પ્રધાનમંત્રી ઈ-વિદ્યા યોજના હેઠળ ૧૨ ટીવી ચેનલો શરૂ કરીને સરકાર વિદ્યાર્થીઓ માટે શિક્ષણને સુલભ બનાવશે
વિશ્વભરમાં હાહાકાર મચાવનારા કોરોના વાયરસનો કહેર દેશમાં ન ફેલાય તે માટે કેન્દ્ર સરકાર દ્વારા દેશવ્યાપી લોકડાઉનનો નિર્ણય કર્યો હતો. લોકડાઉનમાં કોરોનાનું સંક્રમણ વધુ થઈ શકે તેવી તમામ પ્રકારની પ્રવૃત્તિઓને સજજડ બંધ કરી દેવામાં આવી હતી.
જેને લઈને દેશભરમાં તમામ પ્રકારની શૈક્ષણીક પ્રવૃત્તિઓ પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો હતો. આ પ્રતિબંધ દરમ્યાન વિદ્યાર્થીઓને અધુરા રહી ગયેલા અભ્યાસક્રમ અંગે માર્ગદર્શન આપવા સરકારે ટીવી ચેનલો દ્વારા જ્ઞાન અપાવ્યું હતુ જયારે અનેક પરિક્ષાઓને ટેકનોલોજીનો ઉપયોગ કરીને ઓનલાઈન કરી દેવામાં આવી હતી. ભવિષ્યમાં આવી પરિસ્થિતિ ઉભી થાય તો વિદ્યાર્થીઓને ઘર બેઠા તેના અભ્યાસક્રમ અંગે માર્ગદર્શન આપી શકાય તે માટે કેન્દ્ર સરકારે પી.એમ.ઈ. વિદ્યા યોજના હેઠળ ૧૨ ટીવી ચેનલો શરૂકરવાનો નિર્ણય કર્યો છે.
લોકડાઉનના કારણે દેશને થયેલા વિવિધ રીતે થયેલા નુકશાનની ભરપાઈ કરવા કેન્દ્ર સરકાર દ્વારા તાજેતરમાં રૂા.૨૦ લાખ કરોડ રૂા.નું રાહત પેકેજ જાહેર કરાયું હતુ. જેમાં ધો.૧ થી ૧૨ના વિદ્યાર્થીઓને ઓનલાઈન શિક્ષણ આપવા પ્રધાનમંત્રી ઈ-વિદ્યા યોજનાની જાહેરાત કરવામાં આવી છે. આ યોજનામાં વન કલાસ વન ચેનલ મુજબ ૧૨ નવી ટીવી ચેનલો શરૂ કરવાનો નિર્ણય કરાયો છે. કેન્દ્રીય માનવ સંશાધન મંત્રી રમેશ ખોખરીયાએ નિશાંકે આ નિર્ણયને આવકારતા ગઈકાલે ટવીટ કરીને જણાવ્યું હતુકે વિદ્યાર્થીઓ તેના માતા પિતા અને શિક્ષકો વતી હું વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને નાણામંત્રી નિર્મલા સીતારમણનો આભાર માનું છું કે જેમને ઈ-લર્નીંગ પ્લેટફોર્મ દ્વારા પ્રધાનમંત્રી ઈ-વિદ્યા યોજના શરૂ કરવાની જાહેરાત કરી છે.
નિશાંકે વધુમાં ઉમેર્યું હતુ કે રેડીયો, કોમ્યુનીટી રેડિયો અને સીબીએસઈ બ્રોડકાસ્ટ શિક્ષા વાણીએ શિક્ષણની સરળતાનો વ્યાપ વધાર્યો છે. હવે ટીવી ચેનલો દ્વારા વિદ્યાર્થીઓને અભ્યાસક્રમનું માર્ગદર્શન મળશે. જેનો લાભ છેવાડાનાં ગ્રામ્ય વિસ્તારનાં વિદ્યાર્થીઓ મેળવી શકશે. ઉપરાંત, દ્રષ્ટિ કે શ્રવણ હીન વિદ્યાર્થીઓ માટે સ્પેશ્યલ ઈ-ક્ધટેન શરૂ કરવામાં આવશે. જયારે મુકબધીર વિદ્યાર્થીઓ માટે સાઈન લેંગ્વેજમાં અભ્યાસક્રમ તૈયાર કરાશે આ વિશેષ અભ્યાસક્રમ એનઓઈઓએસની વેબસાઈટ અને યુ.ટયુબ પર મૂકવામાં આવશે. દેશના ૩૩ કરોડ વિદ્યાર્થીઓ માટે ડીજીટલ, ઓનલાઈન, ઓન-એર એજયુકેશન અમલી કરાશે. જેથી આ ટેકનોલોજીનો ઉપયોગ દ્વારા વિદ્યાર્થીઓના જ્ઞાનને સંપૂર્ણ અને શ્રેષ્ઠ કક્ષાનું કરી શકાય.