વિશ્વભરમાં અનેક જગ્યાએ અશાંતિનો માહોલ છે. એક તરફ ઇઝરાયેલ અને હમાસનું યુદ્ધ તો બીજી તરફ યુક્રેન અને રશિયા વચ્ચે જંગ ચાલી રહ્યું છે. હજુ પણ ચીન બેથી ત્રણ જગ્યાએ શીંગડા ભરાવી રહ્યું છે. એકાદ વર્ષમાં હજુ ચીનના કારનામાને કારણે નવું એક યુદ્ધ ફાંટી નીકળે તો નવાઈ નથી.
ગત વર્ષે 7 ઓક્ટોબરે ઇઝરાયેલ પર હમાસ દ્વારા કરાયેલ હુમલામાં 1200 થી વધુ ઇઝરાયેલ નાગરિકોની નિર્દયતાથી હત્યા કરવામાં આવી હતી અને 200 થી વધુ લોકોને બંધક બનાવવામાં આવ્યા હતા. હમાસને સજા આપવા માટે ગાઝામાં ઈઝરાયેલની કાર્યવાહીમાં 38,000 પેલેસ્ટિનિયનોના મોત થયા છે. શહેરો, નગરો, ઇમારતો, શાળાઓ અને હોસ્પિટલો કાટમાળમાં તબદીલ થયા છે.
જો કે, હમાસના હુમલાથી નેતન્યાહુને મોટી રાહત મળી હોય તેવું લાગી રહ્યું છે. ભ્રષ્ટાચારના અનેક આરોપોથી ઘેરાયેલા નેતન્યાહુ સત્તા ગુમાવવાના આરે હતા. પરંતુ ગયા વર્ષે ઓક્ટોબરમાં હમાસ દ્વારા ઇઝરાયેલ પર હુમલો થતાં જ નેતન્યાહુને રાહત મળી હતી. સરકારમાં તેમના કટ્ટર વિરોધીઓ પણ તેમને ટેકો આપવા લાગ્યા. ત્યારથી તે હમાસને ધરતી પરથી મિટાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. પરંતુ વાસ્તવિકતા એ છે કે તેમના કેબિનેટના અડધા મંત્રીઓ અને કેટલાક ઇઝરાયેલ ડિફેન્સ ફોર્સિસ જનરલોને પણ વિશ્વાસ નથી કે ગાઝામાં ઇઝરાયેલ યુદ્ધ જીતી રહ્યું છે. વધુમાં, ઇઝરાયેલ પર હિઝબોલ્લાહ અને હુથી હુમલાઓને કારણે સંઘર્ષ લેબનોન અને યમનમાં ફેલાયો છે.
રસ્તા પર ઉતરેલા લાખો આરબોની સામે હમાસ ઈઝરાયેલના પ્રતિકારનું પ્રતિનિધિત્વ કરે છે. તેથી, જ્યાં સુધી પેલેસ્ટિનિયન પ્રદેશો પર ઇઝરાયેલનો કબજો ચાલુ રહેશે ત્યાં સુધી હમાસ જેવા હિંસક સંગઠનો પેલેસ્ટિનિયન યુવાનોને આકર્ષતા રહેશે. નેતન્યાહુ પાસે ઇઝરાયેલ માટે કોઈ લાંબા ગાળાની દ્રષ્ટિ નથી, તેના બદલે તેમનું પોતાનું રાજકીય અસ્તિત્વ તેમના માટે સૌથી મહત્વપૂર્ણ છે. હમાસને ખતમ કરવા માટે તેઓએ ગાઝામાં જે યુદ્ધ ચલાવ્યું છે તેનાથી માત્ર નિર્દોષ પેલેસ્ટિનિયનોને જ નુકસાન થયું નથી, પરંતુ ઇઝરાયેલના લાંબા ગાળાના હિતોને પણ નુકસાન થયું છે.
દુર્ભાગ્યે, ગાઝા અને પશ્ચિમ કાંઠે તેમના દસ મહિનાના લાંબા અભિયાન દ્વારા, નેતન્યાહુએ આડકતરી રીતે તેના કરતા દસ ગણા વધુ ભાવિ પેલેસ્ટિનિયન લડવૈયાઓ બનાવ્યા છે. એક પેલેસ્ટિનિયન છોકરો, જેણે તેના માતા-પિતાને ઇઝરાયેલી બોમ્બ દ્વારા માર્યા ગયેલા અને કાટમાળ હેઠળ દટાયેલા જોયા હતા, તે બદલાની આગમાં લડવૈયો બની ઇઝરાયેલ સામે ઉતરશે તે નક્કી છે. આવું તો હજારો લોકો સાથે બન્યું છે. આમ બદલાની આ આગ આખરે ક્યારે બુઝાશે તેવો પ્રશ્ન ઉઠી રહ્યો છે.