એક સાધુ સ્નાન કરવા નદીએ જાય છે. ત્યારે એક વીંછીને ડૂબતા જોવે છે. એટલે સાધુ હાથ લંબાવી વીંછીને બચાવવાનો પ્રયાસ કરે છે. પણ જેવો હાથ નજીક આવે તુરંત વીંછી તેને ડંખ મારે. આ ઘટના ચારથી પાંચ વાર બની. ત્યારે ત્યાંથી પસાર થઈ રહેલા એક વ્યક્તિએ સાધુને પૂછ્યું કે વીંછી મરતો હોય, તો મરવા દયોને તમે શું કામ ડંખ ખાવ છો. ત્યારે સાધુએ કહ્યું કે તે વીંછી છે તે તેનું ડંખ મારવાનું કામ કરે છે. હું સાધુ છું. હું મારું જીવદયાનું કામ કરૂં છું. આ વીંછી એટલે આજનું તુર્કી.
તુર્કીએ ઓર્ગેનાઈઝેશન ઓફ ઈસ્લામિક ક્ધટ્રીઝ સાથે મળીને ફરી પાકિસ્તાનનો પક્ષ લીધો છે. તુર્કી જાણે છે કે જમ્મુ અને કાશ્મીર પર પાકિસ્તાનનો દાવો સંપૂર્ણપણે બોગસ છે, તેમ છતાં તે સંયુક્ત રાષ્ટ્ર જેવા વૈશ્વિક મંચ પર ભારત વિરુદ્ધના દુષ્પ્રચારમાં સામેલ થયું છે. નવાઈની વાત એ છે કે ભૂકંપને કારણે થયેલી તબાહીમાંથી બહાર આવવા માટે ભારતે તુર્કીને ઘણી મદદ કરી હતી, તે પછી પણ તુર્કીનો ભારત વિરોધી સૂર બંધ થયો નથી. તેઓ યુએનના મંચ પર પાકિસ્તાન અને ઓઆઇસીના અવાજમાં જોડાયા અને કહ્યું કે ભારત જમ્મુ-કાશ્મીરમાં માનવાધિકારનું ઉલ્લંઘન કરી રહ્યું છે. પાકિસ્તાન અને ઓઆઇસી ભારત વિરુદ્ધ દુષ્પ્રચાર કરે તે સામાન્ય છે. પરંતુ ભારતની મદદ મળ્યા બાદ પણ તુર્કીએ ઝેર ઓક્યું, આ આશ્ચર્યજનક છે.
તેમ છતાં, ભારતે સંયુક્ત રાષ્ટ્ર માનવાધિકાર પરિષદ માં ઉઠાવેલા જમ્મુ અને કાશ્મીરના મુદ્દા પર યોગ્ય જવાબ આપ્યો છે. યુએનએચઆરસીમાં ભારતના પ્રતિનિધિ સીમા પુંજાનીએ કહ્યું, “સામાન્ય માણસના જીવન, આજીવિકા અને સ્વતંત્રતા માટે લડી રહેલા પાકિસ્તાનનું ભારતની પાછળ ઊભું રહેવું, તેની ખોટી પ્રાથમિકતાઓ દર્શાવે છે.” હું પાકિસ્તાનના નેતૃત્વ અને તેના અધિકારીઓને કહીશ કે તેઓ પાયાવિહોણા પ્રચારને બદલે સામાન્ય લોકોના હિતમાં તેમની શક્તિ ખર્ચ કરે. પંજાનીએ તુર્કીના સ્ટેન્ડ પર પણ ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું, ’ભારતના આંતરિક મામલામાં તુર્કીના નિવેદનથી અમે દુખી છીએ. મારી સલાહ એ છે કે આપણી આંતરિક બાબતો પર બિનજરૂરી ટિપ્પણીઓ કરવાનું ટાળો. તેમણે કહ્યું કે જ્યાં સુધી ઓઆઇસીના નિવેદનનો સવાલ છે, અમે જમ્મુ-કાશ્મીર પર તેના બકવાસને ફગાવીએ છીએ.
પંજાનીએ પાકિસ્તાન અધિકૃત કાશ્મીર પર ભારતના અધિકાર પર ભાર મૂક્યો અને કહ્યું, જમ્મુ-કાશ્મીર અને લદ્દાખ ભારતનો અભિન્ન અંગ હતો, છે અને રહેશે. પાકિસ્તાને ભારતના વિસ્તાર પર ગેરકાયદેસર કબજો જમાવ્યો છે. તેમણે કહ્યું કે પાકિસ્તાન પોતાની આતંકી ફેક્ટરી પરથી દુનિયાનું ધ્યાન હટાવવા માટે ભારત વિરુદ્ધ બકવાસ વાતો કરતું રહે છે. પંજાનીએ કહ્યું, “ઓઆઈસી, જે ઈચ્છે છે કે પાકિસ્તાન રાજ્ય પ્રાયોજિત આતંકવાદથી પીઠ ફેરવે અને ભારતીય જમીન પરનો તેનો બિનસત્તાવાર કબજો છોડી દે, તે તેના પ્લેટફોર્મનો ઉપયોગ ભારત વિરુદ્ધ પ્રચાર ચલાવવા માટે કરી રહ્યું છે.” નોંધનીય છે કે પાકિસ્તાનના વિદેશ મંત્રી હીના રબ્બાની ખારે ગુરુવારે ભારતનું નામ લીધા વિના કહ્યું હતું કે પાડોશી દેશનો સૈન્ય આધુનિકીકરણ કાર્યક્રમ પાકિસ્તાનની રાષ્ટ્રીય સુરક્ષા માટે ખતરો બની ગયો છે.
ગયા મહિને તુર્કીમાં ભૂકંપ આવ્યો હતો, જેમાં જાનમાલનું મોટું નુકસાન થયું હતું. તુર્કી જમ્મુ અને કાશ્મીરના બહાને આપણી સામે ઝેર ઓકતું રહે છે એ વિચાર્યા વિના ભારતે તરત જ મદદનો હાથ લંબાવ્યો. માનવતાને સર્વોપરી માનીને, ભારતે સેના અને એનડીઆરએફની ટીમ સાથે દવાઓ અને અન્ય રાહત સામગ્રીના ઘણા માલસામાન મોકલ્યા. ભારતીય ટીમની સેવા અને સમર્પણ જોઈને તુર્કીના લોકો પણ ભાવુક થઈ ગયા. પરંતુ ત્યાંની રેસેપ તૈયપ એર્દોગાન સરકાર પર ભારતની આ ઉદારતાની કોઈ અસર દેખાતી નથી.