રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરની મોટાભાગની સ્કૂલો ગુરૂવારથી ખુલશે: આજે શાળાઓમાં બાળકોની પાંખી હાજરી જોવા મળી
આગામી દિવસોમાં દ્વિતિય કસોટીનો પ્રારંભ થવાનો છે ત્યારે સ્કૂલોએ ઓનલાઈન પરીક્ષાની લેવાની તૈયારીઓ દર્શાવી
રાજ્યમાં એક મહિના પછી ધો.1થી 9ની શાળાઓ આજથી ફરી ઓફલાઈન શિક્ષણનો પ્રારંભ થયો છે. સરકરા દ્વારા ઓફલાઈન અને ઓનલાઈન એમ બંને રીતે શિક્ષણ ચાલુ રાખવાની જાહેરાત કરવામાં આવી છે. જેના પગલે સ્કૂલો દ્વારા રવિવારે જ વાલીઓને સંમતિ મોકલી આપવા માટે મેસેજ કરવામાં આવ્યા હતા. જોકે હાલમાં પણ કોરોના કેસો ખૂબ જ મોટી સંખ્યામાં આવી રહ્યા હોવાથી વાલીઓ દ્વારા ઓનલાઈન શિક્ષણ પર જ પસંદગી ઉતારવામાં આવી રહી હોવાનું જાણવા મલે છે. ઉપરાંત આગામી દિવોસમાં પરીક્ષાઓ પણ આવી રહી હોવાથી સ્કૂલો પરીક્ષા ઓનલાઈન જ લેવાનું આયોજન કરી રહી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર રાજ્યમાં કોરોના કેસો વધવાની શરુઆત થતાં સરકાર દ્વારા ધો. 1થી 9ની શાળાઓમાં ઓફલાઈન શિક્ષણ બંધ રાખવાની જાહેરાત કરવામાં આવી હતી. જેમાં સૌપ્રથમ સરકાર દ્વારા 31 જાન્યુઆરી સુધી સ્કૂલોમાં ઓફલાઈન શિક્ષણ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. ત્યારબાદ સરકારે મુદ્દત વધારીને 5 ફેબ્રુઆરી સુધી શાળાઓમાં ઓફલાઈન શિક્ષણ બંધ રાખવાની જાહેરાત કરી હતી. જોકે હવે જ્યારે કોરોના કેસોમાં ઘટાડાની શરુઆત થઈ છે ત્યારે સરકારે 7 ફેબ્રુઆરીથી સ્કૂલોમાં ઓફલાઈન શિક્ષણ ચાલુ કરવાની મંજુરી આપી છે. આમ સ્કૂલો એક માસ પછી ફરી આજથી ઓફલાઈન શિક્ષણ માટે ખુલી હતી.
હજુ પણ ઘણા વાલીઓ પોતાના બાળકોને લઈને કોરોનાના ડરથી બહાર આવ્યા ન હોવાથી ઘણા બધા વાલીઓએ પ્રાથમિ વિભાગ માટે ઓનલાઈન શિક્ષણ પર જ પસંદગી ઉતારી હોવાનું જાણવા મળે છે. જ્યારે ધો. 9માં ઘણા વાલીઓએ ઓફલાઈન શિક્ષણ પસંદ કરી બાળકોને સ્કૂલે મોકલવાનું નક્કી કર્યું છે.
રાજ્યમાં આગામી દિવસોમાં દ્વિતિય કસોટીનો પ્રારંભ થવાનો છે ત્યારે સ્કૂલોએ અગાઉ ઓનલાઈન પરીક્ષાની તૈયારીઓ કરી હતી. જોકે સ્કૂલોમાં ઓફલાઇન શિક્ષણને મંજૂરી બાદ વિદ્યાર્થીઓ હજુ પણ ઓનલાઈન શિક્ષણ લેવા માંગતા હોવાથી સ્કૂલો દ્વારા પણ આગામી પરીક્ષા ઓનલાઈન જ લેવાનું નક્કી કર્યું હોવાનું જાણવા મળે છે. જેથી પરીક્ષા પૂર્ણ થયા બાદ કોરોનાના કેસોમાં વધુ ઘટાડો થયા બાદ વાલીઓ બાળકોને સ્કૂલે મોકલવા માટે તૈયાર થશે તેમ હાલના તબક્કે લાગી રહ્યું છે.
લર્નીંગ લોસમાંથી બાળકોને કેમ બહાર કાઢવા તેના ઘનિષ્ઠ પ્રયત્નો કરાશે: ડી.વી.મહેતા
રાજકોટ સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના પ્રમુખ ડી.વી.મહેતાએ ‘અબતક’ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે ફરી આજથી સ્કૂલો શરૂ થઇ છે ત્યારે આજે પ્રથમ દિવસે વિદ્યાર્થીઓની પાંખી હાજરી જોવા મળી હતી. જો કે, એક અઠવાડીયા બાદ 100 ટકા હાજરી સાથે ફરી સ્કૂલો વિદ્યાર્થીઓના કલરવ સાથે ગુંજતી થઇ જશે. હવે વાલીઓ અને બાળકો પણ ઇચ્છી રહ્યા છે કે ઓફલાઇન એજ્યુકેશન શરૂ રહે તેમજ ઓફલાઇન એજ્યુકેશનથી જ બાળકોની કારકિર્દી ઉજ્જવળ બનશે.
આ ઉપરાંત વધુમાં તેઓએ જણાવ્યું હતું કે રાજકોટ સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ દ્વારા અત્યાર સુધી વિદ્યાર્થીઓને જે લર્નીંગ લોસ થયો છે તેમાંથી કંઇ રીતે બહાર કાઢવા તેના ઘંનિષ્ઠ પ્રયત્નો આગામી દિવસોમાં કરવામાં આવશે અને વિદ્યાર્થીઓની દ્વિતીય કસોટીઓ પણ ઓફલાઇન જ લેવામાં આવશે.