લોકો ઘર આંગણામાં રંગોળી દિવડા, તુલસીપુજા અને સાટો ધરી થશે ધન્ય: સાંજે આતશબાજી સાથે તુલસી અને શાલિગ્રામના પરણેતર: ઠેર ઠેર મહાપ્રસાદ અને અન્નકુટના આયોજનો
કારતક સુદ અગિયારસને આજે તુલસીવિવાહ પર્વ અને દેવ ઉઠી અગિયારસ છે. સૌરાષ્ટ્રના ગામોગામ પવિત્ર તુલસી અને શાલીગ્રામનો રંગચંગે લગ્નોત્સવ ઉજવાશે વિધિવત રીતે ભગવાનની જાન, સામૈયા, ફેરા જેવા માંગલિક પ્રસંગો યોજાશે. આ અવસરે ભગવાનને શેરડીનો પ્રસાદ ધરાવવામાં આવે છે.
ભગવાન વિષ્ણુ અષાઢ સુદ અગિયારસના રોજ ગાઢ નિંદ્રામાં પોઢી જઈ કારતક સુદ અગિયારસે જાગે છે. આથી દેવ ઉઠી અગીયારસ અને દેવદિવાળી પર્વ મનાવાય છે. દેવદિવાળીએ લોકો પોતાના ઘર આંગણે તુલસીની રંગોળી બનાવે છે તેમજ દિપ પ્રાગટય કરી તુલસીપુજા કરે છે.
આ ઉપરાંત તુલસીને શેરડીનો સાટો ધરવામાં આવે છે. જે બીજા દિવસે પ્રસાદ રૂપે લોકો આરોગે છે.
કારતક સુદ અગિયારસનો ઉપવાસ કરવો ઉતમ છે. ઉપવાસથી તમામ પાપો નષ્ટ થાય છે. તેમજ જીવનમાં સુખ શાંતિ અને સમૃધ્ધિ મળે છે.
આજે દેવવિવાહના પ્રસંગમાં કોઈ ભાવિકો જાનૈયા તો કોઈ માંડવિયા બની ભગવાનને પરણાવે છે.
શાલિગ્રામ એ ભગવાનનું આઠમું સ્વરૂપ હોય તેની સાથે તુલસીના વિવાહ ગૌધુલિક સમયે થાય છે. ભાવિકો દ્વારા અનેક મંદિરોમાં પણ તુલસીવિવાહના આયોજનો થાય છે. તેમજ મહાપ્રસાદ અને અન્નકૂટ યોજાઈ છે.
આકાશમાં ફરી એક વખત નાના-મોટા સૌ આતશબાજી કરી દેવદિવાળી ઉજવશે.
જેઓને દિકરી ન હોય તેઓ તુલસીવિવાહ કરી ક્ધયાદાન કરવાનું સુખ પ્રાપ્ત કરે છે. આ ઉપરાંત સુખી દામ્પત્ય જીવન, સંતાન પ્રાપ્તી માટે પણ તુલસીવિવાહ કરવામાં આવે છે. આજે નાના મોટા શહેરો, ગામડાઓમાં તુલસીવિવાહ યોજાયા બાદ કાલથી લોકોના શુભવિવાહ, માંગલિક પ્રસંગોનો પ્રારંભ થશે.
કથા પ્રમાણે પતિવ્રતા વૃંદાનું ભગવાને પાતીવ્રત્ય ખંડિત કરતા વૃંદાએ શ્રાપ આપ્યો હતો અને સતી થઇ હતી ત્યારકબાદ તેની રાખ માંથી પવિત્ર તુુલસીનો જન્મ થયો હતો. ભગવાનનું આઠમું સ્વરૂપ એવા શાલીગ્રામ સાથે તુલસીના વિવાહ થયા હતા. ત્યારથી તુલસી વિવાહનો પર્વ કારતક સુદ અગીયારસે ઉજવવામાં આવે છે