આત્મનિર્ભર અભિયાન હેઠળ સ્થાનિક ઉત્પાદનમાં વધારો કરવાનો સરકારનો લક્ષ્યાંક
દિન-પ્રતિદિન સરકાર આયાત પર પ્રતિબંધ લાદી રહ્યા છે અને સ્થાનિક ઉત્પાદનમાં વધારો કેવી રીતે લાવી શકાય તે દિશામાં સરકાર હાલ અનેકવિધ પગલાઓ લઈ રહી છે. આત્મનિર્ભર અભિયાન અંતર્ગત જે ઉત્પાદકો દેશમાં ઉત્પાદન કરવા માંગતા હોય તેને અનેકવિધ સહાયો પણ સરકાર દ્વારા એનાયત કરવામાં આવશે ત્યારે આ મુદ્દાને ધ્યાને લઈ સરકારે જરૂરીયાત વગરની ચીજવસ્તુઓની આયાત ઉપર પ્રતિબંધ મુકયો છે ત્યારે સૌપ્રથમ સરકારે ટીવીસેટ ઉપર પ્રતિબંધ લાદયો હતો તો હવે એસી ઉપર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. આ અંગેની માહિતી ડીજીએફટી દ્વારા આપવામાં આવી હતી. પહેલા ઠંડક આપતા એસીને ફ્રિ લિસ્ટમાં નોંધણી કરાઈ હતી જેને હવે પ્રોહિબીટેડ લીસ્ટમાં નોંધાવવામાં આવ્યું છે જેથી હવે વિદેશી ઠંડક એટલે કે વિદેશમાં બનતા એસીની આયાત ઉપર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.
જે સ્થાનિક કંપની એસીનું ઉત્પાદન કરતું હોય તેના માટે સારા સમાચાર છે અને સુવર્ણયુગ સમાન સ્થિતિનું પણ નિર્માણ થયું છે કારણકે તેઓ તેમના વ્યવસાયને વ્યાપક પ્રમાણમાં પોતાની છબીને પ્રસ્થાપિત કરી શકશે અને દેશની માંગને પૂર્ણ કરવા માટે પણ અત્યંત કારગત નિવડશે. આત્મનિર્ભર ભારત અભિયાન અંતર્ગત જે ઉધોગકાર દેશમાં એસીનું નિર્માણ કરી રહ્યા છે તેઓએ હવે મોટી કોન્ટીટીમાં ઉત્પાદન કરવુ પડશે જે સીધો જ ફાયદો કંપનીઓને જોવા મળશે. અત્યાર સુધી ભારત દેશ એસીની મુખ્યત્વે આયાત કરતા નજરે પડયા છે જેમાં દેશને બે બિલિયન ડોલરનો ખર્ચ થતો હતો પરંતુ હવે તે ન થતા ખુબ મોટી રકમની બચત પણ થઈ શકશે જેનો સીધો જ ફાયદો દેશના અર્થતંત્ર ઉપર જોવા મળશે. હાલ ભારત દેશ જે એસીની આયાત કરતું હતું તે મુખ્યત્વે ચાઈનાથી થતું હોવાનું સામે આવ્યું છે ત્યારે ફરી સરકારે ચાઈનાથી આયાત થતા એસી ઉપર જે પ્રતિબંધ મુકયો છે તેનો સીધો જ ફાયદો હવે દેશના એસી ઉત્પાદકોને થશે.