વેરાવળમાં ૬ ઇંચ, તાલાલામાં ૪ ઇંચ, કોડિનારમાં સાડા ત્રણ ઇંચ, ગીર ગઢડામાં ૩ ઇંચ અને ઉનામાં ૧ ઇંચ વરસાદ: આજે પણ જિલ્લામાં ભારે વરસાદની આગાહી

 

અબતક, રાજકોટ

બંગાળની ખાડીમાં સર્જાયેલાં લો-પ્રેશરના કારણે બુધવારે રાજ્યભરમાં સાર્વત્રિક મેઘમહેર જોવા મળી હતી. સૌથી વધુ વહાલ વરૂ ણદેવએ ગીર સોમનાથ જિલ્લા પર વરસાવ્યું હતું. સુત્રાપાડામાં સુપડાધારે ૧૦ ઇંચ જેટલો વરસાદ વરસી જતાં સ્થળ ત્યાં જળ જેવો માહોલ સર્જાય જવા પામ્યો હતો. સમગ્ર જિલ્લાની મોટાભાગની નદીઓમાં ઘોડાપુર આવ્યા હતાં. ડેમોમાં પણ પાણીની માતબર આવક થવા પામી છે. ગીરની પ્રકૃતિ સોળે કળાએ જાણે ખીલી ઉઠી હોય તેવો આહલાદક નજારો જોવા મળી રહ્યો છે. આજે પણ ગીર સોમનાથ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી આપવામાં આવી છે.

આજે સવારે પૂરા થતાં છેલ્લા ૨૪ કલાક દરમ્યાન ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડામાં સૌથી વધુ ૨૪૭ મીમી વરસાદ વરસ્યો છે. આ ઉપરાંત વેરાવળમાં ૧૫૪ મીમી, તાલાલામાં ૧૦૦ મીમી, કોડિનારમાં ૮૬ મીમી, ગીરગઢડામાં ૭૧ મીમી અને ઉનામાં ૨૫ મીમી વરસાદ પડ્યો છે. સિઝનનો કુલ ૬૦.૯૨ ટકા વરસાદ વરસી ગયો છે. આજે પણ ભારે વરસાદની આગાહી વચ્ચે ગીર સોમનાથ જિલ્લાના કેટલાક વિસ્તારોમાં સવારથી વરસાદ પડી રહ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.