મોદીની ‘મિશન વેકિસન’ માટેની ‘આત્મનિર્ભર’ ટૂર ફળી; ભારતમાં બનેલી રસીની વિશ્વભરમાં બોલબાલા !!
ગલ્ફ દેશોને ભારત ૧૧ લાખ ડોઝ ‘ભેટ’માં આપશે !!
ભારતીય ઉપખંડના પાડોશી દેશોને પ્રથમ ખેપ મોકલ્યા બાદ હવે, ગલ્ફ દેશોને ‘કોરોના કવચ’ પૂરૂ પડાશે; આફ્રિકાને ૧ કરોડ ડોઝ અપાશે
કોરોના વાયરસના કારણે છવાયેલી વૈશ્ર્વિક મહામારીમાંથી ઉગરવા વિશ્ર્વના તમામ દેશો, આંતરરાષ્ટ્રીય સંગઠનો અને વૈજ્ઞાનિકો અવિરત પ્રયાસોમાં ઝુટાયા છે. મોટાભાગના દેશોમાં જોરોશોરથી રસીકરણ ઝુંબેશ શરૂ થઈ ગઈ છે. ત્યારે મહામારીના આ કપરાકાળમાંથી ઉગરી કોરોના મુકત થવા વિશ્વભરનાં દેશો ભારત પાસે મદદ માટે આવ્યા છે. તુમ બીન મે બીચારા… જેવો ભારતની રસી માટે ઘાટ સર્જાયો છે. કોરોનાને નાબુદ કરી પોતાના નાગરીકોને ‘સુરક્ષા કવચ’ પુરૂ પાડવા વિશ્ર્વને ભારત વિના છૂટકો જ નથી એ વાત અહી ફરી સાબિત થઈ છે. કારણ કે સમગ્ર વિશ્ર્વમાં રસી ઉત્પાદનના ટોચના દેશોમાં ભારતનું પ્રભુત્વ પહેલેથી જ રહ્યું છે. ભૂતકાળમાં ડોકીયું કરીએ તો પોલિયો જેવી ઘણી બિમારીઓની રસીમાં ભારતનો ફાળો અતિ મહત્વનો રહેલો છે. સમગ્ર વિશ્વની જરૂરીયાતના ૬૦ ટકા રસી એકલા ભારતે વિકસાવેલી છે.ત્યારે હાલ કોરોનાની રસીનું પણ મોટાપાયે ઉત્પાદન કરી અન્ય દેશોની મદદે આવી ભારતે ‘વસુધૈવ કુટુંમ્બકમ’ અને માનવધર્મનું વધુ એક ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરૂ પાડયું છે.
અગાઉ જૂની બીમારીઓની રસીની શોધ ભલે ભારતમાં ન થઈ હોય, પણ રસીનું મબલખ ઉત્પાદન કરી મોટાભાગના દેશો સુધી તેને પહોચાડવાની કામગીરીમાં ભારત હંમેશા અવલ્લ રહ્યું છે. આ જ વાત ફરી દોરાઈ છે અને આપણી સ્વદેશી રસીની વિશ્ર્વભરમાં બોલબાલા થઈ રહી છે. આ માટે ‘આત્મનિર્ભર ભારત અભિયાને’ પણ એક મહત્વની કડીરૂપ ભાગ ભજવ્યો છે. મોદી સરકારના વડપણ હેઠળ શરૂ થયેલી ‘આત્મનિર્ભરતા’ માટેની પહેલે રસીકરણ ક્ષેત્રમાં ડંકો વગાડયો છે. હાલ, ભારતમાં કોવેકિસન અને કોવિશિલ્ડ એમ બે રસીનાં ડોઝ શરૂ થયા છે. એ એક ગૌરવવંતી વાત છે. આની નોંધ વિશ્ર્વ સ્વાસ્થ્ય સંગઠને પણ લઈ ભારતની કામગીરીની પ્રશંસા કરી છે.માત્ર પોતાના માટે જ નહિ પણ સમગ્ર વિશ્ર્વ માટે ભારતે ‘કોરોના કવચ’ પૂરૂ પાડયું છે. પાકિસ્તાન અને અફઘાનિસ્તાન સિવાય દક્ષિણ એશિયાના ભારતીય ઉપખંડના તમામ દેશોમાં રસીના ડોઝ પહોચાડાઈ ચૂકાયા છે. જોકે, પાક અને અફઘાનને પણ ઓર્ડર અનુસાર, રસી પહોચાડાશે તેમ સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું છે નેપાળ, ભૂતાન બાંગ્લાદેશ, સેશેલ્સ, મ્યાનમાર વગેરે પાડોશી દેશોને કોવિશીલ્ડ અને કોવેકિસનના ડોઝ પહોચાડી દેવાયા છે. ત્યારે હવે, આગામી થોડા દિવસોમાં ગલ્ફ દેશોમાં રસીની નિકાસ શરૂ કરાશે.
તાજેતરમાં વિદેશ મંત્રાલયે જણાવ્યું કે, ગલ્ફ દેશોને ૧૧ લાખ ડોઝ ‘ભેટ’માં અપાશે. ઓમાનને ૧ લાખ, કેરીકોમને ૫ લાખ, નિકારાગુઆને બે લાખ, પેસીફીક આયલેન્ડને બે લાખ જયારે બેહરીનને ૧ લાખ ડોઝ ‘ભેટ’માં અપાશે. વિદેશ મંત્રાલયના પ્રવકતા અનુરાગ શ્રીવાસ્તવે કહ્યું કે, પહેલા સ્થાનિક જરૂરીયાતોને મહત્વતા આપી પછી નિકાસ કરવામાં આવી રહી છે. સાઉદી અરેબીયા, સાઉથ આફ્રિકા, કેનેડા, મંગોલિયામાં ૧ કરોડ ડોઝ પહોચાડાશે જયારે સંયુકત રાષ્ટ્રના રસીકરણ અભિયાન કોવોવેકસ માટે પણ ૧૦ લાખ જેટલા ડોઝ આપવામાં આવશે.