પૂર્વમાં મહેશ રાજપૂત, અશોક ડાંગર, ભાનુબેન સોરાણી અને દિનેશ મકવાણા, પશ્ર્ચિમ બેઠકમાં અતુલ રાજાણી અને મનસુખ કાલરીયા, દક્ષિણ બેઠક માટે ડો.હેમાંગ વસાવડા અને હિતેશ વોરા જ્યારે રાજકોટ ગ્રામ્યમાં ગોવિંદભાઇ અઘેરા, સુરેશ બથવાર અને નરેશ સાગઠીયાની દાવેદારી: ગોપાલ અનડકટે પશ્ર્ચિમ અને દક્ષિણ બંને બેઠકો પરથી ચૂંટણી લડવા ઇચ્છા વ્યક્ત કરી
ગુજરાત વિધાનસભાની ચૂંટણીને આડે બે મહિનાથી પણ ઓછો સમયગાળો બાકી રહ્યો છે ત્યારે સત્તાધારી પક્ષ ભાજપને બરાબર ટક્કર આપવા કોંગ્રેસ સંપૂર્ણપણે ઇલેક્શન મોડમાં આવી ગયું છે. કોંગ્રેસના પ્રતિક પરથી વિધાનસભાની ચૂંટણી લડવા ઇચ્છુક દાવેદારોના હાલ બાયોડેટા લેવામાં આવી રહ્યા છે.
જેનો આજે અંતિમ દિવસ છે. દરમિયાન રાજકોટની ચાર વિધાનસભા બેઠકો પરથી પંજાના પ્રતિક પર ચૂંટણી લડવા એક ડઝનથી પણ વધુ દાવેદારોએ દાવેદારી નોંધાવી હોવાનું જાણવા મળી રહ્યું છે. આ અંગે શહેર કોંગ્રેસના સૂત્રો પાસેથી પ્રાપ્ત થતી વધુ વિગત મુજબ ગત શનિવારથી વિધાનસભાની ચૂંટણી લડવા ઇચ્છુક આગેવાનોના બાયોડેટા લેવાનું શરૂ કરવામાં આવ્યું છે. જેમાં આજે બપોર સુધીમાં શહેરની ચાર બેઠકો પરથી ચૂંટણી લડવા માટે કોંગ્રેસના 12 આગેવાનોએ દાવેદારી નોંધાવી છે.
રાજકોટ પૂર્વ વિધાનસભા બેઠક પરથી ચૂંટણી લડવા માટે પ્રદેશના આગેવાન મહેશભાઇ રાજપૂત, અશોકભાઇ ડાંગર ઉપરાંત કોર્પોરેશનના વિરોધ પક્ષના નેતા ભાનુબેન સોરાણી અને દિનેશભાઇ મકવાણાએ રસ દાખવ્યો છે. જ્યારે રાજકોટ પશ્ર્ચિમ વિધાનસભા બેઠક પરથી ચૂંટણી લડવા માટે પૂર્વ વિપક્ષી નેતા અતુલભાઇ રાજાણી ઉપરાંત ગોપાલભાઇ અનડકટ, મનસુખભાઇ કાલરીયાએ દાવેદારી કરી છે. દક્ષિણ વિધાનસભા બેઠક પરથી કોંગ્રેસના પ્રતિક પર ચૂંટણી જંગમાં ઝંપલાવવા માટે પ્રદેશ હોદેદાર ડો.હેમાંગ વસાવડા ઉપરાંત જિલ્લા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ હિતેશભાઇ વોરા અને ગોપાલભાઇ અનડકટે પોતાની દાવેદારી રજૂ કરી છે.
જ્યારે રાજકોટ ગ્રામ્ય વિધાનસભા માટે પૂર્વ કોર્પોરેટર ગોવિંદભાઇ અઘેરા ઉપરાંત સુરેશભાઇ બથવાર અને નરેશભાઇ સાગઠીયાએ ઇચ્છા વ્યક્ત કરી છે. આજે સાંજ સુધી દાવેદારી કરવા માટે કાર્યકરો અને આગેવાનોના બાયોડેટા સ્વિકારવામાં આવશે. હાલ ચાર બેઠકો માટે કુલ 12 દાવેદારો છે. જે સંખ્યા વધે તેવી સંભાવના પણ જણાઇ રહી છે. શહેર કોંગ્રેસ પ્રમુખના હોદ્ાના રૂએ પ્રદિપભાઇ ત્રિવેદીએ દાવેદારી કરવાની રહેતી નથી. તેઓને પણ રાજકોટ પશ્ર્ચિમ બેઠકના કોંગ્રેસના દાવેદાર માનવામાં આવી રહ્યાં છે.