનિ.કમિશનર બંછાનિધી પાની શહેરના અલગ-અલગ વિસ્તારોમાં ફેરણીમાં નિકળી ગયા હતા.તેઓએ મહિલા કોલેજ અંડરબ્રીજ, રેલનગર અંડરબ્રીજ, પોપટપરાનું નાલુ, લક્ષ્મીનગરનું નાલુ સહિતના વિસ્તારોનું નિરીક્ષણ કર્યું હતું.