કાલાવડ અને લાલપુરમાં ચાર ઇંચ વરસાદથી પાણી વહી નીકળ્યા
ભારેથી અતિ ભારે વરસાદની આગાહી વચ્ચે જામનગરમાં પણ મેઘરાજા ઓળધોળ થયા છે. જેના પગલે જામનગર જિલ્લાના વિવિધ તાલુકાઓમાં ૧ થી ૫ ઈંચ વરસાદ થયો છે. ભારે વરસાદના કારણે મોટાભાગની નદીઓ અને ડેમોમાં પાણીની આવક પુરજોશમાં વધી રહી છે. કાલે સવારથી સતત વરસાદ વરસી રહ્યો હોવાથી બજારોમાં પણ શાંતિનો માહોલ છે. જામનગર જિલ્લાના ધ્રોલમાં ૨૪ કલાકની અંદર ૮૩ મીમી વરસાદ નોંધાયો છે. ધ્રોલમાં છેલ્લા ૩ કલાકથી અવિરત વરસાદને પગલે કલેકટર અને એનડીઆરએફની ટીમ ખડેપગે છે. ધ્રોલના નંદનનગર, વૃંદાવન સોસાયટી, તુલસી અને શિવમ સોસાયટીમાં પાણી ભરાયા હતા.
આ ઉપરાંત જામજોધપુરમાં ૩૮ મીમી, જોડીયામાં બે કલાકમાં ૧૨૧ મીમી, કાલાવડમાં ૯૨ મીમી અને લાલપુરમાં ૯૦ મીમી વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત જામનગરમાં સૌથી વધુ ૧૨૪ મીમી એટલે કે ૫ ઈંચ વરસાદ છેલ્લા ૨૪ કલાકની અંદર પડતા રસ્તાઓ ઉપર પાણી વહી નીકળ્યા છે. આ ઉપરાંત તાલુકાના ગામોમાં પણ પાણી ભરાયા છે. વરસાદને પગલે જનજીવનને અસર પડી છે. શાળા-કોલેજોમાં પણ વિદ્યાર્થીઓની નહીંવત સંખ્યા રહી છે. હજુ આગામી ૨ દિવસ સુધી ભારેથી અતિ ભારે વરસાદની આગાહીને પગલે તંત્રને એલર્ટ કરી દેવામાં આવ્યું છે. આ ઉપરાંત અધિકારીઓને હેડ કવાર્ટર ન છોડવા આદેશો કરી દેવામાં આવ્યા છે.
દેવભૂમિ દ્વારકામાં પણ અર્ધાથી ચાર ઈંચ વરસાદ નોંધાયો છે. જેમાં ભાણવડમાં ૪૩ મીમી, કલ્યાણપુરમાં ૫૦ મીમી આ ઉપરાંત ખંભાળિયામાં ૯૫ મીમી વરસાદ નોંધાયો છે. ભારે વરસાદ વચ્ચે તંત્ર દ્વારા ચાંપતી નજર રાખવામાં આવી છે અને તમામ જાતની પરિસ્થિતિને પહોંચી વળવા માટે તૈયારી રખાઈ છે.
હજુ આગામી કલાકોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી હોવાથી વધુ વરસાદ ખાબકી શકે છે. આગાહીને પગલે જિલ્લાનું તંત્ર ખડે પગે છે. આ ઉપરાંત વરસાદની પરિસ્થિીત ઉપર પણ પૂરતી નજર રાખવામાં આવી છે. તેમાં પણ જામનગર તાલુકાના કાલાવડ, લાલપુર, જોડીયા સહિતના વિસ્તારોમાં મેઘરાજા મનમુકીને વરસી રહ્યા હોવાથી જળાશયોમાં નવા પાણીની આવકમાં વધારો થયો છે તો બીજીતરફ ભારે વરસાદના કારણે લોકોમાં ચિંતાનો માહોલ પણ છવાયો છે.