રેલનગર અને પોપટપરા નાલા બંધ કરવા પડ્યા: મોટા પ્રોજેકટના કારણે અનેક રોડ બંધ હોવાના કારણે વાહન ચાલકોને ભારે હાલાકી: રેલનગર વિસ્તાર શહેરથી વિખુટુ પડી ગયું: વોર્ડ નં.13 અને 14 સહિતના અનેક વિસ્તારોમાં વરસાદના પાણી લોકોના ઘરમાં ઘુસી જતાં ભારે હાલાકી: મેઘરાજાએ મહાપાલિકાની પ્રિ-મોન્સુન કામગીરીની પોલ ખોલી
સ્માર્ટ સિટી બનવા તરફ જેટ ગતિએ આગળ વધી રહેલ રાજકોટ આજે પડેલા ભારે વરસાદના કારણે બેટમાં ફેરવાઈ ગયું હતું. શહેરનો એકપણ રાજમાર્ગ એવો ન હતો કે જ્યાં ગોઠણડુબ પાણી ભરાયા ન હોય. વોર્ડ નં.13 અને 14માં અનેક વિસ્તારોમાં વરસાદના ધસમસતા પાણી લોકોના ઘરમાં ઘુસી જતા ભારે અફરા-તફરી મચી જવા પામી હતી. રેલનગર અને પોપટપરાના નાલા બંધ કરી દેવામાં આવ્યા હતા. બ્રિજના કામને કારણે અનેક રોડ બંધ હોવાના કારણે વાહન ચાલકોએ ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. મુખ્ય બજારો સવારથી બંધ રહેવા પામી હતી. મહાપાલિકાના કંટ્રોલરૂમ પર વરસાદી પાણી ભરાયાની 50થી વધુ ફરિયાદો નોંધાઈ હોવાનું જાણવા મળી રહ્યું છે. જો કે મેઘરાજાએ બપોર સુધીમાં શહેરમાં સ્થળ ત્યાં જળ જેવી સ્થિતિનું નિર્માણ કરી દીધું હતું. તમામ વોર્ડમાં નગરસેવકો ભારે વરસાદમાં લોકોની મદદ અર્થે દોડી ગયા હતા.
રાજકોટ શહેર કોંગ્રેસ પ્રવક્તા ગજેન્દ્રસિંહ ઝાલા (સિનિયર કોંગ્રેસ અગ્રણી), શહેર કોંગ્રેસ મહામંત્રી રમેશભાઈ તલાટીયા, યુથ કોંગ્રેસના પૂર્વ મહામંત્રી ચંદ્રેશ રાઠોડ, મહાપાલિકાના શાસકો, મહાપાલિકાના ભ્રષ્ટાચારની પોલ આજે મેઘરાજાએ ખોલી નાખી છે. શહેરના વોર્ડ નંબર 18,14, 4, 5, 3, 12, 13 સહિતના શહેરમાં અડધોઅડધ વોર્ડમાં વરસાદી પાણી ભરાવાની અને વોકળાના પાણી ઘરમાં ઘૂસી જવાની વ્યાપક ફરિયાદો ઉઠવા પામી છે.
શહેરના ગોકુલ પાર્ક, શિવરંજનીપાર્ક, જીવરાજ પાર્ક, લલુડી વોકળી, માસ્તર સોસાયટી, માર્કેટીંગ યાર્ડ પાસે, વલ્લભનગર, મોરબી રોડ, હાથીખાના સહિતના થોકબંધ વિસ્તારોમાં પાણી ભરાવાની રાજકોટ મહાનગરપાલિકાના જયુબેલી ખાતેના ફલડ કંટ્રોલ રૂમ પર નંબર બે ડઝન જેટલી ફરિયાદો નોંધાઇ છે. હાથીખાના 11 ખાતે રમેશભાઈ તલાટીયા રૂબરૂ દોડી ગયા હતા અને લોકોના બચાવ કાર્યમાં તંત્રને મદદરૂપ બન્યા હતા. શહેરના વોર્ડ નંબર 3 માં આવેલા પોપટપરાનુ નાલુ અને રેલ નગર અંડર બ્રિજ ના રસ્તાઓ બંધ કરાતા શહેરના 70 હજારથી વધુ વસ્તી ધરાવતો રેલ નગર વિસ્તાર શહેરથી વિખૂટો પડી ગયો છે.
