- અગ્નિકાંડ બાદ રાજકોટમાં સ્થિતિ સુધારવા મુકયા હતા પરંતુ પ્રક્રિયા જટીલ બનાવી દીધી: દેવાંગ દેસાઇની છ માસમાં જ બદલી
રાજકોટ મહાનગરપાલિકાના કમિશનર દેવાંગ દેસાઇની માત્ર છ માસમાં બદલી કરી દેવામાં આવી છે. ફરીથી તેઓને અમદાવાદ અર્બન ડેવલપમેન્ટ ઓથોરીટી (ઔડા) ના સીઇઓ તરીકે નિયુકિત કરવામાં આવી છે. રાજકોટના નવા મ્યુનિસિપલ કમિશ્નર તરીકે 2012 ની બેચના સંનદી અધિકારી અને ભરુચના કલેકટર તુષાર સુમેરાની નિયુકિત કરવામાં આવી છે.
તેઓ આગામી બે થી ત્રણ દિવસમાં ચાર્જ સંભાળે તેવી સંભાવના જણાય રહી છે.
રાજકોટમાં ગત રપમી મેના રોજ સર્જાયેલા ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડમાં ર7 નિર્દોષ લોકોના જીવ હણાયા હતા. આ ઘટના બાદ રાજય સરકાર દ્વારા આકરા પગલા લેવાયા હતા. આનંદ પટેલની બદલી કરી નાંખવામાં આવી હતી અને ઔડાના સીઇઓ તરીકે ફરજ બજાવતા દેવાંગ દેસાઇની રાજકોટના મ્યુનિ. કમિશનર તરીકે નિયુકિત કરવામાં આવી હતી. અગ્નિ કાંડ બાદ કોર્પોરેશનની વહીવટી પ્રક્રિયા સરળ કરવાના બદલે દેવાંગ દેસાઇએ પ્રક્રિયા જટીલ બનાવી હતી. અનેક નિર્ણયો એવા લીધા હતા જેના કારણે શહેરના વિકાસ કામો પર વિપરીત અસર પડી હતી. ધારાસભ્યો દ્વારા પણ મુખ્યમંત્રી સમક્ષ રજુઆત કરવામાં આવતા
ગઇકાલે રાજય સરકાર દ્વારા માત્ર છ માસમાં ટુંકા સમય ગાળામાં દેવાંગ દેસાઇની બદલી કરી દેવામાં આવી છે. તેઓના સ્થાને ભરૂચના કલેકટર અને 2012 બેચના સંનદી અધિકારી તુષાર દલપતભાઇ સુમેરાની રાજકોટમાં નવા મ્યુનિ. કમિશનર તરીકે નિયુકિત કરવામાં આવી છે. દેવાંગ પી. દેસાઇને ફરી ઔડાના સીઇઓ બનાવવામાં આવ્યા છે. આ ઉપરાંત ગાંધીનગર અર્બન ડેવોપમેન્ટ ઓથોરીટી (ગુડા)ના ઇન્ચાર્જ સીઇઓ તરીકેનો ચાર્જ પણ સોંપવામાં આવ્યો છે.
રાજકોટ મહાપાલિકાના 33માં મ્યુનિ. કમિશનર તરીકે ડી.પી. દેસાઇએ તા. 28 મે 2024ના રોજ ચાર્જ સંભાળ્યો હતો. માત્ર છ માસના ટુંકા ગાળામાં તેઓની બદલી ફરી ઔડામાં કરી દેવામાં આવી છે. નવ નિયુકિત મ્યુનિ. કમિશનર તુષાર સુમેરા આગામી બે થી ત્રણ દિવસમાં ચાર્જ સંભાળશે અત્રે ઉલ્લેખનીય છે કે દેવાંગ દેસાઇ હાલ રજા પર છે. રજા વચ્ચે જ તેઓની બદલી કરી દેવામાં આવી છે.