રાજકોટ શહેરમાં હાલ બપોર સુધીમાં 17 ઇંચ જેવો વરસાદ પડી ગયો છે. શહેરમાં પડેલા વરસાદને પગલે ભાજપના શાસનનો વિકાસ પાણીમાં તણાયો છે. હાલ રાજકોટમાં આગામી 15 મી સુધીમાં ભારે થી અતિભારે વરસાદ પડવાની આગાહી છે જો રાજકોટમાં અનરાધાર, સાંબેલા ધારે વરસાદ પડે તો રાજકોટ શહેર બેટમાં ફેરવાશે. જેમાં જાનહાની થવાની દહેશત ઉભી થઇ છે. રાજકોટ સૌરાષ્ટ્રના પાટનગર સમાન છે
વર્ષોથી મહાનગરપાલિકા પર ભાજપનો કબજો રહ્યો છે આજે વિકાસના બણગા ફૂંકતા નેતાઓના પાપે વિકાસ તો દૂર વિનાશનો થાય તો સારું રાજકોટમાં હાલ ચારે તરફ મોટા પ્રોજેક્ટો ગોકળગાયની ગતિએ ચાલી રહ્યા છે
અને જે પગલે અનેક મુખ્ય રસ્તાઓ બંધ કરાયા છે અને શહેરમાં પ્રવેશતાની સાથે જ રાજકોટ મહાનગરપાલિકાના માર્ગો મોટાભાગના ભાંગીને ભૂકો થયા છે. જે બહારથી આવતા વાહનચાલકો અને મહેમાનો નું સ્વાગત કરે છે આવા ભાંગીને ભૂકો થયેલા અને તૂટેલા રસ્તાઓની વરસાદી પાણી ભરાતાં હોવાને પગલે રાહદારીઓ અને વાહનચાલકો સામે મોતની લટકતી તલવાર સમાન છે. વરસાદી પાણીની નિકાલની વખતો-વખત વાતો કરવામાં આવી છે. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા વરસાદી પાણીના નિકાલ માટેની સ્ટ્રોમ વોટર સિસ્ટમ ફેઇલ થઈ છે. લોકોને કામ માટે બહાર જવું પડે તો રાજકોટ મહાનગરપાલિકામાં ઘરે પહોંચતાની સાથે વરસાદને પગલે અભિમન્યુના સાત કોઠા વિંધવા પડે તેઓ ઘાટ સર્જાયો છે.
મહાપાલિકામાં એક સમયે વરસાદી પાણીના નિકાલની કુદરતી આબેહૂબ અને બેનમૂન વ્યવસ્થા હતી જે શહેરના વોકળા માં ફટાફટ પાણી વહીને નદીમાં જતું રહેતું હતું. પરંતુ શાસકોએ આ વોકળા પર પોતાના અંગત અને આર્થિક હિત ખાતર બેફામ દબાણો કરાવી અને અધિકારીઓ અને પદાધિકારીઓની મિલીભગતથી શહેરભરમાં મોટાભાગના વોંકળાઓ વેચી માર્યા. અધિકારીઓ અને પદાધિકારીઓની ધૃતરાષ્ટ્રનીતી અને આંખ મિચામણા ને પગલે આજે રાજકોટ શહેરીજનોના ઘરોમાં પાણી ઘુસી ગયા છે.રાજકોટ શહેર પર તોળાતા જળ હોનારત થી ખાના ખરાબી સર્જાવાની ભીતિ વ્યક્ત થઈ છે ત્યારે આ અંગે જવાબદાર કોણ ?